વહેલી સવારે ઘરના ગાર્ડનમાં ઊગેલાં ફૂલો પર બાઝેલી ઝાકળને જોઇને થયું કે આના જેટલું શુદ્ધ તો ડિસ્ટિલ્ડ વોટર પણ નહીં હોય! ઝાકળબિંદુને જોઇને હંમેશાં મને તાજું જન્મેલું શિશુ યાદ આવી જાય છે. પુષ્પની પરાગરજ કેટલી સૂક્ષ્મ હોય છે! વૃક્ષનું બીજ કેટલું નાનું હોય છે! પણ એમાં બીજું નવું વૃક્ષ સમાયેલું હોય છે. જરૂર હોય છે માત્ર એને માટીમાં રોપવાની અને પ્રકાશ, પાણી અને પોષણ આપવાની. આવું જ આપણા આત્માનું છે. કરોડો કોષોના બનેલા આપણા દેહમાં પરમાત્મા એક નાના તલના દાણા જેવડા તેજબિંદુ રૂપે સહસ્રાર ચક્રમાં બિરાજમાન હોય છે. એ નીલબિંદુમાં પૂર્ણ બ્રહ્મ સમાયેલું છે. આવશ્યકતા છે માત્ર એને જોવાની, જાણવાની અને જાગ્રત કરવાની. સૂર્યપ્રકાશનાં કિરણો વડે રણપ્રદેશમાં રચાતાં મૃગજળની પાછળ દોડીદોડીને હરણો આખરે મૃત્યુ પામે છે, એમ જ આપણે મનુષ્યો પણ બ્રહ્મને ભૂલીને માયાનાં મૃગજળમાં અટવાઇને મૃત્યુ પામીએ છીએ. માયાનું આવરણ હટાવીશું તો સહસ્રારમાં રહેલાં નીલબિંદુને જોઇ શકીશું. આપણો જીવનપ્રવાસ ભ્રમથી બ્રહ્મ સુધીનો હોવો જોઇએ.
આપણો જીવન પ્રવાસ ભ્રમથી બ્રહ્મ સુધીનો હોવો જોઇએ
Follow US
Find US on Social Medias