આરોગ્ય વિભાગના તંત્રએ કરેલ 41,866 ઘરો માંથી 1,87,992 લોકોના સર્વેમાં તાવના 520 કેસ મળી આવ્યા
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.23
પોરબંદર જિલ્લામાં ચાંદીપુરા અંતર્ગત આરોગ્ય વિભાગની 277 ટિમ દ્વારા સર્વેની કામગીરી કરાઇ છે. આરોગ્ય વિભાગના તંત્રએ કરેલ 41,866 ઘરો માંથી 1,87,992 લોકોના સર્વેમાં તાવના 520 કેસ મળી આવ્યા છે. પોરબંદર જિલ્લામાં ચાંદીપુરાનો પગ પેસારો ન થાય તે માટે જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ સતત કાર્યશીલ રહી છે. જિલ્લા કલેકટર કે.ડી. લાખાણી અને જિલ્લા વિકાસ અધિકારી કે.બી. ઠકકરના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગનું તંત્ર ચાંદિપુરાનો પોરબંદરમાં પગ પેસારો ન થાય તે માટે કટિબદ્ધ છે.
- Advertisement -
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી બી.બી. કરમટાના માર્ગદર્શનમાં આરોગ્ય વિભાગની 277 ટીમો તૈનાત કરવામાં આવી છે. જ્યારથી ગુજરાતમાં ચાંદીપુરાના કેસ નોંધાણા ત્યારથી આ ટીમો દ્વારા ઘરે ઘરે જઈ સર્વેનું કામ થઈ રહ્યું છે. જેમાં અત્યાર સુધીમાં 41,866 ઘરોનો સર્વે કરાયો છે. 1,87, 992 લોકો સુધી આરોગ્ય વિભાગની ટીમ સર્વે દરમિયાન પહોંચી છે. જેમાંથી તાવના 520 કેસો મળી આવ્યા છે. 0 થી 14 વર્ષના બાળકોમાં 18 કેસો નોંધાયા છે. તેમની આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી છે. કાચા મકાનોના સર્વેની વાત કરવામાં આવે તો જ્યાંથી ચાંદીપુરા રોગના મચ્છરો ઉત્પન્ન થાય તેવા 1237 ઘરોનો સર્વે કરાયો છે. ડસ્ટિંગ પાવડર તથા મેલેથીયોમ ડસ્ટિંગ સહિતની દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. આમ જિલ્લા આરોગ્ય વિભાગનું તંત્ર પોરબંદર જિલ્લામાં ચાંદીપુરાનો પગ પેસારો ન થાય તે માટે કટિબદ્ધ છે.