ગુજરાત હાઈકોર્ટનો અત્યંત મહત્વપૂર્ણ ચૂકાદો
13મી એપ્રિલ સુધીમાં બીનખેતી અરજીઓનો નિકાલ લાવવા તાકીદ: જંત્રીદર વધારાના સંજોગોમાં અરજદારોને ફટકો પડી શકે તેમ હોવાની દલીલનો સ્વીકાર
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં આગામી 15મીથી જંત્રીદરમાં થનારા સુચિત વધારા વચ્ચે ગુજરાત હાઈકોર્ટે મહેસુલી વિભાગને અસરકર્તા અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. જંત્રીદરમાં બદલાવ પૂર્વે તા.13 મી એપ્રિલ સુધીમાં બીનખેતીની તમામ ફાઈલો કલીયર કરવાનો મૌખિક આદેશ કર્યો છે.
ખેતીની જમીનને બીનખેતીમાં બદલાવવા માટે કલેકટર તંત્રમાંથી પૂર્વ પરવાનગી મેળવવાની થતી હોય છે.હાઈકોર્ટે રાજયના તમામ જીલ્લા કલેકટરોને બીનખેતીનાં પડતર કેસોમાં અરજીઓનો નિકાલ કરવાની સુચના આપી છે. રાજયમાં આગામી 15 મી એપ્રિલથી જંત્રીદરમાં વધારો થવાનો છે તે પૂર્વે હાઈકોર્ટનો આ ચુકાદો ઘણો મહત્વનો બની જાય છે. અદાલતે એવી પણ ટીપ્પણી કરી હતી કે બીનખેતીની અરજીઓનો નિકાસ ન થવાના સંજોગોમાં અરજદારોને પણ ઉંચા જંત્રીદર ચુકવવાનો વખત આવશે.
સરકારને વધુ મહેતલ આપવા માટે આ ઢીલ-પ્રયાસો સ્વરૂપે જોઈ શકાય છે. કૃષિ જમીનનાં બીનખેતીમાં ફેરવવા માટે રાજયભરમાં અરજીઓ પેન્ડીંગ હોવાના મુદ્દાની નોંધ લઈને ભાર્ગવ કારીયાએ કહ્યું હતું કે રાજયનાં તમામ જીલ્લા કલેકટરોને 13 મી એપ્રિલ સુધીમાં જમીન બીનખેતી અરજીઓનો નિકાલ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. અદાલતે રાજય સરકારને પણ એવી સુચના આપી હતી કે આ આદેશની નકલ તમામ જીલ્લા કલેકટરોને મોકલીને તાકીદ કરવામાં આવે.
- Advertisement -
ખેડા જીલ્લામાં વિજય પટેલ નામનાં ખાતેદારની જમીન બીનખેતીની પેન્ડીંગ અરજીનો કેસ હાઈકોર્ટમાં સુનાવણી માટે આવ્યો હતો અને તેમાં અદાલતે રાજયભરમાં પેન્ડીંગ કેસો સામેલ કરીને ત્વરીત નિકાલ કરવાનો ચુકાદો આપ્યો હતો. ખેડા જીલ્લાનાં કેસમાં વહીવટીતંત્ર દ્વારા ત્રુટીઓ કાઢવામાં આવતી હોવાના મુદ્દે નવી અરજી કરવાની સુચના આપી હતી.
તે પછી તેઓએ 6 એપ્રિલે નવી અરજી કરતા તંત્રએ ફરી વાંધા કાઢયા હતા. આ મામલે જીલ્લા કલેકટરને ત્વરીત કાર્યવાહી કરવાનો પણ આદેશ આપ્યો હતો. આ તકે 15 મી એપ્રિલનો ઉલ્લેખ કરીને એવી ટકોર કરી હતી કે સરકાર તંત્ર ગમે તે રીતે નાણા ભેગા કરવા માંગે છે. કલેકટરોને સુચના ન મળે ત્યાં સુધી બીનખેતી પ્રક્રિયામાં આગળ વધતા નથી.