NGT દ્વારા નિયમોનો ભંગ કરનાર રાજ્યો સામે કડક કાર્યવાહી કરી છે. તેમજ રાજ્ય સરકારને અસરકારક પગલા લેવા તાકીદ પણ કરવામાં આવી છે.
પર્યાવરણને નુકશાન કરતા ઘન-પ્રવાહી કચરો તેમજ નદીમાં ઠાલવવામાં આવતા દૂષિત પાણી છોડી NGT નાં નિયમનો ભંગ કરતા રાજ્યો સામે લાલ આંખ કરી છે. ત્યારે સુએજ ટ્રિટમેન્ટ પ્લાન્ટ ખાતે પણ નિયમોની અમલવારી ન થતા NGT એ ગુજરાત સરકારને રૂા. 2100 કરોડનો દંડ ફટકાર્યો હતો. તેમજ રાજ્ય સરકારને અસરકારક પગલા લેવા તાકીદ પણ કરી હતી.
- Advertisement -
NGT દ્વારા સરકારને પ્રદૂષિત પાણી નદીમાં ન છોડવા આદેશ કર્યો
ગુજરાત દિન પ્રતિદિન ઔધોગિક ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે. તો બીજી તરફ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રદૂષણને અટકાવવામાં સદંતર નિષ્ફળ નીવડી રહ્યું છે. ત્યારે આજે પણ સાબરમતી નદી સહિત ગુજરાતની અનેક નદીઓ આજે પણ પ્રદૂષિત છે. તો સુપ્રિમ કોર્ટ તેમજ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા પણ અનેક વખત સરકારને પ્રદૂષિત પાણી નદીમાં ન છોડવા માટે આદેશ કર્યો હતો. તેમ છતાં પણ સરકાર દ્વારા કોઈ જ અમલવારી કરવામાં આવતી ન હતી.
સોલિડ વેસ્ટને લઈ જરૂરી પગલા લેવાયા નથી
અમદાવાદ શહેર દિન પ્રતિદિન હરણફાળ ગતિએ આગળ વધી રહ્યું છે. ત્યારે અમદાવાદ જેવી મેટ્રો સીટીમાં સોલિડ વેસ્ટને લઈ જરૂરી પગલા લેવાયા નથી. તો હજુ પણ ઘણી નગર પાલિકા દ્વારા ઘન કચરો તેમજ પ્રવાહી કચરાને અલગ કરી તેનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાની કોઈ વ્યવસ્થા નથી તો બીજી તરફ નગર પાલિકા વિસ્તારમાં કચરો ક્યાં નાંખવો તેની જગ્યા પણ ઉપલબ્ધ નથી.
ગુજરાતમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવ્યા નથી
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા વર્ષ 2021 બાદ ઉભા કરાયેલ સુએજ ટ્રિટમેન્ટ પ્લાન ઉભા કરવા સૂચના આપી હતી. તેમ છતાં પણ ગુજરાતમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવ્યા નથી. ત્યારે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા પ્રદૂષણ કરતા મોટા તેમજ નાનાં ઉદ્યોગોને રૂા. 2.5 લાખથી માંડીને 1 કરોડનો દંડ ફટકારવાની સૂચના આપી આપવામાં આવી હતી. પ્રદૂષણનાં કારણે પર્યાવરણને ભારે નુકશાન થઈ રહ્યું છે. જેને ધ્યાને લઈ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે કડક કાર્યવાહી કરી રાજ્ય સરકારને દંડ ફટકાર્યો છે.



