ગ્રામજનોની તટસ્થ તપાસની માંગ, ઉગ્ર આંદોલન કરવાની ચીમકી
ખાસ-ખબર સંવાદદાતા
તાલાલા તાલુકાનાં હિરણવેલ ગામે આવેલી ગૌ શાળા વન વિભાગે તોડી પાડી છે. જેના પગલે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાની તટસ્થ તપાસની માંગ કરી છે. તપાસ કરવામાં નહી આવે તો ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે. તેવી ચિમકી ઉચ્ચારી હતી.
- Advertisement -
ખેડૂત તથા ખેતમજૂરો ની વસ્તી ધરાવતું તાલાલાનું હિરણવેલ ગીર ગામ ગીરના જંગલમાં 1917 માં વસેલું છે. આ ગૌ શાળા વર્ષોથી આવેલ છે અને જય પીઠડ નિરાધાર ગૌ શાળા ચેરીટી કમિશ્નરમાં નોંધાયેલ છે. ગામમાં સિહો અને દિપડાઓ દરરોજ રાત્રે આવે છે. છેલ્લા એક વર્ષમાં ગામની નિરાધાર 20 ગૌ માતા તથા પશુપાલકની 50 મળી જંગલી જાનવરોએ 70 થી પણ વધુ કિંમતી પશુઓના મારણ કર્યા છે. જેથી ગૌશાળાના સંચાલકોએ વર્ષો જુની ગૌ શાળાના પટાંગણમાં સુરક્ષા માટે નવું છાપરૂં બનાવ્યું હતું. આ ગૌ શાળા અમારી હદમાં આવી છે તેમ કહી જંગલખાતાએ ગૌ શાળાનાં ટ્રસ્ટી વિરૂદ્વ તાલાલા પોલીસમાં ફરિયાદ આપી ગૌ શાળા ઉપર બુલડોઝર ફેરવી ગૌ શાળા તોડી નાખી હતી. જંગલખાતાએ ગૌ શાળા તોડી નાખતા સૌ હતાશ થઇ ગયા હતા.
આ બનાવથી જંગલખાતા સામે ભારે રોષ ભભૂકી ઉઠયો છે.વન વિભાગની કામગીરી સામે રોષ ફેલાયો છે. તેમજ ગઇકાલે આંદોલનકારી અને આપનાં નેતા પ્રવિણભાઇ રામ હિરણવેલ ગામે પહોંચ્યાં હતાં. તેમજ આ ઘટનાની તટસ્થ તપાસ કરવાની માંગ કરાઇ છે. તેમજ તપાસ કરવામાં નહી આવે તો રેલી યોજી ઉગ્ર આંદોલન કરવાની ચિમકી આપી હતી. મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્ર થયા હતાં. અને વન વિભાગની કામગીરી સામે રોષ ઠાલવ્યો હતો.