ગિર સોમનાથ જિલ્લામાં ફાયર સેફ્ટીને લઈને કલેક્ટરનું જાહેરનામું
ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ
- Advertisement -
રાજકોટ શહેરમાં નાના મવા મેઈન રોડ પર ટીઆરપી મોલ ખાતે બનેલી આકસ્મિક આગની ઘટનાને પગલે ગીર સોમનાથ જિલ્લામાં આ પ્રકારની ગંભીર ઘટના ન બને અને આવા સ્થળોએ જતી વખતે લોકો સ્થળ પરની સુરક્ષા બાબતે સજાગ રહે અને આવા વિવિધ એકમોના માલિકો પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવે તે માટે જિલ્લાના તમામ જાહેર અને ખાનગી સ્થળો કે, જ્યાં મોટા પ્રમાણમાં લોકો એકત્ર થતાં હોય તેવી તમામ જગ્યાઓ જેવી કે, ઓડિટોરિયમ, ટાઉન હોલ, પાર્ટી પ્લોટ, સિનેમા ગૃહો, શોપિંગ મોલ,હોટલ, ગેસ્ટ હાઉસ, રેસ્ટોરન્ટ, કાફે, શાળા- કોલેજ, ટ્યુશન ક્લાસીસ, ડાન્સ ક્લાસીસ,જીમ સેન્ટર,બેંક, હોસ્પિટલ, લાઇબ્રેરી, મ્યુઝિયમ, પેટ્રોલ પંપ, બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, ઔદ્યોગિક એકમો વગેરેમાં તકેદારીના પગલાં લેવા જરૂરી છે. તેને ધ્યાનમાં રાખીને ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ ફોજદારી કાર્યરીતિ સંહિતા 1973 ની કલમ-144 હેઠળ જિલ્લાના તમામ જાહેર સ્થળોએ સક્ષમ સત્તાધિકારી દ્વારા આપવામાં આવેલ ફાયર સેફટી અંગેનું પ્રમાણપત્ર, ફાયર સેફટી લે-આઉટ પ્લાન, ફાયર સેફટી અંગેના સાઈન બોર્ડ, બિલ્ડીંગ ડેવલપમેન્ટ પરમિશન, બિલ્ડીંગ યુટીલાઈઝેશન પરમિશન, હંગામી સ્ટ્રક્ચરના કેસમાં સ્ટ્રકચરલ સ્ટેબિલિટીનું પ્રમાણપત્ર, ઇલેક્ટ્રિકલ ટેસ્ટ સર્ટિફિકેટ, લિફ્ટના ઉપયોગ માટેનું લાયસન્સ તથા નિયત નમૂનાનું પ્રમાણપત્ર રાખવા માટેનો હુકમ કર્યો છે.
આ નમૂનામાં પ્રમાણપત્રની વિગત, પ્રમાણપત્ર ઈસ્યૂ કરનાર ઓથોરિટી, હુકમ નંબર તથા તારીખ, વેલિડિટી અને રિમાર્ક્સના કોલમ રાખવાના રહેશે તેમ જાહેરનામામાં જણાવાયું છે. આ હુકમ જાહેરનામાની તારીખથી 30 દિવસ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ-188 મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાના ભંગ બદલ ફરજ પરના પોલીસ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરની કક્ષાના પોલીસ અધિકારીઓને ફરિયાદ માંડવા માટે અધિકૃત કરાયા છે.