ગુજરાતી પત્રકારત્વ
બે સદીની લેખનયાત્રા
– ભવ્ય રાવલ
આજ કી તાઝા ખબર… આજ કી તાઝા ખબર…
- Advertisement -
અખબાર વિતરકથી લઈ વોટ્સએપ ગ્રુપ એડમિન ગામ આખામાં ક્યાંક કોઈ છાપું મળે કે ન મળે, વોટ્સએપના એકાદ ગ્રુપમાં કોઈપણ છાપાઓ મળી જાય
કડકડતી ઠંડી, મૂશળધાર વરસાદ, આગ દઝાડતા તડકા પડે કે તોફાનો, હુલ્લડો, દેશબંધ, કર્ફ્યૂ, લોકડાઉન થાય.. અખબારની કચેરીએ તાળા લાગતા નથી, એ ધમધમતી રહે છે, અખબારો નિયમિત બહાર પડતા રહે છે અને એ નિયમિત બહાર પડતા અખબારોને અખબાર વિતરકો હજારો-લાખો વાંચકો સુધી પહુંચાડવામાં મહત્વપૂર્ણ કળી સાબિત થતા હોય છે
આજ કી તાઝા ખબર.. આજ કી તાઝા ખબર.. શહેરના ચાર રસ્તા પર એક છોકરો મોટેમોટેથી બૂમ પાડી અખબાર વહેંચતો હોય છે. ટ્રાફિક સિગ્નલ પર અખબાર ખરીદવા પડાપડી થતી હોય છે. 70 કે 80ના દસકની હિંદી ફિલ્મોમાં ઘણીવાર આ દૃશ્ય જુદીજુદી રીતે દેખાડવામાં આવ્યું છે. આવું જ કઈક દૃશ્ય 90ના દસક બાદની હિંદી ફિલ્મોમાં પણ અલગઅલગ રીતે દર્શાવવામાં આવ્યું છે. વહેલી સવારે સાયકલ પર અખબાર વિતરક અખબાર વિતરણ કરવા નીકળી પડે. સાયકલ ચલાવતા-ચલાવતા અખબાર વિતરક થેલીમાં ભરેલા અખબારોમાંથી એક પછી એક અખબાર નીકાળીને ઘર કે એપાર્ટમેન્ટની બાલ્કનીમાં એક જ ઘામાં પહુંચાડી આપે. જોનારા જોતા જ રહી જાય તેવું આ દૃશ્ય આજેપણ ઘણી ફિલ્મોમાં જોવા મળે છે. જોકે હવે અખબાર વિતરકો ચાર રસ્તા પર ઉભા રહી આજ કી તાઝા ખબર.. આજ કી તાઝા ખબર.. મોટેમોટેથી બૂમો પાડી અખબાર વહેંચતા નથી. ચૂપચાપ ચાર રસ્તા પર ઉભા રહી અખબાર વહેંચતા હોય છે અને ટ્રાફિક સિગ્નલ પર અખબાર ખરીદવા એકલદોકલ લોકો આવતા રહેતા હોય છે. હવે મોટાભાગના અખબાર વિતરકો ઠેકઠેકાણે અખબાર વિતરણ કરવા સાયકલની જગ્યાએ સ્કૂટર પર નીકળે છે.
- Advertisement -
સમાચારો, પ્રેસનોટો, તસવીરો, જાહેરખબરો, નોટિસો, અવસાનનોંધો વગેરે ભેગા કરી, ભેગી કરેલી અખબારી સામગ્રીઓને સુધારી-મઠારી અખબારી કાગળ – ન્યૂઝ પ્રિન્ટ પર મુદ્રિત-પ્રકાશિત કરવામાં આવે છે ત્યારે એક આખું અખબાર બને છે પણ જો એ અખબાર વાંચકો સુધી ન પહુંચે તો? મીડિયાહાઉસની વિવિધ વ્યવસ્થાઓમાં અખબાર વિતરણ વ્યવસ્થા અતિ અગત્યનું પાસું છે.
