કોન્ટ્રાક્ટના કર્મચારીઓનો દોઢ મહિનાથી પગાર ન થતાં રોષ
રાજકોટ મહાપાલિકાની સફાઈ સહિતની સેવાઓને અસર થવાની ભીતિ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાનાં ક્ધઝર્વન્સી વિભાગમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતાં આશરે 375 જેટલા ડ્રાઇવરો પગાર ન મળવાનાં કારણે અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા છે. છેલ્લા દોઢ માસથી પગાર ન ચૂકવાતાં કોંગ્રેસની આગેવાનીમાં ડ્રાઇવરોએ આ પગલું ભર્યું છે, જેના કારણે મનપાની સફાઈ અને આનુષંગિક સેવાઓને અસર થવાની ભીતિ છે. આ સમગ્ર મામલામાં કોન્ટ્રાક્ટર અને મનપાના અધિકારીઓની મિલીભગત – બેદરકારી સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.
પ્રાપ્ત વિગત મુજબ આ હડતાળ આર.કે. સિક્યુરિટી કોન્ટ્રાક્ટ કંપની હેઠળ કામ કરતાં ડ્રાઇવરો દ્વારા કરવામાં આવી છે. ડ્રાઇવરોનો મુખ્ય આક્રોશ છે કે દિવાળી જેવા મોટા તહેવારો નજીક છે. ત્યારે દોઢ મહિનાથી પગાર ન મળવાને કારણે તેમના ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું છે. તહેવાર સમયે પગાર ન મળવાથી તેમના તહેવારો બગડે તેવી કપરી સ્થિતિ સર્જાઈ છે. ડ્રાઇવરોનું કહેવું છે કે તેમણે પૂરી નિષ્ઠાથી કામ કર્યું છે, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા તેમને સમયસર મહેનતાણું ચૂકવાયું નથી.
- Advertisement -
કોંગ્રેસના આગેવાન અરવિંદ મુછડિયાએ જણાવ્યું હતું કે, કોન્ટ્રાક્ટ 3 મહિના પહેલા પૂરો થઈ ગયો છે, જેનું રિન્યુઅલ થયું નથી. કર્મચારીઓને 1 મહિનાનો પગાર મળ્યો નથી. નિયમ મુજબ બોનસ આપવાનું હોય છે, પરંતુ તેમાં પણ છટકબારી કરવામાં આવી રહી છે. તેમણે આ કોન્ટ્રાક્ટમાં મોટા પાયે ભ્રષ્ટાચારની ગંધ આવી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો અને વિજિલન્સ તપાસની માંગ કરી હતી. અને કર્મચારીઓના ખાતામાં પૂરો પગાર આવતો ન હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. મૂછડીયાનાં જણાવ્યા અનુસાર કર્મચારીઓનો પગાર રૂ. 16,000થી વધુ છે, પરંતુ તેમને અંદાજે રૂ. 12,300 જેટલો જ મળે છે. આ મુદ્દે કમિશનરને આવેદન આપીને જાણ કરવામાં આવશે. વધુમાં, છેલ્લા 2 દિવસથી કચરા પેટીઓમાંથી કચરો ઉપાડવામાં નહીં આવતા વિસ્તારમાં હાલાકી ઊભી થઈ છે. ત્યારે તાત્કાલિક આ કર્મચારીની માંગો સ્વીકારવામાં આવે તે જરૂરી છે. જો આમ કરવામાં નહીં આવે તો મ્યુ. કમિશ્નર સહિતના સત્તાધીશોને આ મામલે રજુઆત કરવાની ચેતવણી પણ તેમણે આપી છે.
હડતાળ પર ઉતરેલા એક કર્મચારી કમલેશ પરમારએ જણાવ્યું હતું કે, તેઓ આર. કે. સિક્યુરિટી હેઠળ કોન્ટ્રાકટ બેઝ કામ કરે છે. જેમાં અહીં હાજર ડ્રાઈવરો ડ્રાઇવિંગ, જેસીબી ઓપરેટર, ડમ્પર અને ટીપર વાન ચલાવવાનું તેમજ કચરાની કામગીરી કરે છે. તેમને દોઢ મહિનાથી પગાર મળ્યો નથી, જેના કારણે આર્થિક મુશ્કેલી છે. દિવાળીનાં તહેવારોને ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે તેમને તાત્કાલિક પગાર, પીએફ તેમજ ઇએસઆઇ અને બોનસનો લાભ આપવામાં આવે તેવી માંગ પણ તેમણે કરી હતી. ઉલ્લેખનીય છે કે ક્ધઝર્વન્સી વિભાગના ડ્રાઇવરો સફાઈ, કચરાના નિકાલ અને અન્ય આવશ્યક સેવાઓમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. તેમના હડતાળ પર જવાથી શહેરી સફાઈ અને જાહેર આરોગ્ય સંબંધિત કામગીરી પર પણ ગંભીર અસર પડવાની સંભાવના છે.