મહાનગરપાલિકાને માંડી વાળવા સિવાય રસ્તો નહીં છતાં સર્વેનું રટણ: કલેક્ટર, ઙૠટઈક, જિલ્લા પંચાયત સહિતની સરકારી કચેરીના 20 કરોડના વેરાની વસૂલાત બાકી
વેરા વિભાગ દ્વારા બાકી વેરો વસૂલવા માટે છેલ્લા 6 વર્ષથી પ્રયાસ કરી રહ્યા છે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકામાં વોટરવર્ક્સ અને વેરા વસુલાત શાખાના સંકલનનો અભાવ હવે આર્થિક જોખમ ઊભું કરી રહ્યો છે. એક તરફ કેન્દ્ર અને રાજ્ય સરકારની 20 જેટલી સરકારી કચેરીઓ પાસેથી પાણીવેરા સહિત વિવિધ વેરાની રૂપિયા 100 કરોડની બાકી રકમ વસૂલવા માટે મિટિંગનો દોર ચાલી રહ્યો છે. ત્યારે બીજી તરફ શહેરમાં કુલ 30 હજાર જેટલા ભૂતિયા નળ કનેક્શનની સમસ્યા સામે આવી છે.
જેના કારણે મહાનગરપાલિકાએ આશરે રૂપિયા 225 કરોડ જેવી તોતિંગ રકમની માંડવાળ કરવાની તૈયારી કરવી પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. આટલી મોટી રકમ હવે ’પાણી’માં ગઈ હોવાનું લાગી રહ્યું છે. જોકે, અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવનાર હોવાનું રટણ કરાયું છે. વેરા વસૂલાત શાખાના જણાવ્યા મુજબ આ ભૂતિયા નળ કનેક્શનની સમસ્યા મુખ્યત્વે જૂના રાજકોટના અનેક વિસ્તારોમાં વધુ જોવા મળી રહી છે. સમસ્યાની શરૂઆત વર્ષ 2018માં થઈ હતી. મહાનગરપાલિકાએ કાર્પેટ એરિયા આધારિત મિલકત વેરા વસૂલવાનું શરૂ કર્યું, ત્યારે મિલકત વેરાની સાથે જ પાણીવેરાની વસૂલાત પણ વેરા બિલમાં બંને રકમ એકસાથે આપવાની શરૂઆત કરી હતી. જોકે, આ પ્રક્રિયામાં જ્યારે બિલ આપવામાં આવ્યા ત્યારે અનેક સ્થળોએ મિલકત વેરાની રકમ કરતાં પાણીવેરાની રકમ અનેક ગણી આવતા વિવાદ થયો હતો. દરમિયાન હકીકત સામે આવી કે, મોટાભાગના સ્થળોએ મિલકતનો મૂળ આસામી કોઈ બીજો છે અને ત્યાં રહેનાર કે વેરો ભરનાર વ્યક્તિ કોઈ અન્ય છે. અનેક મિલકત માલિકો સ્થળાંતર કરીને અન્ય સ્થળે રહેવા ગયા છે અને તેઓએ મિલકતમાં નામ ટ્રાન્સફર કરાવ્યું છે, પણ નળ જોડાણમાં નહીં. કેટલાક લોકોના સરનામામાં માત્ર રાજકોટ લખ્યું છે. અથવા વિસ્તારના નામ સાથે રાજકોટ લખ્યું છે. મોબાઈલ નંબર પણ આપ્યા નથી. આમ આ નળ કનેક્શન કોના છે તે શોધવું મોટા ભાગે અશક્ય છે. જોકે, તંત્ર દ્વારા તપાસ અને સર્વે કરવામાં આવતો હોવાનું
જણાવાયું છે.
પણ આવા વ્યક્તિઓ મળે તેવું લાગતું નથી. એટલે કે, રૂપિયા 225 કરોડની માતબર રકમ આવનારા સમયમાં માંડવાળ કરવી પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. હાલ રાજકોટ શહેરમાં 47 હજાર કરતા વધુ નળ કનેક્શન છે. આ પૈકી 17 હજાર લોકો નિયમિત પોતાનો વેરો ભરપાઈ કરે છે. અન્ય 30 હજાર કનેક્શન પૈકી કેટલાકમાં મોબાઈલ નંબર નથી. અમુકમાં અધૂરા એડ્રેસ છે. જેના આધારે વ્યક્તિને શોધવાનું પણ શક્ય નથી. તો વેરા વસૂલવો દૂરની વાત છે.
