દિલ્હી પછી હવે નાગપુરમાં સેન્સરમાં ખામીના કારણે પારો 56 ડિગ્રીએ પહોંચ્યો, તપાસનો સરકારનો આદેશ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.1
- Advertisement -
ભારતમાં એકબાજુ દક્ષિણમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે બીજીબાજુ ઉત્તર ભારત અગનભઠ્ઠી બન્યું છે. ઉત્તર ભારતમાં હીટવેવના કારણે 40થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. ઉત્તર પ્રદેશ અને બિહારમાં કેટલીક બેઠકો પર લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન થવાનું છે ત્યારે આ બે રાજ્યોમાં હિટવેવ સંબંધિત સમસ્યાથી 25 ચૂંટણી કર્મચારીઓના મોત થતાં તંત્ર દોડતું થઈ ગયું છે. દેશમાં હીટવેવના કારણે અત્યાર સુધીમાં 270થી વધુ લોકોનાં મોત થઈ ગયા છે, જેમાં ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 160 લોકો મોતને ભેટયા છે. બિહારમાં 65 અને ઓડિશામાં 41 લોકોએ ગરમીના કારણે જીવ ગુમાવ્યા છે. દરમિયાન દિલ્હી પછી નાગપુરમાં સેન્સરમાં ખામીના કારણે 56 ડિગ્રી તાપમાન નોંધાતા તંત્રમાં હડકંપ મચી ગયો હતો અને તપાસનો આદેશ અપાયો હતો.
દેશમાં સાત તબક્કામાં યોજાઈ રહેલી લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન શનિવારે થવાનું છે ત્યારે અગનભઠ્ઠી બનેલા ઉત્તર ભારતમાં ચૂંટણી કર્મચારીઓની સ્થિતિ અત્યંત દયનીય થઈ ગઈ છે. ઉત્તર પ્રદેશ અને બિહારમાં હીટવેવના કારણે છેલ્લા 24 કલાકમાં 25 લોકોનાં મોત નીપજ્યાં છે જ્યારે હોમગાર્ડના 17થી વધુ જવાનોને હોસ્પિટલમાં દાખલ કરવા પડયા છે. ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લામાં શુક્રવારે સાંજે ચૂંટણી ફરજમાં જઈ રહેલા ત્રણ મતદાન કર્મચારી સહિત છ હોમગાર્ડ જવાનોનાં મોત નીપજ્યાં હતા. એ જ રીતે સોનભદ્ર જિલ્લામાં પણ ગરમીએ ત્રણ મતદાન કર્મચારીનો ભોગ લીધો હતો. બિહારમાં 10 ચૂંટણી કર્મચારીઓ મોતને ભેટયા હતા. જોકે, આ બધાના મોત કેવી રીતે થયા છે તે અંગે હજુ સુધી ડોક્ટરોએ કશું જણાવ્યું નથી, પરંતુ તેમના મોત હીટસ્ટ્રોકથી થયા હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. વધુમાં ઝારખંડ, દિલ્હી, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યો ભયાનક ગરમીની ઝપેટમાં આવી ગયા છે. શુક્રવારે સવારથી જ લૂ લાગતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા અને આ કારણે લોકોએ પોતાના ઘરોમાં કેદ રહેવાનું પસંદ કર્યું હતું. શુક્રવારે ઉત્તર પ્રદેશમાં ચૂંટણી કર્મચારીઓ સહિત કુલ 17, બિહરમાં 14, ઓડિશામાં પાંચ અને ઝારખંડમાં ચાર સહિત કુલ 40 લોકોનાં મોત નોંધાયા છે. આ સિવાય 1,300થી વધુ લોકોને હીટસ્ટ્રોકની સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ કરવા પડયા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.
ઉત્તર ભારતમાં છેલ્લા કેટલાક સમયથી હીટવેવની ભયાનક સ્થિતિ વચ્ચે શનિવારે આઠ રાજ્યોની 57 બેઠકો પર લોકસભાના અંતિમ તબક્કાનું મતદાન થઈ રહ્યું હોવાથી ચૂંટણી કર્મચારીઓએ ફરજ નિભાવવા મજબૂર બન્યા છે. ભારતીય હવામાન વિભાગ મુજબ દેશમાં શુક્રવારે સૌથી મહત્તમ તાપમાન કાનપુરમાં 48.2 ડિગ્રી, હરિયાણાના સિરસામાં 47.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. દિલ્હીના મુંગેશપુરમાં ગુરુવારે 52.9 ડિગ્રી તાપમાન નોંધાતા હડકંપ મચી ગયો હતો ત્યારે શુક્રવારે દિલ્હીમાં તાપમાન 47 ડિગ્રી નોંધાયું હતું.
- Advertisement -
દરમિયાન દેશના અનેક રાજ્યોમાં ભયાનક હીટવેવની સ્થિતિએ અત્યાર સુધીમાં 270થી વધુ લોકોના જીવ લીધા છે. ઉત્તર પ્રદેશમાં આ સિઝનમાં અત્યાર સુધીમાં 160 લોકોના મોત થઈ ગયા છે જ્યારે બિહારમાં 65 અને ઓડિશામાં 41 લોકોએ જીવ ગુમાવ્યા છે. ઝારખંડની રાજધાની રાંચીમાં પણ 11 લોકોના મોત થયા હતા. રાજસ્થાનના કેટલાક ભાગોમાં તાપમાનમાં ત્રણ ડિગ્રી સે. સુધીનો ઘટાડો થવા છતાં ભયાનક ગરમીનો દોર ચાલુ છે. દરમિયાન દિલ્હીના મુંગેશપુરમાં ગુરુવારે 52.9 ડિગ્રી તાપમાન નોંધાતા સરકારી તંત્રમાં દોડધામ મચી ગયો હતો. કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂએ તપાસનો આદેશ આપ્યો હતો. ત્યાર પછી હવામાન વિભાગે સ્પષ્ટતા કરી હતી કે મુંગેશપુરમાં તાપમાન નોંધતા કેન્દ્રમાં ઓટોમેટિક સેન્સરમાં ખામીના કારણે 52.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું જ્યારે હકીકતમાં તાપમાન 45 ડિગ્રી નોંધાયું હતું.
એ જ રીતે શુક્રવારે નાગપુરમાં મહત્તમ તાપમાન 56 ડિગ્રી નોંધાતા ફરી સરકારી તંત્રે તપાસનો આદેશ આપ્યો હતો. હવામાન વિભાગે કહ્યું કે, નાગપુરમાં પણ વાસ્તવિક તાપમાન 44 ડિગ્રી જેટલું હતું, પરંતુ ઓટોમેટિક સેન્સરમાં ખામીના કારણે તાપમાન 56 ડિગ્રી નોંધાયું હતું.