CM અને ગૃહમંત્રી હાજરી આપશે, બહુમાળી ભવનથી રાષ્ટ્રીય શાળા સુધીનો રૂટ
આઝાદીના અમૃત મહોત્સવના ઉપલક્ષમાં રાજકોટ શહેરમાં પણ તિરંગા યાત્રાનું આયોજન કરવાની જાહેરાત જિલ્લા વહીવટી તંત્રએ કરી છે. સવારે 9મીએ બહુમાળી ચોકથી તિરંગા યાત્રા નીકળશે અને રાષ્ટ્રીય શાળા સુધી જશે.
રાજકોટ જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુ, જેસીપી ખુરશીદ અહેમદ અને મેયર ડો. પ્રદીપ ડવે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ બોલાવીને તિરંગા યાત્રાનું આયોજન જણાવ્યું હતું. તેઓએ ઉલ્લેખ કર્યો હતો કે, એક લાખથી વધુ લોકોને જોડવા માટે પ્રયત્ન ચાલી રહ્યો છે. સૌરાષ્ટ્રકક્ષાનુ આયોજન હોવાથી મુખ્યમંત્રી અને ગૃહમંત્રી પણ તેમાં ભાગ લેશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, તંત્રએ આ માટે વિવિધ સંસ્થાઓ, એસોસિએશન અને મંડળો સાથે બેઠક કરી હતી અને આ યાત્રામાં લોકોને જોડવા માટે લક્ષ્યાંકો અપાયા છે. આ ટાર્ગેટ આપ્યા બાદ કલેક્ટરે કહ્યું હતું કે, આ આયોજન માત્ર વહીવટી તંત્રનુ નહિ હોય પણ બધા જ નાગરિકો જોડાય તે માટે આઇએમએથી માંડી વેપારી અને ધાર્મિક સંગઠનો તેમાં જોડાઈ રહ્યા છે.
- Advertisement -
ગરજ – ભીડ ભેગી કરવા માટે તિરંગા યાત્રામાં 30,000 તિરંગા મફત અપાશે
હર ઘર તિરંગાના આયોજનમાં તંત્રએ 30-30 રૂપિયામાં તિરંગા વેચવા જાહેરાત કરી છે એકપણ ધ્વજ મફતમાં અપાતો નથી પણ હવે તંત્રને લોકોની ગરજ ભીડ કરવા માટે પડી છે. જેને લઈને તિરંગા યાત્રામાં જોડાનાર દરેકને એક એક ઝંડો વિનામૂલ્યે અપાશે અને આ માટે 30,000 ધ્વજનો જથ્થો સુરતથી મગાવવામાં આવ્યો છે.
મંદિરે જતા શ્રદ્ધાળુઓ માટે રૂટ અપાશે
તિરંગા યાત્રા સવારે 9 વાગ્યે નીકળશે જેથી આખો રસ્તો બંધ કરી દેવાશે. હાલ શ્રાવણ માસ ચાલતો હોવાથી આ સમયે જ લોકો મંદિરે દર્શન કરવા જતા હોય છે તેથી તે લોકો કઈ રીતે જઈ શકશે તે પ્રશ્ન કરાતા જેસીપી ખુરશીદ અહેમદે કહ્યું હતું કે, લોકોને હેરાનગતિ ઓછી થાય તેવા પ્રયત્નો સાથે ડાયવર્ઝન અને રૂટ ટૂંક સમયમાં નક્કી કરાશે.
મેળામાં માસ્કની અપીલ, તિરંગા યાત્રામાં ‘નક્કી નથી’
જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ થોડા દિવસ પહેલા લોકોને મેળામાં માસ્ક પહેરીને આવવાની અપીલ કરી હતી. તિરંગા યાત્રાના આયોજન જાહેર કરતી વખતે પ્રશ્ન કરાયો હતો કે હાલ સ્વાઈન ફ્લૂ અને કોરોના કેસ વધી રહ્યા છે ત્યારે તિરંગા યાત્રામાં માસ્ક અપાશે કે ફરજિયાત કરાશે? તો તેના જવાબમાં ‘હાલ નક્કી નથી’ તેવો જવાબ આવ્યો હતો. લોકમેળામાં માસ્કનો આગ્રહ છે પણ પોતાના આયોજનમાં અપીલ પણ તંત્ર કરી શકતું નથી.