નળ કનેક્શનનો ડેટા કમ્પ્યુટરાઈઝ્ડ ન કર્યો
- Advertisement -
આ સમસ્યાનું મૂળ મહાનગરપાલિકાના જૂના વહીવટી માળખામાં છે. અગાઉ રાજકોટ મહાનગરપાલિકા માત્ર એક સ્થળે (હાલના સેન્ટ્રલ ઝોનમાં) કામ કરતી હતી. તે સમયે પાણીવેરાના બિલ અગલથી મળતા હતા અને તેની વસૂલાતની જવાબદારી વોટરવર્ક્સ ડિપાર્ટમન્ટની હતી. સમય જતાં શહેરના વિકાસ સાથે વેસ્ટ ઝોન અને ઇસ્ટ ઝોન એમ બે વધારાની ઝોન કચેરીઓ શરૂ થઈ. આથી વોટરવર્ક્સ વિભાગે પણ ઝોન વિસ્તાર મુજબ કામગીરી સંભાળી લીધી, પરંતુ ડિજિટલ યુગની શરૂઆત થઈ હોવા છતાં વોટરવર્ક્સ વિભાગે નળ કનેક્શનનો ડેટા કમ્પ્યુટરાઈઝ્ડ કર્યો નહોતો. 2018માં જ્યારે કાર્પેટ એરિયા આધારિત વેરા વસૂલવાનું શરૂ થયું અને વેરા વસૂલાત શાખાએ નળ કનેક્શનને મિલકત વેરા સાથે લિંક કરવા માટે વોટરવર્ક્સ વિભાગ પાસે ડેટા માગ્યો ત્યારે વિભાગે કમ્પ્યુટરાઈઝ્ડ કે મેન્યુઅલ સંપૂર્ણ ડેટા ન હોવાનું કહી જે થોડો ઘણો ડેટા હતો તે આપીને જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા હતા. આ સંપૂર્ણ ડેટાના આધારે જ્યારે મિલકત વેરાની બજવણી સાથે નળ કનેક્શનની ખરાઈ કરાઈ ત્યારે તફાવત સામે આવ્યો. જેમાં મિલકત વેરો ભરનાર આસામી અને જુના સરનામા આધારે પાણી વેરો ભરનાર આસામી બંને અલગ અલગ હોવાનું જોવા મળ્યું હતું.
દંડ કે પેનલ્ટી વસૂલીને મનપા પોતાનું નુકસાન ઓછું કરી શકશે
હકીકતમાં વેરા વસૂલાત શાખાને નળ કનેક્શનનો તાળો મેળવવો હવે ’લોઢાના ચણા ચાવવા’ જેવું બની ગયું છે. આ પ્રકારના કનેક્શનનો વેરો બાકી હોવાથી નિયમો મુજબ કનેક્શન કાપી શકાતા નથી. જેના કારણે લેણું વદી રહ્યું છે. ત્યારે આવા નળ કનેક્શન કાપી અને બાકીનો વેરો પણ માંડવાળ કરવા એકમાત્ર વિકલ્પ છે. જો આવું થશે તો જ લોકો સામેથી આવશે અને દંડ કે પેનલ્ટી વસૂલીને મનપા પોતાનું નુકસાન ઓછું કરી શકશે. ત્યારે આગામી સમયમાં અધિકારીઓ દ્વારા આ બાબતે ક્યારે અને શું નિર્ણય લેવાય છે તે જોવું રહ્યું.
બાકી વેરો માર્ચનાં અંત સુધીમાં મળવાની શક્યતા
રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસૂલાત શાખાએ વિવિધ સરકારી કચેરીઓ પાસેથી પાણીવેરા પેટે કુલ રૂપિયા 20.30 કરોડની વસૂલાત કરવાની બાકી છે. કલેક્ટર, ઙૠટઈક, જિલ્લા પંચાયત સહિતની અન્ય સરકારી કચેરીઓનો સમાવેશ કરાયો છે. વસૂલાત માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા જે તે કચેરીના વડા સાથે પત્ર વ્યવહાર તેમજ ઇમેલ સહિતની પ્રક્રિયા ચાલી રહી છે. આ કચેરીઓનો બાકી મિલકત અને પાણીવેરો માર્ચનાં અંત સુધીમાં મળી જાય તેવી શક્યતા છે. વેરા વિભાગ દ્વારા 30 હજાર કનેક્શનનાં બાકી બિલ વસૂલવા માટે છેલ્લા 6 વર્ષથી પ્રયાસ કરી રહ્યા છે.
સરકારી કચેરીઓ પણ ‘ભૂ’ પીવડાવી ગઈ!
કચેરી બાકી વેરો
કલેક્ટર 1.92 કરોડ
ડેપ્યુટી કલેક્ટર 3.22 લાખ
ઙૠટઈક 3.22 કરોડ
પોલીસ કમિશનર 3.48 કરોડ
જિલ્લા પંચાયત 3.28 કરોડ
વિવિધ સરકારી કચેરીઓ પાસેથી પાણીવેરા પેટે કુલ રૂ.20.30 કરોડની વસૂલાત કરવાની બાકી



