જ્યારે 23 વર્ષના થશે ત્યારે 10 લાખ મળશે
પી.એમ. કેર ફોર ચિલ્ડ્રન યોજના હેઠળ વડાપ્રધાન મોદીએ વર્ચ્યુઅલી સ્કોલરશીપ ટ્રાન્સફર કરી
ખાસ-ખબર સંવાદદાતા
મહિલા અને બાળ વિકાસ મંત્રાલય તથા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય, નવી દિલ્હી દ્વારા કોવીડ સંક્રમણ-19 દરમ્યાન જે બાળકોએ માતા તથા પિતા બંન્ને ગુમાવેલ છે તેવા પરીવારના બાળકોને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડીને તેઓ ઉત્તમ નાગરીક બની શકે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની આગવી સુઝથી ‘પી. એમ. કેર્સ ફોર ચિલ્ડ્રન સ્કીમ’ અમલમાં મુકવામાં આવી હતી, જેના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વરદ હસ્તે વર્ચ્યુઅલી ‘પી. એમ. કેર્સ ફોર ચિલ્ડ્રન સ્કીમ’ હેઠળ સમાવેશ થયેલા બાળકોને લાભો તથા સર્વિસીસ રીલીઝ કરવાનો કાર્યક્રમ કલેકટર કચેરી ખાતે જિલ્લા વહિવટી તંત્ર, રાજકોટ તરફથી યોજાયો હતો.
- Advertisement -
આ યોજના હેઠળ સમાવિષ્ટ બાળકોને 18 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી કેન્દ્ર સરકાર દ્વારા માસિક રૂા. 2000ની સહાય તથા ગુજરાત સરકાર દ્વારા 21 વર્ષ સુધી માસિક રૂા. 4000ની સહાય ચુકવવામાં આવી રહી છે તેમજ આ બાળકો 23 વર્ષના થાય ત્યારે રૂા. 10 લાખની સહાય ચૂકવવામાં આવશે. આ બાળકોને આયુષ્માન ભારત યોજના અન્વયે આરોગ્ય વિમો પણ અપાશે. એક્સ ગ્રેસીયા સહાય અન્વયે રૂા. 50 હજાર ચૂકવવામાં આવ્યા છે. આ તકે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાનીએ વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું.
આ તકે સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, કુંવરજીભાઈ બાવળિયા, કલેકટર અરૂણ મહેશ બાબુ, નિવાસી અધિક કલેકટર કેતન ઠક્કર દ્વારા રાજકોટ જિલ્લાના 54 બાળકોને લાભો એનાયત કરાયા હતા.