રાજકોટની બજારોમાં મકરસંક્રાંતિનો માહોલ જામ્યો: સદર બજાર પતંગરસિકોથી ઉભરાઈ
રો-મટીરિયલનો ભાવ વધતાં પતંગ અને ફિરકીમાં 8 ટકાનો વધારો: 20 રૂપિયાથી 20 સુધીના પંજા અને 1500 સુધીની ફિરકીઓ વચ્ચે ગ્રાહકોની ભારે ભીડ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.7
આવતા બુધવારે મકરસંક્રાંતિ છે તે પૂર્વે રાજકોટની બજારોમાં પતંગ અને માંજાની ધૂમ ખરીદી થઈ રહી છે. સૌથી જૂની સદર બજારમાં ખરીદીનો માહોલ જામ્યો છે. આ વખતે ઓપરેશન સિંદૂર, નરેન્દ્ર મોદી, ધૂરંધર ફિલ્મ, કાપડ, બાજ, છત્રી અને રોકેટ સહિતની પતંગ બજારમાં ધૂમ મચાવી રહી છે. આ વખતે 10 ટકા જેટલો ભાવ વધારો થતાં પતંગનો પંજો રૂ. 20થી રૂ. 200 તો ફીરકી રૂ. 70થી રૂ. 1500માં મળી રહી છે. શહેરની સૌથી જૂની અને પ્રખ્યાત સદર બજાર પતંગરસિકોથી ખચાખચ ભરાઈ ગઈ છે. વહેલી સવારથી લઈને મોડા સાંજ સુધી બજારમાં ખરીદીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને બાળકો, યુવાનો તેમજ પરિવારજનો ઉત્સાહપૂર્વક પતંગ-માંજાની ખરીદી કરતા નજરે પડી રહ્યા છે. આ વર્ષે બજારમાં નવીનતા અને આકર્ષણનો ખાસ રંગ છવાયેલો છે. ‘ઓપરેશન સિંદૂર’, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ધૂરંધર ફિલ્મ, કાપડ, બાજ, છત્રી અને રોકેટ જેવી વિવિધ થીમ આધારિત પતંગો પતંગરસિકોને ખાસ આકર્ષી રહી છે. અનોખા આકાર, રંગીન ડિઝાઇન અને વિશેષ પ્રિન્ટ ધરાવતી આ પતંગો બાળકો ઉપરાંત યુવાનોમાં પણ ભારે લોકપ્રિય બની છે. ભાવની બાબતે વાત કરીએ તો આ વર્ષે રો-મટિરિયલના ભાવ વધવાના કારણે પતંગ અને પતંગ સંબંધિત સામગ્રીમાં અંદાજે 8 થી 10 ટકા સુધીનો ભાવ વધારો નોંધાયો છે. પતંગનો પંજો રૂ. 20થી લઈને રૂ. 200 સુધી મળી રહ્યો છે. જ્યારે ફીરકી રૂ. 70થી શરૂ થઈને રૂ. 1500 સુધીની વિવિધ ક્વોલિટી અને સાઇઝમાં ઉપલબ્ધ છે. બજારમાં સામાન્ય તેમજ ડિઝાઇનર ફીરકી બંનેની સારી માંગ જોવા મળી રહી છે. માંજાની વાત કરીએ તો બજારમાં શિવમ, આર.ડી. અને ગજાનન બ્રાન્ડની દોરી ઉપલબ્ધ છે, જેને પતંગરસિકો વિશ્વસનીય અને મજબૂત માનતા હોવાથી તેની ખરીદી વધુ થઈ રહી છે. વેપારીઓના જણાવ્યા મુજબ પતંગ અમદાવાદ અને નડિયાદમાંથી આવે છે, જ્યારે દોરી નડિયાદથી અહીં સપ્લાય થાય છે અને ત્યાંથી અન્ય સ્થળોએ એક્સપોર્ટ પણ થાય છે. મકરસંક્રાંતિની રંગીલીઉજવણી માટે રાજકોટ જાણીતું હોવાથી આ વર્ષે પણ યુએસ અને મુંબઈથી અનેક પતંગરસિકો ખાસ રાજકોટ આવી પહોંચ્યા છે. શહેરના આકાશમાં રંગબેરંગી પતંગો ઉડતા જોવા મળે તે માટે લોકો પહેલેથી જ તૈયારીમાં લાગી ગયા છે. કુલ મળીને મકરસંક્રાંતિને લઈને રાજકોટમાં ઉત્સાહ, રંગ અને રોમાંચનો માહોલ સર્જાયો છે અને બજારોમાં પતંગ-માંજાની ખરીદી શિખરે પહોંચી છે.



