આધ્યાત્મના સાધકોનો તમામનો એકunivarsal પ્રશ્ન છે કે ધ્યાન કરવા બેસીએ છીએ, મંત્રજાપ કરવા બેસીએ છીએ, સ્તોત્રપાઠ કરવા બેસીએ છીએ ત્યારે મન સ્થિર થતું નથી. વિચારોની આવન જાવન ચાલુ રહે છે. સાધકે શું કરવું જોઈએ? તો મનનાં સ્વરૂપને સમજી લેવાથી આ સમસ્યાનો કાયમી અંત આવી જાય. મનનું સ્વરૂપ શું છે? સૌ પ્રથમ માગશર મહિનામાં જ ઉદ્ભવેલ શ્રીમદ્ ભગવદ્ ગીતાનો સહારો લઈએ. ભગવાન ગીતામાં કહે છે, હે અર્જુન! ઇન્દ્રિયોમાં મન હું છું” . મન સ્વયમ્ પરમાત્મા પોતે છે. એમની અંદર ઉઠતો પ્રત્યેક તરંગ સમુદ્રમાં ઉઠતો નાનો તરંગ, મોટો તરંગ, શુધ્ધ કે અશુદ્ધ એ આપણી જ પરિભાષા છે, સમુદ્રથી અલગ નથી. મનમાં ઉઠતો પ્રત્યેક વિચાર એ ચૈતન્યના તરંગ શિવાય કંઈ જ નથી. આ સમજીને જે વ્યક્તિ સાક્ષી થઈ જાય છે
એ સાધના કરી શકે છે. આ ખરી સમજનો સવાલ છે અને જેની પાસે આ ખરી સમજ નથી એવા સાધકની ફજેતી થાય છે. આપણે જમવા બેસીએ છીએ ત્યારે શ્વાસ ચાલુ હોય છે. આપણે બંધ કરવા જઈએ છીએ? હૃદયની ધડકન ચાલુ હોય છે એ બંધ કરવા જઈએ છીએ? બોત્તેર હજાર નાડીઓમાં રક્તનો પ્રવાહ ચાલુ હોય છે એ બંધ કરવા જઈએ છીએ? આ બધું ચાલુ હોવા છતાં આપણે ભોજન પણ કરી લઈએ છીએ. અને જો એ બંધ થઈ જાય તો આપણે ભોજન પણ ન કરી શકીએ. એ જ પ્રમાણે આપ જ્યારે આપને ગમતી સાધના કરવા બેસો ત્યારે ચિત્તનો વિચાર પ્રવાહ ભલે ચાલુ રહેતો, સાધકે કેવળ સાક્ષી બનીને એ ચિત્ત પ્રવાહને ચૈતન્યનો વિલાસ માની, ન તો એને તોડવાનો કે ન તો એને શાંત કરવાનો પ્રયાસ કરવો. એના બદલે સમજણ સાથે એની પેલે પાર જવાનો પ્રયાસ કરવો જોઈએ.