માત્ર 15 ફાયર NOC ઈશ્યુ! અર્ધા વોર્ડમાં એક પણ સર્ટિફિકેટ અપાયું નથી : ‘સેનાપતિ’ વગરની ફાયર શાખાની કામગીરી માત્ર નોટિસ આપવા પૂરતી રહી ગઇ
સૌથી વધુ નોટિસ વોર્ડ નં.7ના જૂનાં રાજકોટના વિસ્તારોમાં 235 અને વોર્ડ નં.8માં 202 નોટિસ અપાઇ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
શહેરના નાના મવા રોડ પર ટીઆરપી ગેમઝોનમાં ગત તા. 25-5ના રોજ સર્જાયેલા ભીષણ અગ્નિકાંડની ઘટનાને એક વર્ષ થવા આવ્યું છે અને કોંગ્રેસ દ્વારા ન્યાય માટે નવું આંદોલન શરૂ કરાયું છે ત્યારે મનપાની સેનાપતિ વગરની ફાયર શાખાએ એક વર્ષમાં ફાયર એનઓસીની કામગીરી ટોકનરૂપ પણ નહીં કર્યાનું જનરલ બોર્ડમાં જ તંત્રએ સ્વીકાર્યુ છે.
આગની ઘટના બાદથી કોર્પો.માં ચીફ ફાયર ઓફિસરની જગ્યા ખાલી છે અને શાખાના અધિકારીઓ જાણે પરાણે કામ કરતા હોય તે રીતે એક વર્ષમાં 2106 નોટીસ સામે માત્ર 15 એનઓસી ઇસ્યુ કર્યા છે. ગેમ ઝોન અગ્નિકાંડ બાદ પૂરા રાજકોટમાં ફાયર સેફટી ચેકીંગ શરૂ કરાયું હતું. રહેણાંક અને બિનરહેણાંક ઇમારતોને ધડાધડ નોટીસ અપાઇ હતી. ગેમ ઝોન, લગ્ન હોલ, વાડી, પાર્ટી પ્લોટ, અનેક કોમર્શિયલ મિલ્કતો સીલ કરવાના પગલા પણ લેવાયા હતા.
પ્રસંગો પણ બંધ થવાની નોબત આવતા રાજય સરકારનું માર્ગદર્શન મેળવીને સોગંદનામાના આધારે ધીમે ધીમે જગ્યા ખોલવા મંજૂરી અપાતી હતી. ફાયર એનઓસી માટેના કડક નિયમોનો અમલ શરૂ કરાવાયો હતો. આ દરમ્યાન ચીફ ફાયર ઓફિસરની પણ ધરપકડ થતા ત્યારથી આ જગ્યા ખાલી છે.
વચ્ચે થોડો સમય આવેલા કચ્છના ચીફ ફાયર ઓફિસર તો ઓફિસમાં જ લાંચ લેતા પકડાતા રાજકોટ કોર્પો.ની આબરૂનો ધજાગરો થયો હતો. કોર્પો.ના કોઇ ઓફિસર આ ચાર્જ સંભાળવા તૈયાર થતા ન હતા.
અન્ય શહેરોમાંથી કોઇ અધિકારી રાજકોટમાં આવવા તૈયાર નથી. આથી હાલ વર્ગ-3ના સ્ટેશન ઓફિસર આ હોદો સંભાળે છે. પરંતુ જવાબદારીથી કંટાળીને તેઓ પણ રાજીનામુ આપી ચૂકયા છે. તેમને દર મહિને સમજાવીને હોદા પર ચાલુ રાખવામાં આવે છે. બાકી તેઓ હવે નોકરી કરવા માંગતા ન હોવાનું અધિકારીઓ અને પદાધિકારીઓને જણાવી ચૂકયા છે.
હવે જનરલ બોર્ડમાં અપાયેલા જવાબ મુજબ એક વર્ષમાં શહેરના 18 વોર્ડમાં ફાયર એનઓસી માટે ર106 નોટીસ આપવામાં આવી હતી. તેમાંથી 1પ મિલ્કતોને જ ફાયર એનઓસી અપાયા છે. મતલબ કે અન્ય મિલ્કતો કાં તો ફાયર એનઓસી લેતી નથી અથવા તેને સર્ટીફીકેટ મળવાપાત્ર નથી. આ સંજોગોમાં ફાયર સેફટીનો મુદ્દો તો પાછળ જ રહી ગયો છે.
હવે તો રહેણાંકમાં પણ ફાયર સેફટી સર્ટીફીકેટ માટે નોટીસો જઇ રહી છે. વોર્ડવાઇઝ જોઇએ તો રાજકોટમાં સૌથી વધુ નોટીસ વોર્ડ નં.7ના જુના રાજકોટના વિસ્તારોમાં 235 આપવામાં આવી છે પરંતુ કોર્પો. કચેરી પાછળના કનક રોડ સ્ટેશનના આ વિસ્તારમાં એક પણ એનઓસી ઇસ્યુ થયું નથી. કાલાવડ રોડના વોર્ડ નં.8માં 202 નોટીસ સામે પણ કોઇ પ્રમાણપત્ર ઇસ્યુ થયું નથી.
કુલ આઠ ફાયર સ્ટેશન હેઠળ કોર્પો.નો આ વહીવટ ચાલે છે. પરંતુ વોર્ડ નં.9, 4, 2, 16, 17, 18, 7, 8 અને 14માં એક પણ સર્ટીફીકેટ ઇસ્યુ નહીં થયાનું ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરે લેખિતમાં જણાવ્યું છે. કનક રોડ અને કાલાવડ રોડ ફાયર સ્ટેશનોએ સૌથી વધુ નોટીસ આપી છે તે ઉલ્લેખનીય છે.