ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાની એસ્ટેટ અને ટી.પી. શાખા દ્વારા જી.ડી.સી.આર.ના નિયમોનુસાર શહેરમાં ખાનગી મિલકત પર હોર્ડિંગ બોર્ડ ઉભા કરવા મંજૂરી આપવામાં આવે છે. શહેરમાં કેટલીક ખાનગી મિલકત, પ્લોટ પર રાજકોટ મહાનગરપાલિકાની મંજૂરી વિના ગેરકાયદેસર રીતે હોર્ડિંગ બોર્ડ ઉભા કરવામાં આવેલા હોવાનું જાણવા મળતાં મનપા એકશનમાં આવી હતી.
તાજેતરમાં વાવાઝોડામાં આ પ્રકારના બોર્ડ પડવાના બનાવ પણ બન્યા હતા. આ કામે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બે એજન્સીઓ ક્રિષ્ના કોમ્યુનીકેશન તથા જાનકી એડ.ને નોટીસ ઈસ્યુ કરવામાં આવેલ છે. વિશેષમાં આ પ્રકારના મંજૂરી વગરના તમામ બોર્ડ દિન-7માં ઉતારી લેવા જણાવ્યું હતું. વધુમાં કોઈ કિસ્સામાં ખાનગી મિલ્કત પર રાજકોટ મહાનગરપાલિકાની મંજૂરી વિના ગેરકાયદેસર રીતે હોર્ડિંગ બોર્ડ ઉભા કરવામાં આવેલ હશે તો જે-તે મિલકતના માલિક, ભાગીદાર, ઓનર્સ એસો.ના હોદ્દેદારો વિરૂદ્ધ તેમજ બોર્ડ ચલાવતી એજન્સી વિરૂદ્ધ જી.ડી.સી.આર.ના નિયમોના ભંગ બદલ પગલાં લેવામાં આવશે અને પોલીસ ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે તેમજ વાવાઝોડા કે અતિવૃષ્ટીના કારણે કોઈ પણ બોર્ડ પડવાથી જાનમાલની નુકશાની થશે તો તેવા કિસ્સામાં જે-તે મિલકત માલિક, ભાગીદાર, ઓનર્સ એસો.ના હોદ્દેદારો તથા બોર્ડ ચલાવનાર એજન્સીની અંગત જવાબદારી રહેશે તેવું અંતમાં જણાવ્યું હતું.