હજુ થોડા દિવસ પહેલાં જ રેડીમેડ કપડાંની બ્રાન્ડ ફેબઈંડિયાએ ‘જશ્ન-એ-રિવાઝ’ નામે દિવાળીનું એડ કેમ્પેઈન શરૂ કર્યું હતું. આવા ઉર્દૂ શબ્દો વાપરીને ફેબઈંડિયાએ દિવાળીને ‘એન્ટિ-હિંદુ’ બનાવી દીધી છે, તે બંધ થવું જોઈએ એવો સૂર સોશિયલ મીડિયામાં ઉઠતા તરત જ BoycottFabindia ટ્રેન્ડ થવા લાગ્યું હતું. વિરોધના સૂર પારખીને ફેબઈંડિયાએ ‘અમારો એવો ઈરાદો નહોતો’ એવી સ્પષ્ટતા કરીને પોતાનું એડ કેમ્પેઈન પાછું ખેંચી લીધું હતું. તેને બદલે હવે તેઓ ‘ઝિલમિલ સી દિવાલી’ કેમ્પેઈન લાવી રહ્યા છે. ફેબઈંડિયાના દિવાળી માટેના ‘જશ્ન-એ-રિવાઝ’ કેમ્પેનનો વિવાદ હજુ ઠંડો પડ્યો નથી ત્યાં જ આમિરખાનની નવી જાહેરાતથી વિવાદ ઊભો થઈ ગયો છે.આમિરખાન ટાયર બનાવતી કંપની CEATનો બ્રાન્ડ એમ્બેસેડર છે. તેને ચમકાવતી નવી એડ રિલીઝ થઈ છે, જેમાં તે લોકોને રોડ પર ફટાકડા ન ફોડવાની સલાહ આપતો દેખાઈ રહ્યો છે. જાહેરાતમાં એવું પણ કહેવાય છે કે લોકો કંઈ સમજવાના છે નહીં અને રોડ પર ફટાકડા ફોડતા જ રહેવાના છે, ત્યાં સુધી સલામતી માટે અમારી કંપનીનાં ટાયર વાપરો અને સમયસર બ્રેક મારો. આમિરખાનની આ જાહેરાતનો પણ સોશિયલ મીડિયા પર વિરોધ થઈ રહ્યો છે.
ફેબ ઈંડિયા અને સીએટ ટાયરની જાહેરખબર જોતા લાગે છે કે, હિંદુ ધર્મ અને સંસ્કૃતિ સંલગ્ન તહેવારોને બદનામ કરતી જાહેરખબરોનો વિરોધ વાજબી છે. છેલ્લા કેટલાંક વર્ષોથી ઘણી જાહેરખબરોમાં હિંદુ ધર્મ અને સંસ્કૃતિ સંલગ્ન તહેવારોને બદનામ કરવાની જે પેટર્ન જોવા મળી છે તે ઘાતક છે. હિંદુ તહેવારો પર જ પાણી બચાવવાની કે પ્રદૂષણ રોકવાની યાદ આવવી કે પછી ટાટા તનિષ્ક, સીએટ ટાયર, માન્યવર, ફેબઈંડિયા વગેરેની જાહેરાતોની પેટર્ન જોતાં લાગે છે કે આ કંપનીઓ હિંદુ ધર્મ અને સંસ્કૃતિ સંલગ્ન તહેવારોને જાણી જોઈને બદનામ કરવા માંગે છે. ભારતીય ધર્મ અને સંસ્કૃતિ સંલગ્ન તહેવારોને બદનામ કરતી જાહેરખબરો વડે એંટીહિંદુ કલાકારો કાયમ હિંદુઓની લાગણી દુભવતા રહે છે, પરંતુ તેઓ ક્યારેય પોતાના ધર્મ-સમુદાયમાં ચાલતી ગોબાચારીઓ વિશે કશું બોલતા નથી. સેલ્યુલર મીડિયા દ્વારા માત્રને માત્ર હિંદુ ધર્મ અને સંસ્કૃતિ સંલગ્ન તહેવારો વિશે જ એલફેલ જાહેરખબર બનાવવામાં આવે છે. જોકે સોશિયલ મીડિયા પર તેમનો આકરો વિરોધ થાય છે અને તેમને પોતાની હલકી હરકત પાછી ખેંચી થૂંકેલું ચાટવું પણ પડે છે, પરંતુ આ બધું ક્યાં સુધી ચાલશે? આ પ્રકારની માનસિકતાનો કાયમી ઉકેલ જરૂરી છે. આખરે ક્યાં સુધી હિંદુ ધર્મ અને સંસ્કૃતિને બદનામ કરતી જાહેરખબરો આમ જ પ્રસિદ્ધ થતી રહેશે?