ટ્રસ્ટી સમીર પટેલ અને ઈન્ચાર્જ દિનેશ બદિયાણીની ટ્રસ્ટમાંથી હકાલપટ્ટી નિશ્ર્ચિત
મહિષાસુર અને તાડકાસુર સમાન સમીર પટેલ અને દિનેશ બદિયાણી આર્થિક – વહિવટી કૌભાંડો કર્યા બાદ ટ્રસ્ટમાં રહેવાને લાયક તો નથી જ, મંદિરના બંધારણ મુજબ પણ ટ્રસ્ટી-ઈન્ચાર્જ તરીકે ગેરલાયક?
- Advertisement -
દેવભૂમિ દ્વારકા જિલ્લાના યાત્રાધામ દ્વારકાથી નજીક ભગવાન શ્રીકૃષ્ણના નિવાસસ્થાન ગણાતા અને પટરાણીઓનો રાણીવાસ મનાતા દરિયાની વચ્ચે આવેલા બેટ-દ્વારકાના દ્વારકાધીશ મંદિરના વર્તમાન ટ્રસ્ટી સમીર પટેલ અને ઈન્ચાર્જ દિનેશ બદિયાણીના આર્થિક – વહિવટી કૌભાંડો એક પછી એક પ્રકાશમાં આવી રહ્યા છે. મહિષાસુર અને તાડકાસુર સમાન સમીર પટેલ અને દિનેશ બદિયાણી દ્વારા બેટ-દ્વારકા મંદિરમાં કરવામાં આવેલા આર્થિક – વહિવટી કૌભાંડો બાદ આ બંને અસુરો ટ્રસ્ટમાં રહેવાને લાયક તો નથી જ, મંદિરના બંધારણ મુજબ પણ ટ્રસ્ટી-ઈન્ચાર્જ તરીકે ગેરલાયક હોવાનું માલૂમ પડ્યું છે. આટલું જ નહીં બેટ-દ્વારકા મંદિરના ટ્રસ્ટી સમીર પટેલ અને ઈન્ચાર્જ દિનેશ બદિયાણીની મિલીભગતથી દ્વારકાધીશ મંદિરનું સંચાલન પણ તેના બંધારણ મુજબ થઈ રહ્યું ન હોવાના પુરાવાઓ મંદિરના જ પુજારીઓ અને બ્રાહ્મણો પાસેથી પ્રાપ્ત થયા છે. આ સિવાયના આર્થિક – વહિવટી કૌભાંડોના વધુ કેટલાંક પુરાવાઓ હવે પછી જાહેર કરવામાં આવશે.
ચેરિટી કમિશનરમાં 2011 બાદનું કોઈ સાહિત્ય જ નથી!
બેટ-દ્વારકા મંદિર ટ્રસ્ટનું છેલ્લા કેટલાંક વર્ષોનું કોઈ જ સાહિત્ય ચેરિટી કમિશનમાં ન હોવાનું જાણવા મળ્યું છે. એક વિગત અનુસાર બેટ-દ્વારકા મંદિર ટ્રસ્ટનું ચેરિટી કમિશનરમાં વર્ષ 2011 બાદનું કોઈ જ નવું સાહિત્ય ઉપલબ્ધ નથી. છેલ્લા દસ વર્ષના બેટ-દ્વારકા મંદિરના ટ્રસ્ટીઓ કોણ, કેટલા, ક્યાં-ક્યાંથી છે અને આવક તથા જાવકના હિસાબોની માહિતી વિશે કોઈ જ ચોક્કસ રેકર્ડ રાખવામાં આવ્યા નથી તેવું પણ જાણવા મળ્યું છે. ચેરિટી કમિશનર દ્વારા બેટ-દ્વારકા મંદિર ટ્રસ્ટના સાહિત્ય તેમજ આર્થિક – વહિવટી વ્યવહારોની તપાસ કરવી જરૂરી બની જાય છે.
