ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.9
જુનાગઢ ગિરનારી ગ્રુપના સમીર દત્તાણી તથા સંજય બુહેચાની સંયુક્ત અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે, દુંદાળા દેવ ગણપતિ દાદાના મહોત્સવ નિમિત્તે જુનાગઢ શહેર સહિત અનેક જગ્યાએ દાદાનુ સ્થાપન કરીને મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ગિરનારી ગ્રુપ દ્વારા ભવનાથ રોડ ઉપર આવેલ ગાયત્રી મંદિર ખાતે રવિવારના રોજ ધોરણ 03 થી 05 અને 06 થી 10 સુધીના બાળકો માટે બે વિભાગ કરી દેડકા દોડ, સંગીત ખુરશી, લીંબુ ચમચી, કોથરા દોડ, લોટ ફૂકણી, ફુગ્ગા ફુલાવવા, જનરલ નોલેજ, રંગપૂરણી અને માટીમાંથી ગણપતિ દાદા બનાવવા માટેની સ્પર્ધાઓનું ભવ્યથી અતિભવ્ય આયોજન કરવામાં આવેલ હતું. જેમાં 232 જેટલા બાળકોએ સ્પર્ધામાં ભાગ લીધેલ હતો. સાથે 00 થી 15 વર્ષ સુધીના બાળકોને ઇમ્યુનિટી. માટેના સુવર્ણ પ્રાસનના ટીપા 86 બાળકોને વિનામૂલ્યે પીવડાવવામાં આવેલ હતા.
આ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય કરી “ગણપતિ બાપા મોરિયા, મંગલ મૂર્તિ મોરિયા” ના નાદ સાથે ડો. ધવલ ગોહેલ, ડો. વ્યોમ મોરી સહિત ઉપસ્થિત મહાનુભાવના હસ્તે દાદાની આરતી ઉતારવામાં આવી હતી. ભારતી આશ્રમના લઘુ મહંત મહાદેવ ભારતીબાપુ ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવ્યા હતા, અતિથિ વિશેષ પદે પ્રો. પી.બી. ઉનડકટ, નાગાજણ ગરેજા, જયેશભાઇ શુક્લ, ભુપેન્દ્રભાઈ ભટ્ટ, જશવંતીબેન દતાણી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન સમીરભાઈ દવે, નરેન્દ્રસિંહ ચુડાસમા, કિર્તીભાઈ પોપટે કરેલ હતું. સ્પર્ધા પૂર્ણ થયે દરેક સ્પર્ધામાંથી 01 થી 03 નંબર આવેલા વિદ્યાર્થીઓને તથા સ્પર્ધામાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપી ગિફ્ટ તથા સર્ટિફિકેટ અપાયાં હતા.