માંસ મટનના ગેરકાયદે હાટડાઓ પર પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું
ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નગરપાલિકાની કાર્યવાહી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીના અનેક વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો ખડકી દેવામાં આવ્યા છે જેના કારણે ટ્રાફીક સમસ્યા વિકરાળ બની છે ત્યારે નગરપાલિકા તંત્ર સફાળું જાગ્યું હોય તેમ કાર્યવાહી શરૂ કરી છે અને મોરબીના મચ્છીપીઠ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણોને હટાવવા માટે ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં 27 જેટલી દુકાનોના ઓટલા – છાપરા તોડી પાડવામાં આવ્યા હતા ત્યારે આગામી સમયમાં મોરબી શહેરમાં ખડકી દેવામાં આવેલ અનેક ગેરકાયદેસર બાંધકામો પર પાલિકા ક્યારે બુલડોઝર ફેરવશે તે જોવું રહ્યું !
મોરબીના મચ્છીપીઠ વિસ્તારમાં માંસ મટનના ધંધાર્થીઓએ ગેરકાયદેસર રીતે હાટડા ખડકી દીધા હોવાથી પાલિકાએ થોડાં સમય પહેલાં દબાણો સ્વૈચ્છિક રીતે દૂર કરવા અલ્ટિમેટમ આપતી નોટિસ પાઠવી હતી તેમ છતાં ગેરકાયદેસર દબાણો દૂર ન થતાં મોરબી પાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા એ ડિવિઝન પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં 27 જેટલી દુકાનોની બહાર રહેલા ગેરકાયદે ઓટલા અને છાપરાં ઉપર નગરપાલિકાની ટીમનું બુલડોઝર ફરી વળ્યું હતું અને દબાણો દૂર કરીને જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.