માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
- Advertisement -
રાજકોટમાંથી માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જ્યાં નાની બાળકીનું રમતા-રમતા પ્લાસ્ટિકની દડી ગળી જવાથી મોત નિપજ્યું છે. દડી ગળી જવાના કારણે બાળકી શ્વાસ નહતી લઈ શકતી. જેથી તેને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે, સારવાર દરમિયાન જ તેનું મોત નિપજ્યું હતું.
રાજકોટના મહુડી વિસ્તારમાં રહેતી દોઢ વર્ષની પાર્થવી નામની બાળકી ગત મંગળવારે (24 જૂન) રમતા-રમતા પ્લાસ્ટિકની દડી ગળી ગઈ હતી. લગભગ 7 દિવસ પહેલાં આ ઘટના બની હતી. માતા-પિતાને આ વિશે જાણ થતા તેને તાત્કાલિક ધોરણે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. દડી ગળી જવાના કારણે બાળકી શ્વાસ નહતી લઈ શકતી અને છેલ્લાં 7 દિવસથી તે સારવાર હેઠળ હતી. જોકે, આ દરમિયાન જ તેનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ, તબીબો દ્વારા ઓપરેશન કરીને બાળકીના ગળામાંથી પ્લાસ્ટિકની દડી બહાર કાઢવામાં આવી હતી. જોકે, ઓપરેશન બાદ પણ બાળકી ભાનમાં નહતી આવી શકી. ત્યારબાદ તેને વધુ સારવાર માટે ઝનાના હોસ્પિટલના બાળ વિભાગમાં દાખલ કરવામાં આવી હતી. જોકે, ત્યાં સારવાર દરમિયાન જ બાળકીનું મોત નિપજ્યું હતું.