જે મિત્રો ધ્યાન-સાધનાના માર્ગમાં આગળ વધી રહ્યા છે તેમને આવો અનુભવ અચૂક થતો હશે કે ધ્યાન દરમ્યાન મન ભટકતું હોય, ધ્યાન દરમ્યાન મનમાં કેટલીક ક્રિયાઓ ચાલતી રહેતી હોય. આવું થાય ત્યારે સાધકનું મન ચિંતિત બની જાય છે. આ વિશે સિદ્ધ મહાત્માઓ શું કહી ગયા છે?
મોર્નિંગ મંત્ર
– ડૉ.શરદ ઠાકર
જે.કૃષ્ણમૂર્તિ કહી ગયા છે, “ધ્યાન દરમ્યાન મન ભટકતું હોય તો તેને ભટકવા દો. બળ પૂર્વક એને રોકવાની કોશિશ ન કરો. તમે સાક્ષીભાવે મનની ગતિને નિરખતા રહો.”
- Advertisement -
શ્રી મુકતાનંદ બાબા કહે છે, “ધ્યાન દરમ્યાન ક્રિયાઓ થતી હોય તો થવા દો. મન ભટકતું હોય તો ભટકવા દો. ક્રિયાઓ જ મનને યોગ્ય સમયમાં શુદ્ધ કરશે અને મન સ્થિર થતું જશે. મનમાં તો નિરંતર ભિન્ન-ભિન્ન વિચારો ઉદ્ભવશે કારણ કે મનનો તે સ્વભાવ છે. તેના વિશે ચિંતા કરવાને બદલે તેના તરફ અનાશક્તિ કેળવો. તેના શાંત સાક્ષી બનો.
સામાન્ય રીતે સંતો, મહંતો અને સિદ્ધો પાસેથી આપણે એવું સાંભળતાં રહીએ છીએ કે ઇચ્છાઓનો ત્યાગ કરો. મનમાં પ્રશ્ન ઉદ્ભવે છે કે શું બધી જ ઈચ્છાઓ ત્યાગવા જેવી હોય છે?
ઈચ્છાઓ બે પ્રકારની હોય છે: એક તો સામાન્ય કક્ષાની દુન્યવી કામનાઓ. આવી ઈચ્છાઓ ભોગ-વિલાસ માટે હોય છે, એનું સારું-નરસું ફળ મનુષ્યે ભોગવવું પડે છે. અને બીજી ઈચ્છા મોક્ષ માટેની હોય છે. ધર્મશાસ્ત્રોએ પણ આપણાં જીવનમાં ચાર વસ્તુઓનો સ્વીકાર કર્યો છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એટલે મોક્ષ માટેની ઈચ્છા ઇચ્છનીય કહી શકાય. મુક્તિની ઇચ્છાને ધર્મશાસ્ત્રોએ પણ માન્ય રાખી છે.
- Advertisement -
પૂ. શ્રી મુકતાનંદબાબા ઉપનિષદની આ પંક્તિઓ ઘણીવાર ટાંકતા હતા : “ઓ મારા મન, ઉચ્ચ વિચાર કર. તારી ઇચ્છાઓ ઉમદા હો.” આપણે પ્રભુ બનવાની આકાંક્ષા રાખવી જોઈએ. દુનિયાની નાશવંત ક્ષુલ્લક વસ્તુઓની તૃષ્ણાઓ ત્યાજ્ય છે.