ડૉ.શરદ ઠાકર
સાચા સાધકે જિજ્ઞાસુ નહીં પણ મૂમુક્ષુ બનવું જોઇએ અને પોતાની અંદર રહેલી દિવ્યશક્તિને જગાડવાની કોશિશ કરવી જોઇએ. બધા સાધકો કુંડલિની જાગરણ સિદ્ધ કરી શકતા નથી અને એવું કરવું ફરજિયાત પણ નથી. જેવી શક્તિ તેવી ભક્તિ. દિવ્યશક્તિ એટલે આપણા દેહમાં વ્યાપ્ત ચૈતન્ય શક્તિ અથવા ચિતિશક્તિ. સાધનાની શરૂઆત મૂલાધાર ચક્રથી કરવી જોઇએ. કેટલાક અધ્યાત્મિક ગુરુઓએ સાત શરીર અને સાત ચક્રોના વિષયને અત્યંત અઘરો બનાવી દીધો છે. પરિણામે એના વિશે ઘણા ભ્રમો અને ભયો ફેલાયેલા છે. વાસ્તવમાં આ સાવ સહજ અને સરળ બાબત છે.
મૂલાધાર ચક્ર એનાં નામ પ્રમાણે જ આપણા દેહનો મૂળ આધાર છે. સાત ચક્રોમાં એ સૌથી નીચે આવેલું છે. કરોડસ્તંભનાં મૂળમાં સ્થિત હોવાથી આપણે જ્યારે જમીન પર બેસીએ છીએ ત્યારે આ ચક્ર પૃથ્વી તત્વના સંપર્કમાં રહે છે. માણસનાં મનની બે લાક્ષણિકતાઓ હોય છે; એક લાક્ષણિકતા જન્મજાત હોય છે અને બીજી લાક્ષણિકતા સાધનાથી કે તાલીમથી કેળવી શકાય છે જેમ કે બાળક તોફાન કરે તે તેની પ્રાકૃતિક લાક્ષણિકતા છે અને તેના માતા-પિતા અથવા શિક્ષક તેને શાંત રહેવાનું શીખવે તે તેની તાલીમી લાક્ષણિકતા છે. આવું જ આપણાં શરીરમાં રહેલાં સાત ચક્રોનું હોય છે. મૂલાધાર ચક્રની પ્રાકૃતિક લાક્ષણિકતા જાતીય આવેગો અને કામવાસના પ્રત્યેનું આકર્ષણ છે. પ્રાણીમાત્રનું આ પ્રકૃતિદત્ત લક્ષણ મનાયું છે પણ જો આ પ્રાકૃતિક લક્ષણને સાધના દ્વારા યોગ્ય દિશામાં વાળી દેવામાં આવે તો તે બ્રહ્મચર્ય બની જાય છે. પણ અહીં ખાસ ધ્યાન એ વાતનું રાખવાનું છે કે આવું કરવા માટે આવેગોનું દમન કરવાનું નથી. એક વાર જાતીય આવેગોને સંપૂર્ણપણે સમજી લેવામાં આવે તો બ્રહ્મચર્ય સહજ બની જાય છે. દમન અને સંયમ વચ્ચેનો ભેદ સમજી લેવો ખૂબ જરૂરી છે. મૂમુક્ષુમિત્રોને અનુરોધ કરું છું કે મૂલાધાર ચક્રમાં ઘર કરી ગયેલી વાસનાઓને સંયમની દિશામાં વાળવાની શરૂઆત તો કરી જુઓ; એક જ દિવસમાં તમારા મન અને દેહમાં ધરખમ પરિવર્તનો થતાં તમે જાતે અનુભવી શકશો.