27મીએ આખરી સુનાવણી બાદ ઓપરેશન ડિમોલીશન હાથ ધરાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ નજીકના અમરગઢ-કુવાડવા વિસ્તારમાં સરકારી જમીન પર પેશકદમી કરનારા 28 શખ્સોને કલેકટર તંત્ર દ્વારા નોટીસ ફટકારી દેવામાં આવી છે. જેમાં આગામી તા.27ના રોજ આખરી સુનાવણી બાદ ઓપરેશન ડિમોલીશન હાથ ધરી દબાણની સાફસૂફ કરવામાં આવનાર છે. દિવાળીના તહેવારોને લઈને ડિમોલિશન અટકાવી દેવામાં આવ્યું હતું. જોકે, હવે નોટિસ ફટકારવામાં આવી છે. જો સ્વેચ્છાએ દબાણ હટાવવામાં નહીં આવે તો બુલડોઝર ફેરવી સરકારી જમીન ખાલી કરાવવામાં આવશે.
અહીં એ ઉલ્લેખનીય છે કે રાજકોટ જીલ્લામાં સરકારી જમીનો પર ખડકાયેલા દબાણોને હટાવવા માટે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા ખાસ અભિયાન છેડવામાં આવેલ છે. રેવન્યુ અધિકારીઓની બેઠકમાં પણ કલેકટર પ્રભવ જોશી દ્વારા સરકારી જમીનો પર ખડકાયેલા દબાણોને હટાવવા માટે અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી. દિપાવલીના તહેવારો ઉપર દબાણ હટાવ ઝુંબેશને થોડી બ્રેક મારવામાં આવી હતી.
ત્યારબાદ હવે સરકારી જમીનો પરના દબાણો હટાવવા માટે વહીવટી તંત્ર દ્વારા ફરી કમર કસી દેવામાં આવી છે. જેમાં અમરગઢ, કુવાડવા વિસ્તારમાં સરકારી જમીનો પર વર્ષોથી પેશકદમી કરી કબ્જો જમાવનાર 28 શખ્સોને રેવન્યુ તંત્ર દ્વારા નોટીસો ફટકારવામાં આવી છે જેની આખરી સુનાવણી તા.27ના કરવામાં આવ્યા બાદ આ દબાણોની સાફસુફી માટે ઓપરેશન ડીમોલીશન કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.