છ વર્ષમાં એક પણ દિવસ ખૂટતો હશે તો આખું વર્ષ રાહ જોવી પડશે
સરકારે કોઈ સ્પષ્ટતા ન કરી હોવાથી કેટલાક વિદ્યાર્થીઓનું આખું વર્ષ બગડશે તેવો ભય
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
આગામી શૈક્ષણિક વર્ષથી ધોરણ 1માં તેવા જ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે જેમની ઉંમર 1 જૂન 2023ના રોજ ઓછામાં ઓછી છ વર્ષની હશે. જો તેમા એક દિવસ પણ ખૂટતો હશે તો વાલીઓએ તેમના બાળકોને પહેલા ધોરણમાં બેસાડવા માટે એક વર્ષ સુધી રાહ જોવી પડશે. ધોરણ 1 માટે છ વર્ષની ઉંમર નક્કી કરાયા બાદ તેમા કેટલાક દિવસની છુટછાટ આપી શકાય તે અંગે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા હજી સુધી કોઈ નિર્ણય ન લેવાયો હોવાથી શાળાના સંચાલકો પણ મૂંઝવણમાં મૂકાયા છે અને છ વર્ષમાં એક દિવસ પણ ખૂટતો હોય તેવા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનું ટાળી રહ્યા છે.
અમદાવાદ શહેરના જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ પણ આવી ઘણી રજૂઆતો આવી છે. પહેલા ધોરણ માટે છ વર્ષની ઉંમર જરૂરી હોવાનો નિર્ણય આમ તો 2020માં જ લેવાયો હતો પરંતુ તેનો અમલ 1 જૂનથી શરૂ થતાં શૈક્ષણિક વર્ષ 2023-24થી કરવામાં આવશે.
સ્થાનિક અખબાર નવગુજરાત સમયે સૂત્રોના આધારે આપેલી માહિતી પ્રમાણે, આ નિર્ણયના કારણે ધોરણ 1માં પ્રવેશ માટે અનેક વિદ્યાર્થીઓનું એક વર્ષ બગડે તેવી શક્યતા છે. છ વર્ષની ઉંમર તો શિક્ષણ વિભાગે નક્કી કરી લીધી પરંતુ તેમા હજી છૂટછાટની જાહેરાત કરી નથી. જેના કારણે સ્કૂલોને 1 જૂન, 2023ના રોજ છ વર્ષ પૂરા ન થયા હોય તેમને પ્રવેશ આપવાનો ઈનકાર કર્યો છે. તેથી, જેમને છ વર્ષમાં એક-બે દિવસ ખૂટતાં હોય તેમને પણ પ્રવેશ મળી રહ્યો નથી. સરકારના આ નિર્ણયથી વાલીઓ પણ પરેશાન થયા છે.
અગાઉની વાત કરીએ તો, રાજયમાં ધોરણ 1 માટેની પ્રવેશ માટેની વયમર્યાદા પાંચ વર્ષની હતી. જેમાં જે-તે વર્ષમાં 1 જૂનના રોજ પાંચ વર્ષ પૂર્ણ થયા હોય તેમને એડમિશન આપવામાં આવતું હતું. પરંતુ તે વખતે થોડી છૂટ હતી અને 30 દિવસ ખૂટતા હોય તો પણ પ્રવેશ મળી જતો હતો. જો કે, નવા નિયમમાં આવી કોઈ જ સ્પષ્ટતા કરવામાં આવી નથી. કેટલાક વાલીઓ પોતાની રજૂઆત કરવા માટે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ પણ પહોંચ્યા હોવાનું સામે આવ્યું છે.
શિક્ષણવિદ્ કિરીટ જોશીએ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે ‘પહેલા ધોરણ 1 જૂનના રોજ છ વર્ષ પૂરા થતાં હોય તેમને જ એડમિશન આપવાનો નિર્ણય લેવાયો છે. પરંતુ અમુક કિસ્સામાં છ વર્ષ પૂરા થવામાં બે-ચાર દિવસ ખૂટતા હોય તેમને એક વર્ષ સુધી રાહ જોવી પડે તે યોગ્ય નથી. સરકાર અને શિક્ષણ વિભાગે સમયમર્યાદામાં 30 દિવસની છૂટ આપવી જોઈએ’.