સંસારમાં રહીને ઈશ્વરની પ્રાપ્તિ થઈ શકે ખરી? આ પ્રશ્નનો ઉપરછલ્લો જવાબ છે : ના. ઈશ્વર પ્રાપ્તિ માટે મનને અંતર્મુખી બનાવી દેવું પડે, સંસાર તરફથી પાછું વાળીને આત્માની સાથે જોડી દેવું પડે. આ સંસારમાં રહીને કરવું શક્ય નથી. આનો અર્થ એવો પણ નહિ કે ઈશ્વરગામી બનવા માટે બધાએ સંસાર ત્યાગ કરવો પડે. સંસારમાં રહીને પણ સાધક પોતાનું એકાંત મેળવી શકે. જેટલો સમય ઘર પરિવાર સાથે રહેવું ફરજિયાત હોય એટલો સમય જ એમના માટે ફાળવવો. બધું હું જ કરું છું એવી અજ્ઞાનતા ત્યજી દેવી. કર્તા ભાવ છોડી દેવો. સાંસારિક ઉપાધિઓ અને જવાબદારીઓનું વહન પરમાત્મા જ કરે છે, આપણે માધ્યમ છીએ. જ્યાં જેટલું કરવું જરૂરી હોય એટલું અવશ્ય કરવું પણ એમાં મન ડુબાડીને વ્યથિત થવું નહિ.હું મારું મોટા ભાગનું જીવન બહિર્મુખી બનીને જીવ્યો છું.
જાહેર જીવન હોવાથી લાખો લોકોને મળવાનું, અસંખ્ય કાર્યક્રમોમાં જવાનું, દર્દીઓ તપાસવાનું અને મિત્રો સાથે સુખમય સમય ગાળવાનું માણતો રહ્યો છું. છેલ્લા સાત-આઠ વર્ષથી હું ધીમે ધીમે અંતર્મુખી બનતો ગયો છું. હાલમાં મારો મોટા ભાગનો સમય મારા અંગત કક્ષમાં એકાંતમાં પસાર થાય છે. ચોવીસ કલાકમાંથી બધું મળીને એકથી દોઢ કલાક હું પરિવાર સાથે ગુજારતો હોઈશ, એ પણ સાક્ષીભાવ પૂર્વક. જે રીતે કુમળા છોડ કે નવા વાવેલા વૃક્ષનું રક્ષણ કરવા માટે એની આસપાસ ગોળાકાર પીંજરું મૂકવું પડે છે જેથી ગાય અથવા બકરી એના પાંદડાંને ચાવી ન જાય. આવું જ સાધકે પોતાના મન માટે કરવું જોઈએ. પોતાની ફરતે એકાંત નામનું પીંજરું મૂકી દેવું જરૂરી છે. સાંસારિક બાબતો આક્રમણ કરીને આપણા મનને ખલેલ ન પહોંચાડે તે માટે.