ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સમસ્ત ક્ષત્રિય સમાજને એક કરવાના ઉદ્દેશ્ર્યથી આવતીકાલે 20 સપ્ટેમ્બરને શુક્રવારે અમદાવાદના ગોતા ખાતે આવેલા રાજપૂત ભવન ખાતે તમામ ક્ષત્રિય આગેવાનોનું ભવ્ય સંમેલન યોજવા જઈ રહ્યું છે. આ સમારોહમાં ‘સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ’ની જાહેરાત થશે. જેમાં પ્રમુખ તરીકે ભાવનગરના મહારાજા વિજયરાજસિંહજી ગોહિલની તાજપોશી કરવામાં આવશે. આ સંમેલન પહેલાં ભાવનગરના મહારાજાના પુત્ર એવા યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલે સોશિયલ મીડિયા ફેસબુક ઉપર પોસ્ટ કરી છે. જેમાં લખ્યું છે કે, રાજપૂત એકતા અનિવાર્ય છે તેમાં કોઈ શંકા નથી, રાજપૂત સમાજની કોઈ પણ સમિતિ તેમના રાજકીય લાભ ખાંટવા માટે મારા પૂર્વજો અથવા મારા પરિવારના વડીલોનો ઉપયોગ/દુરુપયોગ કરીને રાજકારણમાં સામેલ ન થાય તેવું જણાવ્યું છે.
- Advertisement -
ક્ષત્રિય સમાજના પ્રવક્તા અર્જુનસિંહ ગોહિલે ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલની સોશિયલ મીડિયા ફેસબુક પર પોસ્ટને લઈને સ્પષ્ટતા કરી છે કે, યુવરાજ દ્વારા જે પોસ્ટ કરવામાં આવી છે તે ખૂબ જ સરાહનીય છે. તેઓના દ્વારા જે પોસ્ટ કરવામાં આવી છે તેમાં પોતાની વાત રજૂ કરવામાં આવી છે. યુવરાજ દ્વારા મંચનો રાજકીય દૂર ઉપયોગ ન થાય તેની ચિંતા કરી છે. તેઓના પિતા મહારાજ વિજયરાજસિંહજી ગોહિલને ગેરમાર્ગે ન દોરે તે અંગેની ચિંતા વ્યક્ત કરી છે. રાજકારણ કરવાની આ જગ્યા નથી. યુવરાજ દ્વારા કરવામાં આવેલી પોસ્ટ મામલે તેઓએ જણાવ્યું હતું કે, આ ચિંતામાં અમે તેમની સાથે છીએ અને રાજકીય આગેવાનો પણ તેમની સાથે છે. આગેવાનોની પણ એક જ વાત છે કે, રાજકારણ એ રાજકારણની જગ્યાએ છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ક્ષત્રિય સમાજ આજે રાજકારણથી દૂર છે અને સત્ય હકીકત છે જેને સ્વીકારવાની જરૂરિયાત છે. લોકોના મનમાં એવી વાત છે કે, આ મંચ રાજકારણ કરવા માટે છે પરંતુ તેવું નથી. સમાજ એક થાય તેના માટે પ્રયાસ છે. જો કે, તેઓએ જણાવ્યું હતું કે, રાજકારણ અમારા લોહીમાં છે. અમે તો રાજકારણનાં સંતાનો છીએ. આ મંચ પરથી રાજકારણ કરવાનું નથી. રાજા-રજવાડાઓથી લઈ તમામ રાજકીય આગેવાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે.
સોશિયલ મીડિયામાં જયવીરરાજસિંહ ગોહિલે લખેલી પોસ્ટ
જય માતાજી,
હું કોઈ સમિતિ કે સમિતિનો ભાગ નથી કે હું કોઈ સમિતિ કે સમિતિ દ્વારા થતા કોઈપણ કાર્યમાં કે કાર્યક્રમમાં સામેલ નથી.
હું હંમેશાં મારા ક્ષત્રિય સમાજને વફાદાર રહ્યો છું અને રહીશ અને મારા સમાજના વડીલોના માર્ગદર્શન હેઠળ મારા પૂર્વજોના સિદ્ધાંતો અને મૂલ્યોને અનુસરીને મારા સમાજના ભલા માટે સખત મહેનત કરીશ.
હું આશા રાખું છું કે સમાજની દરેક સમિતિઓ પોતાના સમુદાય માટે શિક્ષણ, નોકરીઓ અને વ્યવસાયોમાં મદદ કરવા માટે અને આપણી પરંપરાઓ અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે કામ કરશે.
અને હું આશા રાખું છું કે રાજપૂત સમાજની કોઈ પણ સમિતિ તેમના રાજકીય લાભ ખાંટવા માટે મારા પૂર્વજો અથવા મારા પરિવારના વડીલોનો ઉપયોગ/દુરુપયોગ કરીને રાજકારણમાં સામેલ ન થાય.
રાજપૂત એકતા અનિવાર્ય છે તેમાં કોઈ શંકા નથી પરંતુ આ એકતાનો ઉપયોગ ક્ષુદ્ર રાજનીતિથી આગળ વધીને રોજબરોજના જીવનમાં જીવનશૈલી રૂપે પ્રદર્શિત થવી જોઈએ, ખાસ કરીને સરકારી નોકરીઓ અને ઉદ્યોગ સાહસિકો અને વૈશ્ર્વિક નેતાઓના નિર્માણમાં જે વર્તમાન સમયની ખાસ જરૂરિયાત છે. સાચો ક્ષત્રિય રક્ષક છે અને સામાજિક અવરોધોને ધ્યાનમાં લીધા વિના દરેક વ્યક્તિના ભલા માટે કામ કરે છે.
બધાને મારી શુભેચ્છાઓ અને આદર સહિત
-જયવીરરાજસિંહ ગોહિલ (યુવરાજ ભાવનગર)
- Advertisement -
સંમેલનમાં કોણ હાજર રહેશે કોણ હાજર નહીં રહે?
આવતીકાલે શુક્રવારે અમદાવાદના ગોતા ખાતે રાજપૂત સમાજના સંમેલનમાં રાજકીય નેતાઓ અને ક્ષત્રિય સમાજમાં આગેવાન રહી ચૂકેલા એવા ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા, બળવંતસિંહ રાજપુત સહિતના કેટલાક નેતાઓ હાજર રહેવાના નથી. ભુપેન્દ્રસિંહ ચુડાસમા બહારગામ હોવાના કારણે અને બળવંતસિંહ રાજપૂત કેટલાક રાજકીય કારણોસર તેમજ પ્રદિપસિંહ તબિયતના કારણે હાજર નહીં રહે તેવું રાજપૂત સમાજના સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. જ્યારે લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા, સીજે ચાવડા, જયદ્રથસિંહ પરમાર, પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સહિતના નેતાઓ હાજર રહેશે.