મનપાની ત્રણ ઝોનલ ઓફિસ ખાતેથી 22થી 26 ઓગસ્ટ દરમિયાન ફોર્મ મળશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ’શ્રેષ્ઠ ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025નું આયોજન કરવામાં આવ્યુ છે. યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રીએ જણાવ્યું હતું કે આ પ્રતિયોગીતામાં ચોક્ક્સ થીમ રહેશે. ’ઓપરેશન સિંદૂર’ અને સ્વદેશી ચીજવસ્તુઓની થીમ પર શ્રેષ્ઠ ગણેશ પંડાલ તૈયાર કરવામાં આવશે તેને પુરસ્કાર આપવામાં આવશે. નિયત થીમ આધારે શ્રેષ્ઠ રીતે તૈયાર કરનાર જૂથને શહેર તથા જિલ્લા કક્ષાની અલગ અલગ ટીમો દ્વારા મૂલ્યાંકન કરી પ્રોત્સાહન આપવામાં આવશે. દેશમાં પ્રથમવાર આ પ્રકારનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ પહેલથી સ્વદેશી ચીજવસ્તુઓ પર ભાર મૂકવામાં આવશે અને ’ઓપરેશન સિંદૂર’ જેવી દેશભક્તિની થીમ થકી સૈન્યના મનોબળને મજબૂત કરી શકાશે.
રાજ્ય સરકાર દ્વારા ગણેશ પંડાલ સ્પર્ધા જાહેર કરવામાં આવી છે. જેમાં રાજકોટના આયોજકો પણ ભાગ લઈ શકશે. સ્પર્ધામાં જે વિજેતા જાહેર થશે તેને રૂ.1.50 લાખથી લઈને રૂ.5 લાખ સુધીના ઈનામ આપવામાં આવશે. જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતાને રૂ.5 લાખ, દ્વિતીય ક્રમે વિજેતાને રૂ.3 લાખ તથા તૃતીય ક્રમના વિજેતાને રૂ.1.50 લાખના પુરસ્કાર આપવામાં આવશે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતા ગણેશ પંડાલના આયોજકોએ નોંધણી કરાવવી પડશે.
રાજકોટ મહાનગરપાલિકાની ત્રણ ઝોનલ ઓફિસ ખાતેથી 22થી 26 ઓગસ્ટ દરમિયાન ફોર્મ મળી રહેશે. આ ફોર્મ સાંસ્કૃતિક વિકાસ વિભાગ, રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન ઓફિસ, વેરા વસૂલાત વિભાગ, રાજકોટ મહાનગરપાલિકા, વેસ્ટ ઝોન ઓફિસ, હરિસિંહજી ગોહિલ ભવન, બિગબજારની પાછળ, 150 ફૂટ રિંગ રોડ, તેમજ રાજકોટ મહાનગરપાલિકા, ઈસ્ટ ઝોન ઓફિસ, ઝવેરચંદ મેઘાણી ભવન, ભાવનગર રોડ, રાજકોટ ખાતેથી મળી રહેશે.
મહાનગર અને જિલ્લા મુજબ સ્પર્ધા અને પુરસ્કાર
અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ મહાનગર અને 29 જિલ્લામાં
પ્રથમ ક્રમ: 5,00,000
દ્વિતીય ક્રમ: 3,00,000
તૃતીય ક્રમ: 1,50,000
ગણેશ પંડાલના મૂલ્યાંકન માટે માપદંડ નિયત કરવામાં આવ્યા છે
ગણેશ પંડાલના મંડપનું સુશોભન અને સામાજિક સંદેશ
ઇકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાની પસંદગી
ઓપરેશન સિંદૂર’ અને સ્વદેશી વસ્તુઓની થીમ
પંડાલનું સ્થળ (ટ્રાફિક કે લોકોને અડચણ ન થાય)
સ્થાનિક વહીવટી તંત્રની મંજૂરી
ચાર મહાનગરોમાં મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષતામાં સમિતિ રચવામાં આવશે.
અન્ય 29 જિલ્લામાં કલેક્ટરના અધ્યક્ષતામાં સમિતિનું ગઠન કરવામાં આવશે.



