રાજસ્થાનથી તાડપત્રીની આડમાં આવતો 12,672 બોટલ દારૂ રાજકોટમાં ઠલવાઇ તે પહેલાં જ ઝબ્બે
56.67 લાખનો મુદ્દામાલ કબ્જે : આજી ડેમ પોલીસનો બાતમી આધારે દરોડો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ નજીક ઢોલરાના પાટીયા પાસેથી 41.60 લાખનો દારૂ ભરેલ આઈશર આજીડેમ પોલીસે પકડી પાડી રાજસ્થાન તરફથી તાડપત્રીની આડમાં આવતો 12,672 બોટલ દારૂ રાજકોટમાં ઠલવાઇ તે પહેલાં જ 56.67 લાખનો મુદ્દામાલ સાથે રાજસ્થાની ટ્રક ચાલકની ધરપકડ કરી હતી.
- Advertisement -
રાજકોટમાં દારૂની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે આજીડેમ પોલીસ મથકના પીઆઇ એ.બી.જાડેજાની રાહબરઆ પીએસઆઇ જે.જી.ઝાલા અને ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ, કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ અને પ્રદિપસિંહ સહિતના સ્ટાફને કોઠારીયા ગામ શીવ ભવાની ચોક પાસે પહોંચતા બાતમી મળેલ કે, એક આઇશરમાં પીળા કલરની તાડપત્રીની આડમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ભરેલ છે જે આઇશર ટ્રક ગોંડલ તરફથી રાજકોટ તરફ આવે છે તેવી બાતમી આધારે કોઠારીયા ગામ ઢોલરાના પાટીયા પાસે વોચ ગોઠવી હતી ત્યારે આઇશર નીકળતા તેને અટકાવી ટ્રક ચાલકનું નામ પુછતા પોતે રાજસ્થાનનો પવનકુમાર હરીરામ માંજુ ઉ.26 હોવાનું જણાવ્યું હતું આઇશર ટ્રકમાં પાછળના ભાગે પીળા કલરની તાડપત્રી હટાવી જોતા અલગ-અલગ બ્રાન્ડની દારૂની બોટલો જોવા મળી હતી. પોલીસે દારૂ ભરેલ આઇસર પોલીસ મથકે લઈ જઈ તપાસ કરતાં કુલ દારૂની 12672 બોટલ દારૂ રૂ.41.60 લાખનો જથ્થો મળી આવતાં દારૂ, ટ્રક, મોબાઈલ સહિતનો મુદ્દામાલ મળી કુલ 51.67 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ટ્રક ચાલકની પૂછતાછ કરી હતી પ્રાથમિક પૂછતાછમાં તે દારૂનો જથ્થો રાજસ્થાનથી લઈ આવતો હતો અને વોટ્સએપ નંબરના આધારે દારૂ સપ્લાય કરવાનો હતો. દારૂના જથ્થાના સપ્લાયર અને રીસીવરની વિગત મેળવવા પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ આદરી છે.



