21 કિમીની હાફ મેરેથોન અને 10 કીમી ડ્રીમ રન એમ બે કેટેગરીમાં દોડવીરો ભાગ લેશે
વિજેતાઓને મેઇલ-ફીમેઇલની વિવિધ કેટેગરીઓ મુજબ ઇનામો અપાશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ રનર્સ એસોસીએશન અને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ મેનેજમેન્ટ એસોસિએશનના સંયુકત ઉપક્રમે સૌરાષ્ટ્રમાં પ્રથમ વાર ડ્રગ્સના સેવન વિરુદ્ધ જાગરુકતા લાવવાના શુભ આશય સાથે આગામી તા. 25 માર્ચના રોજ રાજકોટમાં નાઇટ હાફ મેરેથોનનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. વર્તમાન સમયમાં યુવા વર્ગમાં વધતા જતા ડ્રગ્સના સેવનની વિરુધ્ધમાં અને સ્વાસ્થ્ય અંગે સજાગતા લાવવા માટે સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત રાજકોટના આંગણે રાત્રીના ચંદ્રપ્રકાશ અને સિતારાઓની રોશનીમાં રાજકોટ શહેરના રસ્તાઓ ઉપર દોડવીરો માટે આયોજન થવા જઈ રહ્યું છે જે રાજકોટવાસીઓ માટે ગૌરવની બાબત છે.
રાજકોટ રનર્સ એસોસીએશનના સેક્રેટરી ડો. દેવેન્દ્ર રાખોલીયા જણાવે છે કે રાજકોટમાં નાઇટ હાફ મેરેથોનનું આયોજન સૌરાષ્ટ્રમાં કદાચ પ્રથમવાર થવા જઈ રહ્યું છે. આવી મોટી ઇવેન્ટનું આયોજન રાજકોટ રનર્સ એસોસિએશન માટે પણ મોટી સિદ્ધિ છે. આ મેરેથોન થકી રાજકોટ, સૌરાષ્ટ્ર જ નહી પરંતુ દેશભારમાંથી આવતા દોડવીરો અને રાજકોટના રહેવાસીઓ માટે સાથે મળી સ્વાસ્થ્ય અને ડ્રગ્સના સેવન વિરુદ્ધ સમાજમાં જાગરુકતા લાવવા માટે એકમંચ પર આવવું તે પણ મોટી ઉપલબ્દ્ધિ સમાન બની રહેશે. અમારી અપેક્ષા 10,000 લોકો આ ઇવેન્ટમાં ભાગ લે તેવી છે અને તે માટે અમે દેશના વિવિધ રનર્સ કલબ અને ગ્રુપનો સંપર્ક કરી રહ્યા છીએ. ઉપરાંત વિવિધ માધ્યમો થકી લોકોને આ ઇવેન્ટ વિશે જાણ થશે તો આ યુનિક ઇવેન્ટમાં ભાગ લેવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે તેવી અમને આશા છે. આ હાફ મેરેથોન સાથે ફન રન રાખવામાં આવી નથી તેથી મીનીમમ 10 કી.મી.ની ડ્રીમ રન રહેશે. આમા ભાગ લેવા 14 વર્ષથી મોટી ઉમરના શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, યુવાઓ અને તમામ ફિલ્ડના રનર્સ ભાગ લઈ શકશે.