આહિર સમાજના અગ્રણી નાથાભાઇ જુગાભાઇ ખાંડેખા (બોરીચા) દ્વારા ક્રાંતિકારી નિર્ણય લેવાયો
સમાજના અગ્રણી નાથાભાઇએ પોતાના પૌત્ર અને દોહિત્રીના લગ્નમાં કરી જાહેરાત
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
વર્તમાન સમયમાં સોના અને ચાંદીના ભાવમાં થઇ રહેલા તોતિંગ વધારાને કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો માટે સામાજિક પ્રસંગોમાં આર્થિક આયોજન કપરા બન્યા છે. આ મોંઘવારીના યુગમાં ખોટા ખર્ચ અને દેખાદેખીની પ્રથા દૂર કરી સમાજને નવી રાહ ચીંધવા અને આર્થિક પાયમાલીમાંથી બચાવવા માટે અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. લગ્નપ્રસંગમાં માતા-પિતા પરનું આર્થિક ભારણ ઘટાડવા માટે આહિર સમાજના અગ્રણી નાથાભાઇ જુગાભાઇ ખાંડેખા (બોરીચા) દ્વારા એક ક્રાંતિકારી પહેલ કરવામાં આવી છે. જે પહેલ મુજબ હવે લગ્નમાં માત્ર બે જ તોલા સોનું આપવુ અને રૂ.11,000નું મામેરું કરવું. આ ઉપરાંત લગ્નમાં મામેરા કે સામૈયાની વિધિમાં કોઇએ ઢોલી પર પૈસા ન ઉડાવવા તેમજ તે પૈસાનો મોટો વ્યવહાર કરવો જેથી પ્રસંગ કરનાર પરિવારને મદદ મળી શકે. સોના-ચાંદીના આસમાને પહોંચેલા ભાવ અને વધતા આર્થિક બોજ સામે રાજકોટના આહિર સમાજના અગ્રણીએ ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય લગ્નપ્રસંગે થતા ખોટા ખર્ચ અને વહેવાર બંધ કરી આર્થિક બોજ ઘટાડવાનો છે. આ સરાહનીય નિર્ણય અન્ય સમાજો માટે પણ પ્રેરણારૂપ બની રહેશે. ખાંડેખા (બોરીચા) પરિવારના આંગણે શુભ પ્રસંગ યોજાયો હતો. મેહુલભાઇ નાથાભાઇ ખાંડેખાના પુત્ર વિનયભાઇ તેમજ નાથાભાઇ જુગાભાઇ ખાંડેખાના દોહિત્રી કાજલબેનના શુભ લગ્નમાં સામાજિક અને રાજકીય આગેવાનોએ હાજર રહી આશીર્વાદ આપ્યા હતા. આ શુભ અવસર પર આહિર સમાજના અગ્રણી નાથાભાઇ જુગાભાઇ ખાંડેખા (બોરીચા) દ્વારા આ ક્રાંતિકારી પહેલની જાહેરાત કરી હતી. આ શુભ પ્રસંગમાં મોટી સંખ્યામાં શુભેચ્છકોએ હાજરી આપી હતી.



