મોરબીમાં ઝૂલતો પૂલ તૂટવાની દુર્ઘટના બનતા આ હોનારતમાં અત્યાર સુધી 134 લોકોના મોત નિપજ્યાં છે. જોકે આ દરમ્યાન હવે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે. ન્યૂઝ એજન્સી ANI મુજબ નીતિન પટેલે કહ્યું છે કે, મોરબી બ્રિજનું નવીનીકરણ અને લોકાર્પણ મોરબી વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. તેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ગુજરાત સરકારની કોઈ ભૂમિકા નહોતી. જોકે અહી મહત્વનું છે કે, હજી ગઈકાલે જ એક ખાનગી ચેનલમાં નીતિન પટેલે જણાવ્યું હતું કે, મોરબી બ્રિજ દુર્ઘટનાની નૈતિક જવાબદારી સરકારની છે.
શું કહ્યું નીતિન પટેલે ?
મોરબી બ્રિજ દુર્ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં શોકનું વાતાવરણ છે. તેવામાં ન્યૂઝ એજન્સી ANI મુજબ નીતિન પટેલે કહ્યું છે કે, બ્રિજનું નવીનીકરણ અને લોકાર્પણ મોરબી વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. તેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ગુજરાત સરકારની કોઈ ભૂમિકા નહોતી. જૂનો પુલ નાનો હતો અને ખાનગી ઉપયોગ માટે બનાવવામાં આવ્યો હતો, પરંતુ પ્રવાસીઓની અવરજવર માટે જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
- Advertisement -
અગાઉ શું કહ્યું હતું નીતિન પટેલે ?
મહત્વનું છે કે, ગઈકાલે એક ખાનગી ન્યૂઝ ચેનલમાં નીતિન પટેલે કહ્યું હતુ કે, આ જવાબદારી અમારી છે, કારણ કે રાજ્યમાં અમારી સરકાર છે. જિલ્લાનો વહીવટ અમારો, કલેક્ટર અમારા અને નગરપાલિકા પણ જિલ્લાના વહીવટ હેઠળ આવે છે. તેમણે કહ્યું કે, દિવાળી પછી બ્રિજ શરૂ થયા બાદ લોકો ત્યાં જતા હતા, આ કોઈ છૂપી વાત નથી, તેમ છતાં કોઈએ તેની નોંધ લીધી નથી. આ સાથે તેમણે ઉમેર્યું હતું કે, સરકારે આ મામલે તપાસ સમિતિની રચના કરી છે. ટૂંક સમયમાં તેનો રિપોર્ટ બધાની સામે આવશે જે બાદમાં આમાં કોની ભૂલ છે તે શોધી કાર્યવાહી કરવામાં આવશે.
#MorbiBridgeCollapse | Renovation & opening of the bridge was done by Morbi admin. Gujarat govt didn't have any role in it, direct or indirect. The old bridge was small & made for private use, but was opened to the public for tourist movement: Former Gujarat Deputy CM Nitin Patel pic.twitter.com/oyh8eW7FOC
- Advertisement -
— ANI (@ANI) October 31, 2022
PM નરેન્દ્ર મોદી આજે મોરબી પહોંચી પીડિત પરિવારોને મળશે
મોરબીમાં ઝૂલતો પૂલ તૂટવાની દુર્ઘટના બનતા આ હોનારતમાં 134 લોકોના મોત નિપજ્યાં છે. ત્યારે આ ઘટનાથી PM નરેન્દ્ર મોદી પણ ભાવુક થયા છે અને આજે PM મોદી બપોર બાદ મોરબીની મુલાકાતે જશે. જ્યાં PM મોદી દુર્ઘટના સ્થળની મુલાકાત લેશે. આ સાથે વડાપ્રધાન મોદી મોરબીમાં ત્રણ કલાક રોકાશે. આ દરમ્યાન મોરબી SP ઓફિસે મહત્વની બેઠક પણ કરવાના છે.
2 નવેમ્બરે ગુજરાતમાં રાજયવ્યાપી શોક પાળવાનો નિર્ણય
આ દરમિયાન, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં ગાંધીનગર રાજભવન ખાતે યોજાયેલી એક ઉચ્ચસ્તરીય બેઠકમાં મોરબીની દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગતોના શોકમાં આગામી તારીખ 2 નવેમ્બરે ગુજરાતમાં રાજયવ્યાપી શોક પાળવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ દિવસે સરકારી ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ રાખવામાં આવશે તેમજ કોઈ સરકારી જાહેર સમારંભો, સત્કાર સમારોહ કે મનોરંજન કાર્યક્રમો યોજાશે નહીં.
મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ તંત્રની સતત ખડે પગે કામગીરી
વિપદાની આ પળે મુખ્યમંત્રીએ ઘટનાસ્થળે જઈ અને મોરબી સિવિલ હોસ્પિટલની મુલાકાતો કરી તેમ જ વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ સાથે કામગીરીની સતત સમીક્ષા કરતા પ્રત્યક્ષ મોનિટરિંગ કર્યું હતું. અસરગ્રસ્ત લોકોને અગવડતા ન પડે તે માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પણ 100 બેડના અલાયદા વોર્ડની રચના કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ ઇજાગ્રસ્ત દર્દીઓની મુલાકાત તબિયતની જાણકારી મેળવી હતી.