તન્વી પ્રોડક્શન દ્વારા પ્રોડ્યુસ ગુજરાતનાં સૌથી મોટા રિયાલિટી શોની સૌથી મોટી રિયાલિટી
તન્વી પ્રોડક્શને ગુજરાતીઓને કરોડપતિ બનાવવાના સપના દેખાડી કરોડો રૂપિયા કમાઈ લીધા
- Advertisement -
11111થી લઈ 1.25 કરોડ રૂપિયા સુધી જીતવાની લાલચ આપી સ્પર્ધક દીઠ 1200-1200 રૂપિયા ઉઘરાવાયા
ખાસ-ખબર સંવાદદાતા
આજથી સવા વર્ષ અગાઉ સવાલોનાં સવા કરોડ નામનો ગુજરાતનો સૌ પ્રથમ અને સૌથી મોટો રિયાલિટી શો તન્વી પ્રોડક્શનના વિમલ પટેલ સહિત સોમા પટેલ, ગગજી સુતરીયા, દિનેશ નવાડીયા, વિમલ મુંગરા, શાંતિ પટેલ અને રવિ ભાલાળા વગેરે લઈને આવ્યા હતા. રાજકોટના તન્વી પ્રોડક્શન્સ પ્રા. લિ. દ્વારા પ્રોડ્યુસ સવાલોનાં સવા કરોડ રિયાલિટી ગેમ શો પર તેમા ભાગ લેનારા સ્પર્ધકોએ સવાલો કરવાના શરૂ કર્યા છે. ગુજરાતીઓને માલામાલ કરવા સવાલોનાં સવા કરોડ – સામાન્ય જ્ઞાનનાં પ્રશ્ર્નો આધારીત રિયાલિટી ગેમ શો દ્વારા ગુજરાતીઓને કરોડપતિ બનવવાના સપના દેખાડી કરોડો રૂપિયા કમાઈ લીધાનો આક્ષેપ તન્વી પ્રોડક્શન પર થઈ રહ્યો છે. કોરોનાકાળમાં આજથી સવા વર્ષ અગાઉ તન્વી પ્રોડક્શન દ્વારા સવાલોનાં સવા કરોડ ગેમ શોના માધ્યમથી 11111થી લઈ 1.25 કરોડ રૂપિયા સુધી જીતવાની લાલચ આપી આ ગેમ શોમાં ભાગ લેવા સ્પર્ધકદીઠ 1200-1200 રૂપિયા ઉઘરાવાયા હતા. સવાલોનાં સવા કરોડ ગેમ શોમાં ભાગ લેવા લાખો લોકોએ રજીસ્ટ્રેશન ફી 999 રૂ. + 2% પ્રોસેસિંગ ફી + 18% જીએસટી = 1200 રૂ. એન્ટ્રી ફી ભરી હતી, રજીસ્ટ્રેશન ફી ભર્યા બાદ આજે સવા વર્ષ બાદ પણ આ ગેમ શો આગળ વધ્યો નથી. તન્વી પ્રોડક્શને સવાલોનાં સવા કરોડ ગેમ શોમાં ભાગ લેવા સવા વર્ષ અગાઉ સ્પર્ધકો પાસેથી પૈસા ઉઘરાવેલા હતા અને હવે સવા વર્ષ બાદ પણ આ ગેમ શો ક્યારે શરૂ થશે તેના કોઈ ઠેકાણા નથી જેથી સ્પર્ધકો તન્વી પ્રોડક્શન વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવાનું વિચારી રહ્યા છે.
ગેમ શોમાં ભાગ લેવા સ્પર્ધકો પાસેથી પૈસાનાં ઉઘરાણાં કરી લીધાં, સવા વર્ષ બાદ પણ આજે ‘સવાલોનાં સવા કરોડ’નાં કોઈ ઠેકાણા નથી!સવાલોનાં સવા કરોડ રિયાલિટી ગેમ શો વિશે આજથી સવા વર્ષ અગાઉ તન્વી પ્રોડક્શનના વિમલ પટેલ સહિત સોમા પટેલ, ગગજી સુતરીયા, દિનેશ નવાડીયા, વિમલ મુંગરા, શાંતિ પટેલ અને રવિ ભાલાળા વગેરેએ ભેગા મળી વાજતેગાજતે એક પ્રેસ કોન્ફરન્સ કરેલી હતી જેમાં ગુજરાતીઓને આંબાઆંબલી બતાવતા જણાવ્યું હતું કે, આ શોના પ0થી વધુ એપિસોડ હશે. ગેમ શોના દરેક એપિસોડમાં કોઈને કોઈ સેલિબ્રીટી આવી શોને ચાર ચાંદ લગાવશે. જો ગુજરાતના લોકો આ શોને સફળ બનાવશે તો દર વર્ષે નવી સીઝન લાવવામાં આવશે. આ શોનું જાન્યુઆરી-ફેબ્રુઆરી 2021માં ઓનલાઈન રજીસ્ટ્રેશન બંધ થશે અને ત્યારબાદ રજીસ્ટ્રેશન કરાવેલા સ્પર્ધકો વચ્ચે ગેમ શો શરૂ થશે. ભાગ લેનારા લોકોને સામાન્ય જ્ઞાનના સવાલોના જવાબો આપી રૂ. 