ખાસ-ખબર સંવાદદાતા
પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં વસંત પંચમીના પાવન પર્વ પર માતા સરસ્વતીની પૂજા અને આરાધના કરવામાં આવી હતી. સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષિ કુમારો તેમજ સોમનાથ મંદિરના પૂજારી ગણ દ્વારા માતા સરસ્વતીની આરાધના શાસ્ત્રોકત મંત્રોચ્ચાર સાથે કરવામાં આવી હતી. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જેડી પરમાર, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહિત ટ્રસ્ટના અધિકારીઓ કર્મચારીઓ, અને સોમનાથ દર્શને આવેલ દર્શનાર્થિઓ પણ સરસ્વતી પૂજનમાં જોડાયા હતા. ઋતુઓની રાણી વસંતના આગમનની સાથે જ જાણે કે ધરતી ખીલી ઉઠે છે. પ્રકૃતિના આ મહોત્સવ સાથે જ્ઞાન અને વિદ્યાની દેવી માતા સરસ્વતીનો પ્રાદુર્ભાવ પણ જોડાયેલો છે. વસંત પંચમીના પર્વને ઉજવવા પાછળનું કારણ વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીનો પ્રાગટ્ય દિન હોવાનું માનવામાં આવે છે. કહેવાય છે કે દેવી સરસ્વતી વસંત પંચમીના દિવસે બ્રહ્માના માનસથી અવતરીત થયા હતા. વસંત પંચમીના દિવસે સરસ્વતી માતાની પૂજા કરવાથી પ્રાપ્ત થતા જ્ઞાન અને કળાના સમન્વયથી મનુષ્યના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.સોમનાથ મંદિર પરિસર ખાતે સરસ્વતી માતાને પુષ્પાંજલિ અર્પણ કરાયા હતા. સાથે સોમનાથ મંદિરના પૂજારીઓ દ્વારા સરસ્વતી પૂજન કરાવવામાં આવેલ હતુ.જેમાં સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રો.જે.ડી.પરમાર સાહેબ, ટ્રસ્ટના અધિકારીઓ,કર્મચારીઓ, સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષી કુમારો અને સ્થાનીક તિર્થ પુરોહિતો જોડાયા હતા. અને પાઠશાળાના ઋષીકુમારોએ વેદોક્ત મંત્રોચ્ચાર સાથે માતા સરસ્વતીની વંદના કરી હતી.