ખાસ-ખબર સંવાદદાતા
સ્વાદ શોખિનોની સાથે સાથે ભેળસેળિયા તત્વો માટે પણ રાજધાની સમાન બની ગયેલા રાજકોટ શહેરમાં ભેળસેળ અને વાસી ખાદ્ય પદાર્થો વેચવાના કૌભાંડો દિન પ્રતિદિન મળવા લાગ્યા છે. દરમિયાન આજે બપોરે રાજકોટ મહાપાલિકાની આરોગ્ય શાખા અને ફૂડ શાખાની ટીમ દ્વારા શહેરની ભાગોળે જામનગર રોડ પર માધાપર ચોકડી પાસે આવેલા મનહરપુર ખાતે ભરત નમકીન નામની પેઢીમાં દરોડા કાર્યવાહી હાથ ધરી ઉંડાણપૂર્વક ચેકીંગ કરતા ત્યાંથી 9 હજાર કિલો અખાદ્ય ફરસાણ મળ્યું હતું જે જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આજે બપોરે આ લખાય છે ત્યારે વાસી ફરસાણના જથ્થાનો નાશ કરવાની કાર્યવાહી ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે.
વિશેષમાં રાજકોટ મહાપાલિકાના ચિફ હેલ્થ ઓફિસર ડો.જયેશ વકાણી અને ડેઝીગ્નેટેડ ફૂડ ઓફિસર ડો.હાર્દિક બી. મેતાએ જણાવ્યું હતું કે, આજે બપોરે ફૂડ વિભાગની ટીમ દ્વારા જામનગર રોડ ઉપર મનહરપુર વિસ્તારના વિનાયક મંડપ રોડ, દ્વારકાધીશ પેટ્રોલ પંપ પાસે આવેલી ભરત નમકીન નામની ઉત્પાદક પેઢીમાં દરોડા કાર્યવાહી હાથ ધરી ઉત્પાદન કેન્દ્રની તપાસ કરતા તેમજ સ્થળ ઉપર પેઢીના ફૂડ બિઝનેસ ઓપરેટર હિતેશભાઈ નારણદાસ ખખ્ખરની પૂછપરછ કરતા તેઓએ તેમની આ પેઢીમાં ફરસાણ અને વિવિધ નમકીન પ્રોડક્ટસ ઉત્પાદન કરતા હોવાનું જણાવ્યું હતું. દરમિયાન ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટની જોગવાઈઓ અનુસાર નમકીનના પેકીંગ ઉપર મેન્યુફેકચરીંગ ડેટ, બેચ નંબર, લોટ નંબર સહિતની વિગતો લેબલ ઉપર દશર્વિવી ફરજિયાત હોય છે પરંતુ અહીં ઉત્પાદીત કરાયેલા નમકીનના લેબલ ઉપર કે પેકેટ ઉપર આ પ્રકારની કોઈ જ વિગતો દશર્વિવામાં આવી નહોતી. આથી બોકસ પેકીંગ કરાયેલા 1650 કિલો કોર્ન બાઈટ, 1650 કિલો અન્ય વિવિધ પ્રકારના વેનિલા, સ્ટ્રોબેરી, ચોકલેટ, મિક્સ ફ્રુટ સહિતના ફ્લેવરના બીંગો (સક્કરપારા) બાઈટ, તેમજ કપડા ધોવાનો સોડા નાંખીને ઉત્પાદન કરાયેલા ફરસાણ, જનઆરોગ્ય માટે હાનિકારક અને ખાદ્ય પદાર્થોમાં નાંખવા માટે પ્રતિબંધિત એવા સિન્થેટીક કલર વિગેરે પદાર્થો નાંખીને બનાવેલા પાપડી ગાંઠિયા, ભાવનગરી ગાંઠિયા, ચવાણું સહિતનું મળી કુલ 9 હજાર કિલો ફરસાણ મળી આવ્યું હતું. તદુપરાંત સ્થળ ઉપર ઓગસ્ટ 2022માં એક્સપાયરી ડેટ વટાવી ચૂકેલો મેક્સીન મસાલાનો જથ્થો પણ મળ્યો હતો. આ તમામનો નાશ કરવામાં આવ્યો હતો અને ફૂડ બિઝનેસ ઓપરેટર સામે એજ્યુડીકેશન માટેની કાર્યવાહી કરવા તજવીજ શરૂ કરાઈ હતી.