બેટ-દ્વારકા મંદિરના બંધારણ મુજબ નથી થઈ રહ્યું ટ્રસ્ટ દ્વારા સંચાલન
- Advertisement -
બેટ-દ્વારકા મંદિર ટ્રસ્ટમાં એ વ્યક્તિ જ ટ્રસ્ટી બની શકે જે શખ્સ હિંદુ વૈષ્ણવ સંપ્રદાયનો હોય
વર્તમાન ટ્રસ્ટમાં કુલ કેટલાં અને ક્યા સંપ્રદાયનાં ટ્રસ્ટીઓ છે તેની માહિતી કોઈ પાસે નથી
ચેરિટી કમિશનર પાસે બેટ-દ્વારકા મંદિર ટ્રસ્ટનું છેલ્લાં 10 વર્ષનું સાહિત્ય નથી : ઊંડી તપાસ થાય તો હજારો કરોડની સંપત્તિ ધરાવતાં ટ્રસ્ટની વધુ વિસ્ફોટક માહિતીઓ પ્રકાશમાં આવે
સમીર પટેલે કૌભાંડો કરવા દિનેશ બદિયાણી એકાઉન્ટન્ટ ઉપરાંત ઈન્ચાર્જ બનાવ્યા
બેટ-દ્વારકા મંદિર ટ્રસ્ટના એકાઉન્ટટ તરીકે દિનેશ બદિયાણીની નિમણૂક થયેલી છે. બેટ-દ્વારકા ટ્રસ્ટના એકાઉન્ટટ ઉપરાંત બેટ-દ્વારકા મંદિરના ઈન્ચાર્જ પણ દિનેશ બદિયાણી છે. બેટ-દ્વારકા મંદિરમાં આર્થિક અને વહિવટ કૌભાંડ કરવા માટેના બે પ્રમુખ પદ એકાઉન્ટટ અને ઈન્ચાર્જના સ્થાન પર સમીર પટેલે પોતાના માનીતા-પાળીતા દિનેશ બદિયાણીને રાખ્યા છે. દિનેશ બદિયાણી બેટ-દ્વારકા ટ્રસ્ટના એકાઉન્ટટ તરીકે આર્થિક કૌભાંડ કરે છે અને બેટ-દ્વારકા મંદિરના ઈન્ચાર્જ તરીકે વહિવટી કૌભાંડ કરે છે. એક સાથે બે-બે મલાઈદાર પદ પર રહી દિનેશ બદિયાણી પોતાના ખિસ્સા તો ભરે જ છે, સાથોસાથ સમીર પટેલની તિજોરી પણ છલકાવી આપે છે. આ બંને દાનવોની દાદાગીરીથી બેટ-દ્વારકા મંદિરનો વહિવટ અને સંચાલન ખાડે ગયું છે. જો ખરેખર ટ્રસ્ટના અન્ય સભ્યોએ ધર્મના ધામમાં થતા આર્થિક – વહિવટી કૌભાંડ અટકાવવા જ હોય તો દિનેશ બદિયાણી પાસેથી એકાઉન્ટટ અને ઈન્ચાર્જની જવાબદારી પાછી લઈ લેવી જોઈએ.
બંધારણ મુજબ હાલના ટ્રસ્ટીઓ ટ્રસ્ટમાં રહેવા ગેરલાયક
બેટ-દ્વારકા મંદિરના તમામ પ્રકારના વ્યવહાર માટે આજથી વર્ષો પૂર્વે એક ટ્રસ્ટ બનવવામાં આવ્યું છે. ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ બેટ-દ્વારકા મંદિરના બંધારણ મુજબ કાર્ય કરવાનું હોય છે. બેટ-દ્વારકા મંદિરના વર્ષો પૂર્વે અસ્તિત્વમાં આવેલા બંધારણ મુજબ ટ્રસ્ટનું સંચાલન કરવું એવો નિયમ છે. આ બંધારણના નિયમ અનુસાર બેટ-દ્વારકા મંદિર ટ્રસ્ટમાં એ વ્યક્તિ જ ટ્રસ્ટી બની શકે જે શખ્સ હિંદુ વૈષ્ણવ સંપ્રદાયનો હોય. હાલ બેટ-દ્વારકા મંદિર ટ્રસ્ટમાં કુલ કેટલા ટ્રસ્ટીઓ છે? ક્યાં-ક્યાં ગામ-શહેરના ટ્રસ્ટીઓ છે? તથા વર્તમાન ટ્રસ્ટીઓ હિંદુ વૈષ્ણવ સંપ્રદાયમાંથી જ આવે છે કે કેમ તેની માહિતી ટ્રસ્ટના અન્ય ટ્રસ્ટીથી લઈ ઈન્ચાર્જ પાસે પણ ન હોય બેટ-દ્વારકા મંદિરના બંધારણ મુજબ હાલના ટ્રસ્ટીઓ ટ્રસ્ટમાં રહેવા ગેરલાયક હોવાનું માલૂમ પડે છે. આ સિવાય બેટ-દ્વારકા મંદિર ટ્રસ્ટના બંધારણ મુજબ સંચાલન કે વહિવટ થતો ન હોવાનું પણ જાણવા મળ્યું છે.