11111થી લઈ 1.25 કરોડ રૂપિયા જીતવા મળશે. આ શોમાં નોર્મલ રાઉન્ડ, ક્વાટર ફાઈનલ, સેમી ફાઈનલ અને ફાઈનલ જેવા 10 રાઉન્ડ હશે. આ ઉપરાંત જે લોકો ઘરે રહીને સવાલોના જવાબ આપશે તે લોકોને ડેઈલી માલામાલ કોન્ટેસ્ટ હેઠળ દરરોજ 50 વ્યક્તિને રૂ. 5555 જીતવા મળશે. વગેરે વગેરે હાથીના કાન ફાડી નાખે એવી જાહેરાત તન્વી પ્રોડક્શનના વિમલ પટેલ સહિત સોમા પટેલ, ગગજી સુતરીયા, દિનેશ નવાડીયા, વિમલ મુંગરા, શાંતિ પટેલ અને રવિ ભાલાળા વગેરે દ્વારા કરવામાં આવી લોકોને સવાલોનાં સવા કરોડ ગેમ શોમાં ભાગ લઈ પૈસાદાર બનવાની લાલચ અપાઈ હતી. આ લાલચથી આકર્ષાઈ ઘણા ગુજરાતીઓએ સવાલોનાં સવા કરોડ ગેમ શોમાં પૈસા ભરી રજીસ્ટ્રેશન કરાવ્યું હતું પરંતુ સવા વર્ષ જેટલો સમય થવા છતાં આ ગેમ શો શરૂ ન થતા સ્પર્ધકોની ધીરજ ખૂટી ગઈ છે અને કરોડપતિ બનવાની લાલચમાં આવી છેતરાઈ ગયા હોવાનું અનુભવી રહ્યા છે.
- Advertisement -
સવાલોનાં સવા કરોડમાં ભાગ લેવા લાખો લોકોએ રજીસ્ટ્રેશન ફી 999 રૂ. + 2% પ્રોસેસિંગ ફી + 18% જીએસટી = 1200 રૂ. એન્ટ્રી ફી ભરી છે
સિદ્ધાર્થ રાંદેરીયા હોસ્ટ કરશે, ટઝટ પર પ્રસ્તુત થશે, પણ ક્યારે?
સવાલોનાં સવા કરોડ ગેમ શો જાણીતા ગુજરાતી કલાકાર સિદ્ધાર્થ રાંદેરીયા હોસ્ટ કરશે અને આ ગેમ શો દરરોજ રાત્રે 9.30થી 10.30 વાગ્યા દરમિયાન વીટીવી ગુજરાતી ચેનલ પરથી પ્રસ્તુત થશે એવી જાહેરાત તન્વી પ્રોડક્શન દ્વારા કરવામાં આવી હતી. સ્પર્ધકો છેલ્લા સવા વર્ષથી રાહ જોઈ રહ્યા છે કે આખરે ક્યારે આ સમય આવશે? સ્પર્ધકોને સૌથી મોટો સવાલ મુંજવી રહ્યો છે કે, હવે સવાલોનાં સવા કરોડ ગેમ શો શું સિદ્ધાર્થ રાંદેરીયા હોસ્ટ કરશે? વીટીવી પર પ્રસ્તુત થશે? જો હા, તો ક્યારે?
ગેમ શૉનું ગામેગામ લાઈવ ઓડિશન કર્યા
તન્વી પ્રોડક્શન દ્વારા સવાલોનાં સવા કરોડ ગેમ ગેમ શોનું ગામેગામ લાઈવ ઓડિશન કરવામાં આવ્યું હતું. આ ઓડિશનની અંદર ભાગ લેનારા સ્પર્ધકો અને સ્પર્ધક બનવા ઈચ્છતા લોકોને બોલાવવામાં આવ્યા હતા. ઓડિશન દરમિયાન પણ લોભામણી જાહેરાતોની વણઝાર કરવામાં આવી હતી અને વધુને વધુ લોકોને રજીસ્ટ્રેશન ફી ભરી સવાલોનાં સવા કરોડ ગેમ શોમાં ભાગ લે તેવું જણાવવામાં આવ્યું હતું!
સેલિબ્રિટી પાસે મસમોટું માર્કેટિંગ કરાવ્યું
ગુજરાતના જાણીતા રાજનેતાઓ, ઉદ્યોગપતિઓ, ફિલ્મ-સંગીતના કલાકારો, લેખકો, પત્રકારો, આરજે વગેરે પાસે સવાલોનાં સવા કરોડ ગેમ શોનું તન્વી પ્રોડક્શન દ્વારા માર્કેટિંગ કરાવવામાં આવ્યું હતું. તન્વી પ્રોડક્શને સેલિબ્રિટીઓ પાસે સવાલોનાં સવા કરોડ ગેમ શોનું માર્કેટિંગ કરાવી લોકોને વિશ્વાસમાં લીધા હતા. તત્કાલીન મુખ્યમંત્રીના હસ્તે આ ગેમ શોની રજીસ્ટ્રેશન લાઈનનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું!