ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.1
આવનારી 3 માર્ચના રોજ વડાપ્રધાનશ્રી આવી રહ્યા છે સાસણની મુલાકાતે પધારી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વનમંત્રી મુળુભાઇ બેરા અને જિલ્લાના જવાબદાર તંત્રને લેટર મોકલી પ્રવીણ રામે 3 માર્ચના રોજ મિટિંગ માટે સમય માંગ્યો છે.
જેમાં તેમને જણાવ્યું છે કે, ઇકોઝોનના કારણે થતી સ્થાનિક રોજગારીને ભયંકર નુકશાનીઓ, વર્ષોથી વનવિભાગ દ્વારા થતી કનડગત તેમજ જેમણે અત્યાર સુધી ગીર અને સિંહને બચાવ્યું છે એવા ખેડૂતોને ઇકોઝોનથી થતી નુકશાનીઓ બાબતે વડાપ્રધાન સાથે ચર્ચા કરવા માટે પ્રવીણ રામે સમય માંગ્યો છે.
વધુમાં લેટરમાં આપનેતા પ્રવીણ રામે ઉલ્લેખ કરતા જણાવ્યું કે જો વડાપ્રધાન વાસ્તવિક મુદાઓ માટે ચર્ચા કરવા માટે સમય આપે તો અમે પણ ગીર અને સિંહને બચાવવા માંગીએ છીએ તો ગીર અને સિંહ પણ બચે અને ખેડૂઓને પણ નુકશાની ના થાય એવા રસ્તાઓ બાબતે અમે વડાપ્રધાન સાથે ખુલ્લા મને ચર્ચા કરી શકીએ સાથે લેટરમાં દુ:ખ વ્યક્ત કરતા પ્રવીણ રામે જણાવ્યું કે જ્યારથી હું સમજવા લાગ્યો ત્યારથી મેં એવું જ સાંભળ્યું છે અને વ્યક્તિગત અનુભવ કર્યો છે કે વિરોધ કરવાવાળા લોકોનું સરકારો ક્યારેય ટેબલ પર બેસાડીને સાંભળતી નથી ,ખાલી એમને દુશ્મનો માને છે, આ ખબર હોવા છતાં પણ ઇકોઝોનની લડતના પ્રણેતા પ્રવીણ રામે વડાપ્રધાન સમય ફાળવશે એવા એક અંદરના વિશ્વાસ સાથે સમય માંગ્યો છે ત્યારે હવે જોવું એ રહ્યું કે સ્થાનિક લોકોના વાસ્તવિક પ્રશ્નોને સમજવા માટે વડાપ્રધાન સમય આપે છે કે નહીં?