લૂંટ બનાવ મામલે હાઇવે સીસીટીવી ફૂટેજ સાથે ડોગ સ્ક્વોડ સહિત તપાસ
જૂનાગઢ જિલ્લામાં શંકાસ્પદોની સઘન પૂછપરછ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.7
- Advertisement -
જૂનાગઢ જિલ્લાના બાંટવા નજીક અમદાવાદની કલા ગોલ્ડ પેઢીના સેલ્સમેન તરીકે ફરજ બજાવતા યાજ્ઞિકભાઇ ધર્મેન્દ્રભાઇ જોષી અને ધનરાજ ભાંડગે પોતાની કાર લઇને કુતિયાણાથી બાંટવા તરફ આવતા હતા ત્યારે રફાળા ગામના પાટીયા પાસે કારમાં હવા ઓછી થઇ હોવાનું માલુમ પડતા ચેક કરવા નિચે ઉતર્યા હતા તે સમયે એક શખ્સે છરી બતાવી હતી ત્યારે અન્ય બે શખ્સો પણ ત્યાં આવી ગયા હતા અને કારમાં રહેલા 1697 ગ્રામના સોનાના દાગીના, 8 કિલો ચાંદી અને 2.66 લાખ રોકડા મળી કુલ રૂા.1.15 કરોડથી વધુની કિંમતનો મુદ્દામાલની લૂંટ કરી અને પાછળના ભાગે છરી મારીને ત્રણેય શખ્સો નાસી છુટયા હતા.
બાંટવા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઇસમો સામે ગુનો નોંધી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. રૂા.1.15 કરોડની લૂંટની કડી મેળવવા પોલીસે નવ ટીમ બનાવીને જુદી-જુદી દીશામાં સઘન તપાસ શરૂ કરી છે. જેમાં એસપી હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ બે ડીવાયએસપી, પાંચ પીઆઇ, 11 પીએસઆઇ સહિત ક્રાઇમ બ્રાંચ અને એસઓજી પોલીસ સહિતનો સ્ટાફ લૂંટના આરોપીઓનું પગેરૂ શોધવા રાત દિવસ તપાસ શરૂ કરી છે. જેમાં માણાવદર તાલુકા સહિત જિલ્લામાં 30 પરપ્રાંતિઓની પુછપરછ સાથે જિલ્લાના શંકાસ્પદ લોકોની સઘન પુછપરછ સાથે તપાસ ચાલી રહી છે.
તેમજ પોલીસ દ્વારા કુતિયાણાથી માણાવદર સુધીના હાઇવે પરના 15 જેટલા સીસીટીવી કેમેરાની પણ તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે બે દિવસ પહેલા થયેલી લૂંટ મામલે અનેક તાણાવાણા સર્જાઇ રહ્યા છે. જ્યારે એફએસએલ અને ડોગ સ્કવોર્ડ દ્વારા તપાસ કરતા પોલીસ ડોગને લૂંટના બનાવ સ્થળે લઇ જવામાં આવેલ જેમાં ડોગ 100 મિટર જઇને ઉભો રહી ગયો હતો. આમ પોલીસ દ્વારા લૂંટની ઘટના મામલે ચારેય દિશામાં તપાસનો ધમધમાટ ચાલુ રહ્યો છે. પણ હજુ સુધી કોઇ નકકર પુરાવા હાથ લાગ્યા નથી.