ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.26
રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCAના સેમિસ્ટર 4નું પેપર લીક થવાનો મામલે યુનિવર્સિટીના સત્તાધીશો 6 દિવસ સુધી ઘોર નિંદ્રામાં રહ્યા બાદ એક્શન મોડમાં આવ્યા છે. એક અઠવાડિયા જેટલો સમય વિત્યા બાદ હવે આ મામલે નિવૃત જજની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવામાં આવી છે.બીજી તરફ BCAના સેમિસ્ટર 4ના પેપર લીક થવા અને જસદણ ખાતે ચાલુ પરીક્ષામાં ખુલ્લે આમ ચોરી બાબતે NSUI અને CYSSમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.
- Advertisement -
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંતરગત હાલ લેવામાં આવતી વિવિધ વિદ્યાશાખાની પરીક્ષા પૈકી B.C.A સેમ. – 4 ની પરીક્ષાનાં સમય અગાઉ જ વોટ્સએપ મારફતે 25 માર્કના પ્રશ્ર્નો વિદ્યાર્થીઓના વોટ્સએપ ગ્રૂપમાં વાયરલ થતાં, આ સમગ્ર ઘટના પેપર લીક ની હોવાનું માલૂમ પડે છે, ત્યારે આ ઘટનાને આજે 6 દિવસ ઉપર થયા હોવા છતાં, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્રારા હજુ સુધી કોઇ ઠોસ પગલાં લેવામાં આવેલ નથી.
આમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો ની રહેમ નજર અને ઢીલના કારણે ગઈકાલે જસદણની એક કોલેજ માં પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ ખુલ્લેઆમ ચોરી કરતા હોય તેવો વિડિયો વાયરલ થયેલ જે મીડિયા મારફત જોવા મળે છે, જે પણ ખૂબ ગંભીર બાબત છે.
આમ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંતર્ગત લેવામાં આવતી પરીક્ષાઓમાં વારંવાર થતાં આવા છબરડાને લીધે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતા પ્રસરી છે, તે ઉપરાંત યુનિવર્સિટી ની શાખ ને પણ નુકસાન થાય છે, ત્યારે અમો છાત્ર સંઘ NSUI અને CYSS સંયુક્ત માંગ કરવામાં આવે છે કે, ઇઈઅ પેપર લીક કાંડમાં તાત્કાલિક પોલીસ ફરિયાદ કરવામાં આવે અને જે તે કોલેજનું નામ ખુલ્લે તેનું પરીક્ષા કેન્દ્ર રદ કરવામાં આવે. તે ઉપરાંત જસદણની કોલેજ કે જેમા પરીક્ષા દરમિયાન ખુલ્લેઆમ ચોરી થવાનું સામે આવ્યુ છે, તેની પણ યોગ્ય તપાસ કરીને જવાબદારો ઉપર કડક પગલાં લેવામાં આવે. આમ, જો અમારી વિધ્યાર્થી હીતલક્ષી માંગને તાત્કાલીક સ્વીકારવામા નહી આવે, તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
- Advertisement -
જસાણી કોલેજમાં છેલ્લી ઘડીએ વધુ વિદ્યાર્થીઓ ફાળવાયા, શિપ્રા કોલેજમા જૂના કોર્સનુ પેપર આપી દેવાયું
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં ગોટાળા સામે આવ્યા છે. જેમાં અમુક વિદ્યાર્થીઓની હોલ ટિકિટ બબ્બે વખત જનરેટ કરવામાં આવી હતી. જસાણી કોલેજમાં છેલ્લી ઘડીએ વધુ વિદ્યાર્થીઓ ફાળવવામાં આવ્યા હતા તો શિપ્રા કોલેજમા એક્સટર્નલ ના વિદ્યાર્થીઓને જુના કોર્સ નું પેપર આપી દેવાયાનું સામે આવ્યું છે. આ ઉપરાંત સુરેન્દ્રનગરના રતનપર કોલેજનું કેન્દ્ર છેલ્લી ઘડીએ બદલાઈ ગયાનું સામે આવ્યા બાદ બારકોડ વિના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવી પડી હતી.
મળતી માહિતી મુજબ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન જસાણી કોલેજમા 450 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની હતી પરંતુ આજે વહેલી સવારે વધુ 100 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનો આદેશ કરવામાં આવ્યો. જેથી છેલ્લી ઘડીએ ઓનલાઇન મળેલા પેપરની વધુ પ્રિન્ટ કરવામાં સમય વીતી ગયો હતો જેને લીધે વિદ્યાર્થીઓને પેપર પણ મોડું આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત અમુક વિદ્યાર્થીઓ હોલ ટિકિટ વિના પરીક્ષા આપવા બેઠા હતા. જેથી અમુક વિદ્યાર્થીઓએ લોબીમાં બેસી પરીક્ષા આપી હતી. જ્યારે એમ.એ. સેમેસ્ટર – 2 એક્સટર્નલમાં ઇન્ડિયન કલ્ચરનુ પેપર ઓનલાઇન મોકલેલું હતુ તે ન ખૂલતા હાથે લખેલું પેપર પરીક્ષાની 20 મિનિટ બાદ આપવું પડ્યું હતું. જે વાતને બપોરે પરીક્ષા નિયામક નિલેશ સોનીએ સમર્થન આપ્યુ હતું.