જેમ તંત્રી વિભાગ – એડિટોરિયલ અખબારના મુખ્ય અંગ છે તેમ અખબાર વિતરણ વિભાગ અખબારનું મહત્વપૂર્ણ અંગ છે. કકળતી ઠંડી, મૂશળધાર વરસાદ, આગ દઝાડતા તડકા પડે કે તોફાનો, હુલ્લડો, દેશબંધ, કર્ફ્યૂ, લોકડાઉન થાય.. અખબારની કચેરીએ તાળા લાગતા નથી, એ ધમધમતી રહે છે. અખબારો નિયમિત બહાર પડતા રહે છે અને એ નિયમિત બહાર પડતા અખબારોને અખબાર વિતરકો હજારો-લાખો વાંચકો સુધી પહુંચાડવામાં મહત્વપૂર્ણ કળી સાબિત થતા હોય છે. દરરોજ સમયસર દૈનિક પ્રગટ કરવાથી કશું નથી થયું, દરરોજ સમયસર પ્રગટ કરેલું દૈનિક વાંચકો સુધી પણ સમયસર પહોચવું જોઈએ. અખબારને વાંચકો સુધી પહુંચાડવાનું આ કામ અખબાર વિતરણ વિભાગના વિતરકો કરે છે.
દરરોજ સવારે કે સાંજે સમયસર દૈનિક પ્રગટ થયા પછી અખબાર વિતરકો – એજન્ટો દ્વારા અખબારના ગ્રાહકો – વાંચકોને સમયસર દૈનિક પહુંચાડવામાં આવે છે. કોઈ ગામ કે નગરમાં અખબારની પચ્ચીસ-પચાસ નકલ જતી હોય કે શહેરમાં પચ્ચીસ-પચાસ હજાર નકલ જતી હોય.. સંખ્યા ઓછી હોય કે વધુ હોય પરંતુ ગામેગામ શહેરેશહેર અખબારો પ્રસિદ્ધ થયા બાદ તેને ગ્રાહકો – વાંચકો સુધી પહુંચાડવાની જવાબદારી અખબાર વિતરકો – એજન્ટોની હોય છે, તેને ફેરિયા પણ કહેવાય છે અને કોઈ છાપાવાળા પણ કહે છે તો કોઈ અખબાર વિક્રેતા. જે સ્થળેથી અખબાર પ્રગટ થતું હોય તેની આસપાસના સ્થળોએ અખબાર વિતરકો સાયકલ કે સ્કૂટર પર ગ્રાહકો – વાચકોને અખબાર પહુંચાડે છે પરંતુ જો અખબારની બહારગામ આવૃત્તિ પ્રગટ થાય છે તો તેને ગાડી, બસ, રેલવે કે વિમાન દ્વારા પાર્સલથી જે-તે સ્થળે મોકલવામાં આવે છે અને ત્યાંથી અખબાર વિતરકો સાયકલ કે સ્કૂટર પર ગ્રાહકો – વાંચકો સુધી અખબારની બહારગામ આવૃત્તિ પહુંચાડે છે. ગુજરાતી પત્રકારત્વની બે સદીની યાત્રામાં આ રીતે અખબાર વિતરણ થતું આવ્યું છે. જોકે હવે સમયની સાથે અખબાર વિતરણ વ્યવસ્થામાં નોંધનીય પરિવર્તન આવ્યું છે.
