રાજકોટના રૈયાધારનાં યુવક પાસેથી 2.30 લાખ લઇ લગ્ન કર્યા હતા…
પૈસા માંગતા મેરેજ બ્યુરો સંચાલકે થાય તે કરી લેવાની ધમકી આપી : 5 સામે ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં લગ્નના નામે યુવક સાથે 2.30 લાખની છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાઈ છે 2.30 લાખ આપી લગ્ન કરનાર યુવતી દસમા દિવસે પિયરમાં રોકાવવાના બહાને ભાગી ગયા બાદ દાદા ગુજરી ગયા છે તેવું કહી બે મહિના સુધી પરત નહિ આવતા યુવકે મેરેજ બ્યુરો સંચાલકનો સંપર્ક કરતા થાય તે કરી લેવાની ધમકી આપતા અંતે મામલો પોલીસ સ્ટેશને પહોંચતા 5 સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
- Advertisement -
રાજકોટના રૈયાધારના બંસીપાર્કમાં રહેતાં અને નિર્મળા રોડ પર આવેલી માવાની દુકાનમાં નોકરી કરતાં વિપુલ લાઠીયાએ અમદાવાદના રાજુ ઠક્કર, હસમુખ મહેતા, ચાંદની, તેની માતા સુશિલાબેન અને પિતા રમેશ રાઠોડ સામે યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે 2023માં સોશિયલ મીડિયા ઉપર જાહેરાત જોઈ જયમાડી મેરેજ બ્યુરોના હસમુખનો સંપર્ક કર્યો હતો.
જેણે તેના લગ્ન કરાવી આપવાનું કહેતાં અમદાવાદમાં તેની ઓફિસે ગયો હતો. જયાં વાતચીત થયાના થોડા દિવસો પછી અમદાવાદમાં એક યુવતી બતાવી હતી. પરંતુ તે મહારાષ્ટ્રની હોવાથી ના પાડી હતી. થોડા સમય બાદ રાજુ ઠકકર મારફત ચાંદનીનો સંપર્ક કરાવ્યો હતો. તેની સાથે લગ્ન માટે 2.30 લાખ આપવાનું કહેતાં તૈયાર થઈ ગયો હતો લગ્ન નકકી થયા મુજબ અમદાવાદમાં વીધી કરાવી રજીર્સ્ટડ મેરેજ કરાવ્યા હતા. તે વખતે વકિલે કહ્યું કે લગ્ન થઈ ગયા છે, ત્રણ મહિના પછી મેરેજ સર્ટીફિકેટ આવી જશે. આ વીધી બાદ તેણે ચાંદનીને સોનાના દાગીના પણ ચડાવ્યા હતા તેના ઘરે દસેક દિવસ ચાંદની રોકાઈ હતી ત્યાર પછી તેણે કહ્યું કે રિવાજ મુજબ મારે દસ દિવસ પિયરમાં રોકાવા જવું પડશે.
બાદમાં ચાંદની જતી રહી હતી અને ઘણાં દિવસો સુધી પરત આવી ન હતી તેના પરિવારને ફોન કરતા તેના દાદા ગુજરી ગયા છે જેથી દોઢ મહિના પછી આવશે તે પછી પણ તેની નહિ આવતા આખરે તેણે હસમુખભાઈને વાત કરતાં તેણે કહ્યું કે ચાંદની છૂટું કરવા માગે છે જેથી તેની પાસે પૈસા માંગતા તેણે એક લાખનો ચેક આપ્યો હતો જે ચેક બેંકમાં નાખતા ખોટી સહી હોવાને લીધે રિટર્ન થયો હતો જેથી ફરી વચેટિયાઓને કોલ કરતાં લાજવાને બદલે ગાજી ગાળો ભાંડી, ધમકી આપી, ગાળો ભાંડી કહ્યું કે થાય તે કરી લેજે, પૈસા આપવા નથી, પોલીસ કેસ કરવો હોય તો કરી લેજે. જેથી આખરે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.