પ્રતિક ઉપવાસ અને રામધૂન બોલાવી વિરોધ નોંધવવામાં આવશે
સમીર પટેલ અને દિનેશ બદિયાણીએ આચરેલાં આર્થિક – વહિવટી કૌભાંડની વિસ્તૃત વિગતો ખાસ-ખબરમાં પ્રસિદ્ધ થયા બાદ જાણે બેટ-દ્વારકાના પુજારીઓ, બ્રાહ્મણો, વેપારીઓ અને નગરજનોની વેદનાને વાચા મળી છે. કૃષ્ણભક્તોએ બેટ-દ્વારકા મંદિર સહિત સમગ્ર બેટ-દ્વારકાના લાભાર્થે દ્વારકાધીશ મંદિરને મહિષાસુર અને તાડકાસુર સમાન સમીર પટેલ અને દિનેશ બદિયાણીના ચુંગાલમાંથી મુક્ત કરાવવા તથા મંદિરમાં થઈ રહેલાં આર્થિક – વહિવટી કૌભાંડોનો વિરોધ કરવા તેમજ ટ્રસ્ટીમંડળ રદ્દ કરી નવું ટ્રસ્ટીમંડળ બને તે માટે દ્વારકા, બેટ-દ્વારકા, ઓખામંડળના કેટલાંક જાગૃત નાગરિકો દ્વારા પ્રતિક ઉપવાસ અને રામધૂન કરાશે. આ ઉપરાંત બેટ-દ્વારકા અને દ્વારકાધીશ મંદિરની દુર્દશા વિશે મુખ્યમંત્રીથી લઈ પ્રધાનમંત્રી સુધી રજૂઆત કરાશે.
2016માં ટ્રસ્ટની મુદત પૂર્ણ, નવા ટ્રસ્ટની વિગત ઉપલબ્ધ નથી
બેટ-દ્વારકા મંદિર ટ્રસ્ટ દ્વારા દર પાંચ વર્ષે નવા ટ્રસ્ટનું નિર્માણ કરવામાં આવે છે અને તેમાં જૂના-નવા ટ્રસ્ટીઓનો સમાવેશ કરવામાં આવે છે. વર્ષ 2011માં બેટ-દ્વારકા ટ્રસ્ટ દ્વારા કેટલાંક જૂના-નવા ટ્રસ્ટીઓને સાથે રાખી નવું ટ્રસ્ટ બનાવવામાં આવ્યું હતું જેની પાંચ વર્ષ બાદ વર્ષ 2016માં મુદત પૂર્ણ થઈ ચૂકી છે. 2016 બાદ નવા ટ્રસ્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે કે કેમ? તેમજ નવા ટ્રસ્ટમાં હાલ કોણ-કોણ ટ્રસ્ટી છે અને બેટ-દ્વારકા મંદિરના ટ્રસ્ટીઓ કોણ છે, કેટલા છે, ક્યાં-ક્યાં ગામ-શહેર માંથી છે તેની મંદિરના ટ્રસ્ટીઓ સહિત ઈન્ચાર્જ – વ્યવસ્થાપકને પણ ખબર નથી!