ખાસ-ખબર અને કર્ણાવતી ગૃપ ઓફ ઈવેન્ટ આયોજીત વેલકમ નવરાત્રીમાં ખ્યાતનામ ગાયક તેજસ શીશાંગિયા ધૂમ મચાવશે
તેજસે દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીના ઘરમાં શ્રીનાથજીની ઝાંખીનો સત્સંગ કર્યો છે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ખાસ-ખબર અને કર્ણાવતી ગૃપ ઓફ ઈવેન્ટ દ્વારા વેલકમ નવરાત્રીનું તા. 14-10-2023ને શનિવારે રાત્રે 7 કલાકે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખ્યાતનામ અને છેલ્લા 23 વર્ષથી રાસોત્સવનું આયોજન કરતા તેજસ શીશાંગિયા પોતાની ગાયિકી દ્વારા ગરબાના તાલે ખેલૈયાઓને ઝૂમવા માટે મજબૂર કરશે. સાથે રાહુલ મહેતા, હેમંત જોશી અને ચાર્મી રાઠોડપણ સાથ પૂરાવશે
છેલ્લા 23 વર્ષથી સૌરાષ્ટ્રના સૌથી મોટા રાસ ગરબા મહોત્સવ સહિયરમાં સ્ટેજ પર્ફોમર કરતા તેજસ શીશાંગિયાએ ખાસ ખબર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ મુકામ સુધી પહોંચવા માટે ખૂબ જ સ્ટ્રગલ કરી છે. વર્ષ 1994માં પહેલો શો રાજકોટમાં કર્યો હતો જેમાં મિમિક્રી અને હાસ્ય કલાકાર તરીકે કામ કર્યું હતું. જીવનના અનેક ઉતાર ચડાવ જોયા છે. કારખાનામાં કામ કર્યું છે આ સિવાય 30 રૂપિયામાં ચણિયાચોળી પણ સીવ્યા છે. વર્ષ 2001 સુધી સાઈકલ લઈને નવરાત્રી રાસોત્સવમાં જતો હતો. તેજસ શીશાંગિયાએ વધુમાં જણાવ્યું હતું કે, અબુ ધાબીમાં સાત દિવસની ઈવેન્ટ કરી છે. આ સિવાય દેશના સૌથી અમીર અને મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરે શ્રીનાથજીની ઝાંખીનો સત્સંગ કર્યો છે. કોકિલાબેન અંબાણીના ઘરે તથા અમિતાભ બચ્ચન સામે પર્ફોમન્સ કર્યું છે તે જીવનની યાદગાર ક્ષણો છે. આ સિવાય અન્ય કલાકારો સાથે પણ સ્ટેજ શેર કર્યા છે.
- Advertisement -
25 લાખ લોકોની સામે એન્કરીંગ કર્યુ: તેજસ શીશાંગિયા
તેજસ શીશાંગિયાએ જણાવ્યું કે, તા.21 જાન્યુઆરી 2017ના રોજ કાગવડ ખોડલધામમાં 25 લાખ લોકોની સામે એન્કરીંગ કરવાનો મોકો મળ્યો હતો. જેને લઈને મારું નામ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ લખાયું છે.
આ વર્ષે 6 નવરાત્રિનું એકસાથે સંચાલન કરશે તેજસ શીશાંગિયા
તેજસ શીશાંગિયાએ વર્ષ 2008માં પોતાનું મ્યુઝિક ગૃપ જીલ એન્ટરટેઈનમેન્ટ શરૂ કર્યું હતું. એકસાથે 8 નવરાત્રી રાસોત્સવમાં મ્યુઝિક બેન્ડનું સંચાલન કર્યું છે તે પણ રેકોર્ડ છે. જ્યારે આ વર્ષે અનેક રાસોત્સવનું એક સાથે સંચાલન કરશે. અત્યાર સુધીમાં તેજસ શીશાંગિયાએ 80 જેટલી નવરાત્રીનું આયોજન કર્યું છે. 2020માં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા રાજકોટ શહેર પોલીસનો બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પણ નિયુક્તિ થઈ છે. મુખ્યમંત્રી તથા રાજકોટ શહેર પોલીસના પ્રોટોકોલ બેઝ્ડ પ્રોગ્રામ પણ અનેક વખત કરી ચુક્યા છે. જીલ એન્ટરટેઈનમેન્ટ ગુજરાતનું એકમાત્ર એવું બેન્ડ જેને ઈંજઘ 9001-2005થી પ્રમાણિત છે.
અત્યાર સુધીમાં હજારથી વધુ સત્સંગ અને 400થી કોન્સર્ટ કર્યા
તેજસ શીશાંગિયાએ અત્યાર સુધીમાં શ્રીનાથજીની ઝાંખી, ગીતોના કોન્સર્ટમાં સંચાલન તથા એક હજારથી વધુ સત્સંગ કર્યા છે. જ્યારે આર.ડી.ક્લબ સાથે 18 વર્ષથી જોડાયેલા છે આ સિવાય કસુંબીનો રંગ, લંડનમાં 10 વખત હર હર મહાદેવનો ટિકિટ શો પણ કર્યો છે.
ગયા વર્ષે એક સાથે 7 નવરાત્રીનું સંચાલન
વર્ષ 2019માં તેજસ શીશાંગિયાની કંપની જીલ એન્ટરટેનમેન્ટે એક સાથે 8 નવરાત્રીનું આયોજન કર્યું હતું જ્યારે ગયા વર્ષે 7 નવરાત્રીનું સંચાલન કર્યું હતું. જ્યારે આ વર્ષે 13 વેલકમ નવરાત્રીમાં એન્કરીંગ કર્યું છે. આ વર્ષે 6 નવરાત્રી મહોત્સવમાં મ્યુઝિક, રીધમ અને ગાયકની ટીમનું સંચાલન કરશે.
1998થી પત્રકારીતા ક્ષેત્રે જોડાયેલો છું: ગોધરાકાંડ સમયે મારી પર હુમલો થયો હતો
તેજસ શીશાંગિયાએ તેમના જીવનના અન્ય પાર્ટ વિશે માહિતી આપતા જણાવ્યું કે, હું 24 વર્ષથી પત્રકારીતા સાથે જોડાયેલો છું. આલ્ફા ગુજરાતી, સ્ટાર ન્યૂઝ, ઝી ન્યૂઝ, સહારા ટીવી અને હાલ આજતકમાં કામ કરી રહ્યો છું. પત્રકારીતા ક્ષેત્રમાં નરેન્દ્ર મોદી, સોનિયા ગાંધી, ડો.મનમોહનસિંહ, અમિત શાહ સહિતના અનેક દિગ્ગજોના ઈન્ટરવ્યુ કરેલા છે. જે સમયે ગોધરાકાંડ થયો ત્યારે હું ઝી ન્યૂઝમાં હતો અને મારા પર એટેક પણ થયો હતો. હાલ રાજકોટ શહેર ભાજપના સાંસ્કૃતિક સેલના સંયોજક તરીકે ફરજ બજાવી રહ્યો છું.