માંડ પાટે ચડી રહેલી ગાડીને ભાવના કડછા અને તેમની ટીમે બ્રેક મારી દીધી!
રંગ છલકે…
– કિન્નર આચાર્ય
– કિન્નર આચાર્ય
પોલીસનું મનોબળ અન્ય કોઇ નહીં, સ્વયં દોઢડાહ્યાં પોલસકર્મીઓ જ તોડી રહ્યાં હોય તેવો ઘાટ
ક્રાઈમ બ્રાન્ચનાં મહિલા PSI ભાવના કડછા અને તેમની ટીમે ગજબનાક તમાશો સર્જ્યો, સાયલા નજીકથી રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની આ ટીમ 600 પેટી ભરેલાં દારૂનાં ટ્રકને એસ્કોર્ટિંગ કરતાં ઝડપાઈ : પકડ્યા કોણે? સ્ટેટ વિજિલન્સ સ્કવોડએ
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ પર શનિ-રાહુનો પ્રકોપ હોય એવું લાગે છે. તોડકાંડનો મામલો હજુ લોકો માંડ ભૂલી રહ્યાં હતાં. ક્રાઈમનાં પ્રથમ ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ શિસ્ત બાબતે આકરાં પગલાં લઈ રહ્યાં છે. અસલી પુલિસિંગ કોને કહેવાય એ જ રાજકોટ પોલીસ કદાચ ભૂલી ગઈ છે, આવા નવા સંન્નિષ્ઠ અધિકારીઓ તેમને એકડે એકથી બધું શીખવી રહ્યાં છે. ઈન્ચાર્જ સી. પી. ખુર્શીદ અહેમદ પણ ભૂલથી ય કુંડાળામાં પગ ન પડી જાય તેનો ખ્યાલ રાખી રહ્યાં છે. એવામાં ક્રાઈમ બ્રાન્ચનાં મહિલા પીએસઆઈ ભાવના કડછા અને તેમની ટીમે ગજબનાક તમાશો સર્જ્યો. સાયલા નજીકથી રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની આ ટીમ 600 પેટી ભરેલાં દારૂનાં ટ્રકને એસ્કોર્ટિંગ કરતાં ઝડપાઈ. પકડ્યા કોણે? સ્ટેટ વિજિલન્સ સ્કવોડએ.
- Advertisement -
રાજકોટમાં લૉ એન્ડ ઓર્ડર સુવ્યવસ્થિત ચાલે એવું શહેરની 98 ટકા જનતા દિલથી ઈચ્છે છે, બાકીનાં બે ટકા લોકોમાં અસામાજિક તત્ત્વો સાથે કમનસીબે કેટલાંક પોલીસ કર્મચારીઓ પણ છે
ખુર્શીદ અહેમદ, પાર્થરાજસિંહ ગોહિલ અને જે.વી. ધોળા ક્રાઈમ બ્રાન્ચની ઑફફ-ટ્રેક ગાડીને પાટે ચડાવવા પ્રયત્નો કરે ત્યારે ખુશી જ થાય, પરંતુ કડછા એન્ડ કંપની જેવા સળંગડાહ્યા લોકો ક્ષણભરમાં જ પહેલાં લોકોની મહિનાઓની મહેનત પર ટાઢુંબોળ પાણી રેડી દે તો આંચકો જ લાગે!
અમરેલીનાં કાર્યદક્ષ એસ. પી. નિર્લિપ્ત રાયને જ્યારથી સ્ટેટ મોનિટરિંગ સેલમાં મૂકવામાં આવ્યા છે- ત્યારથી તેઓ એક પછી એક સપાટા બોલાવી રહ્યા છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચનાં કમનસીબે તેમની ટીમ સ્ટેટ મોનિટરિંગ સેલની હડફેટે જ ચડી ગઈ. મામલો સુલટાવવાનાં ઘણાં પ્રયત્નો થયા પરંતુ કશું જ કામ ન લાગ્યું. છેવટે ક્રાઈમ બ્રાન્ચનાં ચાર પોલીસકર્મી સામે ટ્રક ડ્રાઈવરનું અપહરણ કરવાની ફરિયાદ નોંધાઈ. સવાલ એ છે કે, પીએસઆઈ ભાવના કડછાની વિરૂદ્ધ એફ.આઈ.આર. હજુ સુધી કેમ નોંધાઈ નથી? તેઓ કોઈ જ ઉપરી અધિકારીની પૂર્વમંજૂરી વગર પોતાની ટીમને જિલ્લા બહાર- કાર્યક્ષેત્ર બહાર લઈ ગયા હતા. સૌપ્રથમ આરોપી તરીકે ભાવનાબેનનું નામ હોવું જોઈતું હતું. એવું નથી બન્યું.
