પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી ૐદાદાની પ્રેરણાથી ભક્તિ, સેવા અને સનાતન સંસ્કૃતિનો અનોખો મહામેળો યોજાયો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગત રવિવાર, 21 સપ્ટેમ્બર 2025 ના રોજ રાજકોટમાં શીતલ પાર્ક પાસે આવેલા સનાતન નવરાત્રી ગ્રાઉન્ડ ખાતે પ્રથમ વખત ’ૐકારા સનાતન ગરબા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ કોઈ વ્યાવસાયિક કે પ્રસિદ્ધિ હેતુ માટે નહોતો, પરંતુ પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી ૐદાદાની દિવ્ય પ્રેરણાથી ભક્તિ, સેવા અને સનાતન સંસ્કૃતિના મહાસંગમ માટે યોજાયો હતો.
આ કાર્યક્રમની સૌથી અદ્ભુત અને ઐતિહાસિક ક્ષણ હતી, જ્યારે પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી ૐદાદા દ્વારા ૐ ના પવિત્ર નાદથી શક્તિપાત કરવામાં આવ્યો. આ પાવન ક્ષણે, 10,000થી વધુ ભક્તોએ એકસાથે ૐ નો નાદ કરીને સનાતનના મૂળ તત્વ સાથે ગહન જોડાણનો અનુભવ કર્યો. સમગ્ર મેદાન ભક્તિ અને આધ્યાત્મિક ઊર્જાથી ઝળહળી ઉઠ્યું હતું, જ્યાં દરેક હૃદયમાં ૐનો પવિત્ર અવાજ ગુંજતો હતો. આ ઉપરાંત, 10,000થી વધુ ભક્તોએ એકસાથે મહાઆરતી કરીને જગદંબાને શ્રદ્ધાપૂર્વક વધામણા પાઠવ્યા. આ પ્રસંગે પાલિતાણા કાલભૈરવ પીઠાધીશ્વર શ્રી રમેશભાઈ શુકલજીએ ઉપસ્થિત રહીને સનાતન સંસ્કૃતિ સાથે જોડાયેલ રહેવાની અને નાત-જાતના ભેદભાવ છોડીને સૌ સનાતનીઓને એક થવા અપીલ કરી હતી. ભાવનગરના જાણીતા ઇન્ફ્લુએન્સર અને કટ્ટર સનાતની શ્રી અમરદીપસિંહ ગોહિલ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા, જે ભક્તિભાવનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
- Advertisement -
આ કાર્યક્રમમાં ધારાસભ્યો, ઉદ્યોગપતિઓ, સામાજિક અગ્રણીઓ, રાજકીય આગેવાનો સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કલાકારો રાહુલ મહેતા, મોન્ટુ મહારાજ, વિશાલ વરૂ, જાગૃતિ ગોહેલ, શ્રદ્ધા મારું અને જીગ્નેશ પ્રજાપતિએ પોતાના અવાજથી ગરબાની રમઝટ બોલાવી હતી, જ્યારે માત્ર 15 વર્ષની યુવા કલાકાર શ્રી હર્ષિ ભટ્ટએ પણ પોતાના કંઠે માતાજીની આરાધના કરીને ખેલૈયાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. એન્કર રિયા તન્ના અને યોગેશ પાનેલિયાએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.
આયોજનની સફળતા માટે ૐકારા ફાઉન્ડેશન, નવજીવન વિકલાંગ સેવાશ્રય, કર્માયુથ ફાઉન્ડેશન, સ્વરાજ ફાઉન્ડેશન, બોલબાલા ટ્રસ્ટ અને અનેક સંસ્થાઓનો સહયોગ મળ્યો હતો.
આ કાર્યક્રમ માત્ર ગરબા જ નહિ, પરંતુ સેવા-યજ્ઞ અને સનાતન સંસ્કૃતિનો એક મહોત્સવ બની રહ્યો.



