વડાપ્રધાન મોદીનો પ્રવાસ, ઇદ-એ-મિલાદ અને ગણેશ વિસર્જનને લઈ 12000 પોલીસ ખડેપગે રહેશે, 4 DCP, 4 ASP બહારથી આવશે
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
- Advertisement -
અમદાવાદ શહેરમાં 16 અને 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બે મોટા તહેવારો હોવાથી શહેર પોલીસને ખાસ બંદોબસ્તમાં ફેરવવામાં આવી છે. જેમાં શહેરના કુલ 12000 પોલીસ કર્મચારીઓને અલગ અલગ વિસ્તારમાં બંદોબસ્તમાં ગોઠવવામાં આવ્યા છે. તેમાં પણ ખાસ કરીને આ વખતે જછઙ અને બીજી ફોર્સ અન્ય રાજ્યમાં ચૂંટણી હોવાથી બહાર ગઈ છે. ત્યારે અમદાવાદ શહેરની તમામ પોલીસને આ મહત્ત્વના દિવસોમાં બંદોબસ્તમાં રોકવામાં આવી છે. સાથે સિનિયર અધિકારીઓની માગણી અમદાવાદ પોલીસ તરફથી કરવામાં આવી હતી. જેમાં ચાર ડીસીપી રેન્ક અને ચાર એએસપી રેન્કના અધિકારીઓને અમદાવાદ માટે ફાળવવામાં આવ્યા છે.
આ માટે તમામ યોજના અને પ્લાનિંગ થઈ ગયું છે. આ અંગે અમદાવાદ શહેર પોલીસ દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી હોવાની વિગત શહેર પોલીસ કમિશનર દ્વારા જણાવવામાં આવી છે. શહેરના પૂર્વ વિસ્તારમાં 16 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો GMDC ગ્રાઉન્ડમાં કાર્યકર્તાઓ સાથેનો કાર્યક્રમ યોજાનાર છે. જેમાં અંદાજે અઢી હજાર જેટલા પોલીસ કર્મચારીઓને નિયુક્ત કરવામાં આવ્યા છે.
આ જ દિવસે અમદાવાદ શહેરમાં પૂર્વ વિસ્તારમાં કેટલીક જગ્યાએ ઈદ-એ-મિલાદ નીકળવાના છે. આ જુલૂસ દરમિયાન પણ ખાસ વ્યવસ્થા પોલીસ દ્વારા કરવામાં આવી છે. શહેરનાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાંથી પોલીસ કર્મચારીઓને બંદોબસ્તમાં ફાળવવામાં આવે છે. જેમાં મોટાભાગે એરપોર્ટ તરફ ઝોન ફોર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે ઝોન 2, ઝોન 3, ઝોન 5 અને 6માં સ્થાનિક પોલીસની સાથે અન્ય જગ્યાની પોલીસ પણ ફાળવવામાં આવશે.
શહેરના અધિકારીઓ પાસેથી મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ શહેરમાં અંદાજે 12,000 જેટલી પોલીસ કર્મચારીઓ ફરજ બજાવે છે અને આ બે દિવસ તમામ પોલીસ શહેરમાં ખાસ બંદોબસ્તમાં હાજર રહેશે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિકે મીડિયાને જણાવ્યું હતું કે, આ મામલે અમે તૈયારીઓ કરી લીધી છે અને કેટલોક વધારાનો સ્ટાફ માગવામાં આવ્યો છે જે અમને મળી ગયો છે. ચાર ડીસીપી અને ચાર એએસપી કક્ષાના અધિકારીઓ આ બે દિવસ અમદાવાદ શહેર પોલીસ સાથે કામ કરશે. બીજી તરફ જછઙ અને અન્ય ફોર્સ હાલ અન્ય રાજ્યમાં છે અને રાજ્યમાં બીજી જગ્યાએ પણ તહેવારો હોવાથી અમદાવાદ પોલીસનો સૌથી વધુ ઉપયોગ કઈ રીતે થાય તેનું આયોજન કરી દેવામાં આવ્યું છે.
- Advertisement -
17 સપ્ટેમ્બરે અમદાવાદ શહેરમાં ગણેશ વિસર્જન પણ થવાનું છે. ત્યારે અમદાવાદ શહેર પોલીસને પણ તે પ્રમાણે વ્યવસ્થિત ગોઠવી દેવામાં આવી છે અને તેમને પોતાની ફરજની ફાળવણી પણ કરી દેવામાં આવશે. આ સમગ્ર વ્યવસ્થાને સિનિયર અધિકારીઓ દ્વારા મોનિટરિંગ અને વ્યવસ્થા સાથે જોડવામાં આવશે.
PM મોદી દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેનનું પણ લોકાર્પણ કરશે
દેશની પહેલી સ્વદેશી ટ્રેન વંદેભારત બાદ હવે ટૂંકા અંતરના શહેરો વચ્ચે લોકોને ઝડપી કનેક્ટિવિટી મળી રહે તે માટે સ્વદેશી વંદે મેટ્રો ટ્રેનની શરૂઆત થઈ રહી છે. દેશની પહેલી વંદે મેટ્રો ટ્રેન અમદાવાદ અને ભુજ વચ્ચે 16 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવશે. આ ટ્રેનનો લોકાર્પણ સમારંભ ભુજ ખાતે યોજાશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં યોજાનારા કાર્યક્રમમાંથી ઓનલાઈન લીલી ઝંડી ફરકાવી ટ્રેનનો શુભારંભ કરાવશે. જ્યારે ટ્રેનના રેગ્યુલર સંચાલન દરમિયાન અમદાવાદ અને ભૂજ વચ્ચે સાબરમતી, ચાંદલોડિયા, સાણંદ, વીરમગામ, સામખિયાલી, ગાંધીધામ સહિત 12 જેટલા સ્ટેશનો પર ઉભી રહે તેવી શક્યતા છે. જો કે, ટ્રેનના સ્ટોપેજ સહિત સત્તાવાર સમયપત્રક અંગે આગામી એક બે દિવસમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે.