ખાસ-ખબર સંવાદદાતા
અંદાજીત સો વર્ષ પહેલાં રાજાશાહીના સમયમાં બનેલો મોરબીનો મહેન્દ્રસિંહજી ટાઉનહોલ હવે જર્જરીત થઈ ચૂક્યો છે. આ ટાઉનહોલનું રીનોવેશન કરવાની તાતી જરૂરીયાત હોય પરંતુ ઈજનેરના રિપોર્ટ મુજબ નુકસાનને કારણે રીનોવેશન શક્ય ન હોવાથી નવો આધુનિક ટાઉનહોલ બનાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજાશાહી સમયમાં નાટકો, સરકારી કાર્યક્રમો અને શાળા કોલેજના સાંસ્કૃતિક કાર્યક્રમ હોય કે સંસ્થાઓના સન્માન સમારોહ હોય મોટાભાગના કાર્યક્રમ માટે અગત્યનું સ્થાન ધરાવતો આ ટાઉન હોલ મોરબીના શહેરીજનો માટે મહત્વપૂર્ણ બની ચૂક્યો છે. પુર, ધરતીકંપ અને અન્ય કુદરતી આફતો વચ્ચે અડીખમ રહેલો ટાઉનહોલ હવે જર્જરિત થઈ ગયો છે. ટાઉનહોલની ઉપરની છત પરથી પોપડા પડવાની સંભાવના છે, મુખ્ય પિલરમાં પણ પાણી ઉતરતા પિલર નબળા પડી ગયા છે, અનેક સ્થળે પીપળા ઉગી નીકળતા દીવાલ પણ નબળી પડી ચૂકી છે અને હાલ આ ટાઉનહોલ મોરબી શહેરની જર્જરિત ઈમારતોની યાદીમાં પણ સ્થાન ધરાવે છે.
રાજાશાહી સમયની ધરોહરને સાચવી રાખવા નગરપાલિકાનો મહત્વપૂર્ણ નિર્ણય
- Advertisement -
આગામી સામાન્ય સભામાં ઠરાવ કરી મંજૂરી મેળવાશે!
ઈજનેરના રિપોર્ટ મુજબ ઈમારતના મોટાભાગના બાંધકામને નુકશાન પહોંચ્યું હોવાથી રીનોવેશન શક્ય નથી જેથી પાલિકા દ્વારા હાલના ટાઉનહોલને તોડી પાડીને રૂ. 5 કરોડના ખર્ચે નવો ટાઉનહોલ બનાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે જો કે આ અંગે હજુ કોઈ સતાવાર ઠરાવ થયો નથી પરંતુ આગામી સામાન્ય સભામાં ઠરાવ કરી મંજૂરી મેળવવામાં આવશે અને નવા આધુનિક ટાઉનહોલનું નિર્માણ કરવામાં આવશે.
નવાં ટાઉનહોલનું નવનિર્માણ ક્યારે થશે તેનો સમય નિર્ધારિત નથી!
નિર્માણ પામનાર ટાઉનહોલમાં હાલની સરખામણીએ બેઠક ક્ષમતા વધારવા, આધુનિક સાધનો, લાઇટ અને સાઉન્ડ સીસ્ટમ લગાવાશે. જોકે આ ટાઉનહોલ ક્યારે તૂટશે અને ક્યારે નવા ટાઉનહોલનું નવનિર્માણ થશે તે અંગે કોઈ ચોક્કસ સમય નિર્ધારિત થયો નથી પરંતુ પાલિકા દ્વારા વહેલી તકે ઠરાવ પાસ કરી ટેન્ડર પ્રકિયા હાથ ધરાશે. ટાઉનહોલનું રિનોવેશન શકય ન હોવાથી ટાઉનહોલને જમીન દોસ્ત કરવામાં આવશે અને સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના અંતર્ગતની 2021-22ની ગ્રાન્ટમાંથી નવો આધુનિક ટાઉનહોલ સુસજ્જ કરાશે.