હંમેશા લોકોની સેવામાં આગળ રહેતા કોળી સમાજના આગેવાન અને કોળી સેના પ્રમુખ ચંદુભાઈ મકવાણા તા. 25 માર્ચના રોજ જેતપુરના સિટી પોલીસ સ્ટેશનમાં પરપ્રાંતિય પરિવારને ત્યાં ચોરીનો બનાવ બન્યો હતો તેને લઈને જેતપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા ગયા હતા. તે દરમિયાન જેતપુર પોલીસ સ્ટેશનના પી.આઈ જે.બી.કરમુર બોલ્યા કે, શું આવ્યા છો ? ત્યારે ચંદુભાઈ મકવાણાએ પરપ્રાંતિય પરિવારને ત્યાં ચોરી થઈ છે તે જણાવ્યું હતું. પરંતુ તેના બદલામાં કરમુરાએ તેમ કોળી લોકો દલાલ છો, દલાલોને આવું નહીં કહીને સમસ્ત કોળી સમાજનું અપમાન કર્યું હતું.
આવા અયોગ્ય શબ્દો કહીને કોળી સમાજની લાગણી દુભાવી છે. ત્યારે આવી ખોટી દાદાગીરી કરનાર પી.આઈ કરમુરાને સસ્પેન્ડ કરવાની માંગ સાથે કોળી સેના ગુજરાતના પ્રમુખ ધીરુભાઈ મોરાસીયા, રમેશ ચુડાસમા અને ઉપ પ્રમુખ મહેશ કામળીયાએ ગૃહ પ્રધાન હર્ષ સંઘવી, ગીર સોમનાથ એસ.પી. મનોહરસિંહ જાડેજા અને સાંસદ રાજેશભાઈ ચુડાસમાને આવેદન પત્ર પાઠવ્યું છે. આ ઉપરાંત ભૂતકાળમાં પણ પી.આઈ કરમુરા વિરુધ્ધ અનેકો ફરિયાદ થઈ છે. વર્દીના જોરે આમ જનતા ઉપર અત્યાચાર કર્યા છે. વધુમાં જો પી.આઈ કરમુરાને સસ્પેન્ડ નહીં કરવામાં આવે તો ગુજરાત કોળી સમાજના આગેવાનો ગાંધી ચિઁધ્યાના માર્ગે આંદોલન કરશે તેવી ચિમકી આપી છે.