‘નરેશ પટેલ ભાજપ સાથે રહેશે’ – પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી
પટેલ વર્ષોથી ભાજપના શુભેચ્છક – ગુજરાત ભાજપ અધ્યક્ષ પાટીલ
ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા ભાજપ દ્વારા ખોડલધામના ચેરમેન નરેશ પટેલને પક્ષમાં જોડાવવા માટે ખુલ્લું આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. જ્યાં આજે રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નરેશ પટેલ અંગે નિવેદન આપતા મીડિયાને જણાવ્યું હતું કે, નરેશ પટેલ ભાજપ સાથે રહેશે અને નરેન્દ્રભાઈ મોદી તથા અમિત શાહના નેતૃત્વમાં આગળ વધશે. જયારે આ મુદ્દે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે જણાવ્યું હતું કે, નરેશ પટેલ મારા અંગત મિત્ર છે, તેઓવર્ષોથી ભાજપના શુભેચ્છક રહ્યા છે.
સમગ્ર રાજકોટમાં હાલ ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે રાજકોટ શહેર કાર્યાલય ખાતે ‘હોલી કે રંગ, ભાજપા કે સંગ’ ધુળેટી મહોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે,આજે ધુળેટી એટલો રંગોનો તહેવાર છે. ભાજપનું પણ 4 રાજ્યોમાં કમળ ખીલતા સમગ્ર દેશમાં ભાજપ દ્વારા બેવડી ખુશીને લઇ વિજયોત્સવ સાથે ધૂળેટીનો તહેવાર ઉજવી રહ્યા છીએ. ડીજેના નાદ સાથે રંગોથી એકબીજાને કલર લગાવી અભિનંદન સાથે ધૂળેટીની ઉજવણી કરી રહ્યા છીએ અને સમગ્ર વાતાવરણ અબીલ ગુલાલના રંગોથી છવાઈ જવા પામ્યું છે. ગઇકાલે રાજકોટ શહેર કાર્યાલય ખાતે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, મંત્રી અરવિંદ રૈયાણી, ધારાસભ્ય ગોવિંદ પટેલ અને લાખા સાગઠીયા, શહેર પ્રમુખ કમલેશ મીરાણી સહીત આગેવાનો કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા. જ્યાં ડી.જે અને બેન્ડની કર્ણપ્રિય સુરાવલીની રમઝટ અને ’કરાઓકે’ દ્વારા શહેરના ખ્યાતનામ ગાયકો સંગીતના સૂરોના સથવારે અને રાજસ્થાની નૃત્યની જમાવટ સાથે શહેર ભાજપ દ્વારા તિલક હોળીની ઉજવણી કરવામાં આવી રહી છે.
- Advertisement -
આવા અલ્ટીમેટમ ચૂંટણી વખતે આવતા જ હોય છે : પાટીલ
પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા તમામ કેસ પરત ખેંચી લેવા માટે માંગણી કરવામાં આવી હતી જેનું 23 મારા સુધી અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. તે સંદર્ભમાં તેમણે જણાવ્યું કે આવા અલ્ટીમેટમ ચૂંટણી વખતે આવતા જ હોય છે. સરકાર કોઈ અલ્ટીમેટમ ને ધ્યાનમાં રાખીને નિર્ણય લેતી નથી પાસ ના યુવાનો સામે જે કેસ થયા છે તેમનો મેરીટના આધારે સરકાર નિર્ણય લેશે. સરકારે જે કેસ પરત ખેંચવા માટેનો આશ્વાસન આપ્યું છે મને લાગે છે કે સરકાર તે પૂરું કરશે.
પાટીલના સાથે અમારે કોઈ લેવાદેવા નથી : અલ્પેશ
પાટીદાર અનામત આંદોલન સમિતિના સુરતના કન્વીનર અલ્પેશ કથિરિયાએ જણાવ્યું કે, સી આર પાટીલના નિવેદન સાથે અમારે કોઈ લેવાદેવા નથી અમારા માટે તેમનું નિવેદન કોઈપણ પ્રકારનું મહત્વ લાગતું નથી. અમારી માંગ સરકાર સામે છે કે આજે કેશુ અમારા પર સરકાર દ્વારા લગાડવામાં આવ્યા છે તે તેમને દૂર કરે એટલે સરકારે જે નિર્ણય લેવો હશે તે લેશે અને 23 માર્ચ સુધીમાં જો તેનો નિર્ણય નહીં લેવાય તો અમે આગામી દિવસોમાં કાર્યક્રમમાં આપવાના શરૂ કરીશું. અને તેની રાજકીય રીતે અસર થાય છે કે કેમ તેમને પોતે જ નક્કી કરવાનું રહેશે.