મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં 1000થી વધુ બ્લડ યુનિટ એકત્ર કરાયા
કેમ્પમાં નાગરિકોએ દેશભક્તિનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું: કલેક્ટર એન.વી.ઉપાધ્યાય
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.12
પ્રવર્તમાન સ્થિતિને અનુલક્ષીને જિલ્લા કલેકટર એન.વી.ઉપાધ્યાયના માર્ગદર્શનમાં ગીર સોમનાથ ઈન્ડિયન રેડક્રોસ તેમજ અન્ય સંસ્થાઓના સહયોગ થકી વેરાવળ મણિબહેન કોટક સ્કૂલમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો છે. આ કેમ્પ થકી 1000 થી વધુ બ્લડ યુનિટ એકત્ર કરવામાં આવ્યા હતા.
જિલ્લા કલેક્ટરએ જણાવ્યું હતું કે, પ્રવર્તમાન સ્થિતિમાં જો બ્લડની જરૂરિયાત ઉભી થાય તો કોઈ મુશ્કેલી ઊભી ન થાય તે માટે આ આયોજન કરાયું છે. રખેને કોઈ કપરી પરિસ્થિતિનું નિર્માણ થાય તો તેને સંપૂર્ણ રીતે પહોંચી વળવા સક્ષમ બની શકાય. 32 બેડની વ્યવસ્થા તેમજ મેડિકલ ટીમ્સ થકી સુનિયોજીત વ્યવસ્થામાં નાગરિકો બ્લડ ડોનેટ કરી રહ્યાં છે. આ સમય માતૃભૂમિ માટે ઋણ અદા કરવાનો છે. જેથી અચૂક સ્વૈચ્છિક રક્તદાન કરી સેવાના આ મહાયજ્ઞમાં સહભાગી બનીએ.
ગીર સોમનાથ ઈન્ડિયન રેડક્રોસના પૂર્વ ચેરમેન કિરિટભાઈ ઉનડકટે જણાવ્યું હતું કે, ભારત દેશની રક્ષા કરવા કાજે સેનાના જવાનો દેશની સુરક્ષા માટે સતત કાર્યરત છે. સરહદ પર સંઘર્ષના સમયે ઘાયલ જવાનો માટે લોહીની જરૂર ઉદ્ભવે અને અન્ય જરૂરિયાતમંદ દર્દીઓ માટે પણ લોહી ઉપલબ્ધ રહે તે માટે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો છે. માતૃભૂમિનું ઋણ ચૂકવવાના અવસરને વધાવી મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં એન.સી.સી. કેડેટ્સ, વિવિધ સમાજના પ્રતિનિધિઓ, વ્યાપારી મંડળો, વિવિધ સામાજિક સંસ્થાઓ અને ધાર્મિક સંગઠનો, અગ્રણીઓ, અધિકારીઓ-કર્મચારીઓ ઉત્સાહપૂર્વક સહભાગી થયાં હતાં તેમજ સેવાભાવી યુવાનો અને અન્ય તબીબી સંસ્થાઓનો પણ સહકાર મળ્યો હતો. સેવાના આ મહાયજ્ઞમાં સહભાગી થનાર તમામને મહાનુભાવોના હસ્તે સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયાં હતાં.