રંધાઈ શું રહ્યું છે? કશુંક ગંધાઈ રહ્યું છે. રાજકોટ પોલીસની આબરૂ બળીને રાખ થઈ રહી છે એની આ તીવ્ર બદબૂ છે. અને આ લખતાં મને બિલકુલ આનંદ થતો નથી. ઘણાં લોકો કહે છે, ‘તમે પોલીસ વિશે બહુ સાચું લખો છો!’ હું કહું છું: ‘સાનંદ નહીં, ભારે હૈયે લખવું પડે છે!’ આમાં કોઈ આનંદ નથી, વિકૃત આનંદ પણ નથી. ખુર્શીદ અહેમદ, પાર્થરાજસિંહ ગોહિલ અને જે. વી. ધોળા ક્રાઈમ બ્રાન્ચની ઑફફ-ટ્રેક ગાડીને પાટે ચડાવવા પ્રયત્નો કરે ત્યારે ખુશી જ થાય. પરંતુ કડછા એન્ડ કંપની જેવા સળંગડાહ્યા લોકો ક્ષણભરમાં જ પહેલાં લોકોની મહિનાઓની મહેનત પર ટાઢુંબોળ પાણી રેડી દે તો આંચકો જ લાગે.
- Advertisement -
રાજકોટમાં લૉ એન્ડ ઓર્ડર સુવ્યવસ્થિત ચાલે એવું શહેરની 98 ટકા જનતા દિલથી ઈચ્છે છે. બાકીનાં બે ટકા લોકોમાં અસામાજિક તત્ત્વો સાથે કમનસીબે કેટલાંક પોલીસ કર્મચારીઓ પણ છે. કોઈ કોન્સ્ટેબલ છે, કોઈ પીએસઆઈ- પીઆઈ તો કોઈ એસીપી. અને આ બધું થવાનું કારણ એ છે કે, રાજકોટમાં દાયકાઓથી એક સારા- ઢંગના પોલીસ કમિશનર નથી મૂકાયા. આજે પણ જે નામો નવા કમિશનર તરીકે ચાલી રહ્યાં છે- તેમાંથી મોટાભાગનાં ફુટી ગયેલી તોપ જેવા, પપલુ અને નખશીખ ખરડાયેલાં છે. શું રાજકોટની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવામાં સરકારને રસ જ નથી? એક પછી એક નબળાં અધિકારીઓ પ્રજાનાં માથા પર માર્યે રાખવાનો શો અર્થ?
કેટલાંક લોકો કહેશે, એક અધિકારી એટલો મોટો શો તફાવત લાવવાનો? લાવી શકે છે. બેશક લાવી શકે છે. ચૂંટણી કમિશનરનાં પદમાં કેટલી તાકાત છે એ શેષાન અગાઉ કોઈ જાણતું ન હતું, ચિફ વિજિલન્સ કમિશનર તરીકે એન. વિટ્ટલ આવ્યા પછી જ એ પદનો મહિમા સમજાયો. એક કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ધારે તો શું-શું કરી શકે, તે વિનોદ રાયએ પુરવાર કરી આપ્યું, નેશનલ સિક્યુરિટી એડવાઈઝર તરીકે અજીત દોવાલ આવ્યા પછી જ એ પદનું મહત્ત્વ સમજાયું. આ બધી તો બહુ મોટી પોસ્ટ છે. પણ, એક શહેર માટે એક શિસ્તપ્રિય, કડક, પ્રામાણિક પોલીસ કમિશનર પર્યાપ્ત છે. સેનાપતિ જો ખુલ્લી તલવારે લડતો હોય તો જ સેનાને જોશ ચડે. અને તો જ સેના બહાદુર બને. જેનો સેનાપતિ આંધળો તેનું દળકટક કૂઆમાં જ હોય.
રાજકોટ કમિશનરનાં પદ અંગે હવે તત્કાળ નિર્ણય લેવાની જરૂર છે. જે બે-ચાર ફૂટેલી કાર્તુસ જેવાં નામ ચર્ચાય છે તેનાં કરતાં તો ઈન્ચાર્જ કમિશનર ખુર્શીદ અહેમદ લાખગણા બહેતર છે. જો સરકાર નિર્ણય લેવાની સ્થિતિમાં ન હોય તો એટ લિસ્ટ ખુર્શીદ અહેમદ પરથી ‘ઈન્ચાર્જ’નું લેબલ હટાવી દેવું જોઈએ. તો જ તેઓ છૂટથી કામ કરી શકશે.