ન્યૂઝ વેન્ડર અખબારની હાર્ડ કોપી સર્ક્યુલેટ કરતા આવ્યા છે તો વોટ્સએપ ગ્રુપ એડમિન ન્યૂઝપેપરની સોફ્ટ કોપી સર્ક્યુલેટ કરતા થઈ ગયા છે. સમયાંતરે છાપકામ તથા સંદેશાવ્યવહારમાં ક્રાંતિ થવાથી સમાચાર-પ્રસારણના સાધન તરીકે કાગળ પર છાપેલા અખબારનો ઈજારો ખત્મ થઈ ગયો છે અને દૈનિક તરીકેનું સામયિકપણું પણ રહ્યું નથી. ડિજીટલ મીડિયામાં અખબાર વિતરકોની ભૂમિકા ભજવનારા વોટ્સએપ ન્યૂઝ ગ્રુપના એડમિન – યુઝરે અખબાર વિતરકોની મોનોપોલી ખત્મ કરી નાખી છે તેમ કહેવું ખોટું નહીં રહે. ડિજીટલ યુગની શરૂઆતથી અખબારની વહેંચણી માટેની વ્યક્તિ કે વાહન વ્યવસ્થાનું મહત્ત્વ ઘટી ગયું છે. હવે વોટ્સએપ ગ્રુપમાં લવાજમ ભર્યા વિના દુનિયાભરના ઈ-પેપર વાંચી શકાય છે. ન્યૂઝ ગ્રુપના એડમિન – યુઝર અખબાર વિતરકોનું સ્થાન લઈ લીધું છે. વોટ્સઅપ જ કેમ પરંતુ ફેસબૂક, ટ્વીટર, ઈન્સ્ટાગ્રામ, ટેલીગ્રામ સહિત વિવિધ ન્યૂઝ વેબસાઈટ અને એપ્લીકેશન પર અખબારના પાનાંઓ ફોટો – જેપીજી અથવા પીએડીએફ ફાઈલ સ્વરૂપે ઉપલબ્ધ હોય છે. કોઈપણ વ્યક્તિ ક્યાંય પણ દુનિયાભરના અખબારો – સામયિકો મોકલી – વાંચી શકે છે. ગામ આખામાં ક્યાંક કોઈ છાપું મળે કે ન મળે, વોટ્સએપના એકાદ ગ્રુપમાં કોઈપણ છાપાઓ મળી જાય છે.
વોટ્સએપથી લઈ વિવિધ ડિજીટલ મીડિયામાં પબ્લિશ – શેઅર થતા ઈ-પેપરથી જે-તે અખબારો કે સામયિકોનું સરક્યુલેશન વધ્યું છે. વોટ્સએપના વિવિધ ન્યૂઝ ગ્રુપમાં નાના-મોટા મીડિયાહાઉસના ઈ-પેપર ફ્રિમાં અને ઈઝીલી મળવા લાગ્યા છે. કોરોનાકાળમાં સંપૂર્ણ લોકડાઉન દરમિયાન જ્યારે કેટલીક જગ્યાએ અખબાર વિતરકો મર્યાદિત સંખ્યામાં અખબારોનું વિતરણ કરી શકતા હતા કે પછી અખબાર વિતરકોને કેટલાંક સ્થળોએ અખબાર વિતરણ કરવાની મનાઈ ફરમાવી દેવામાં આવી હતી ત્યારે સોશિયલ મીડિયા દ્વારા ડિજીટલ સ્વરૂપે અખબારોને દેશ-દુનિયામાં પહુંચાડવામાં આવ્યા હતા. માતબાર મીડિયાહાઉસના ગુજરાતી અખબારો આસાનીથી વોટ્સએપના એકાદા ગ્રુપમાં તો મળી જ રહે છે અને જો વોટ્સએપ પર ન મળે તો ફેસબૂક, ટ્વીટર, ઈન્સ્ટાગ્રામ, ટેલીગ્રામ સહિત વિવિધ ન્યૂઝ વેબસાઈટ કે પછી એપ્લીકેશન પર મળી જાય છે. કેટલાંક સમાચાર પ્રેમીઓ સ્વેચ્છાએ સમય – શક્તિ ખર્ચીને દિવસ-રાત વોટ્સએપના ગ્રૂપમાં બ્રેકીંગ ન્યૂઝથી લઈ ન્યૂઝપેપર મોકલતા જ રહે છે. ભાગ્યે જ કોઈ એવું ગુજરાતી અખબાર કે સામયિક હશે જે વોટ્સઅપ પર કોઈ ન્યૂઝ ગ્રુપમાં મળતું નહીં હોય.
એક સમયે એવું લાગતું હતું કે, અખબાર વિતરકો વિના અખબારના અસ્તિવની કલ્પના કરવી મુશ્કેલ છે, જો વિતરકો બે-ત્રણ રૂપિયાનું અખબાર ચાર આના – આઠ આના માટે થઈ વિતરણ કરવાનું બંધ કરી નાખે તો અખબારની કિંમત બે-ત્રણ રૂપિયા પણ ન રહે. આજે એવું લાગી રહ્યું છે કે, અખબાર વિતરણ વ્યવસ્થામાં વિતરકો-એજન્ટો-ફેરિયાઓનું મહત્વ-મૂલ્ય ઘટ્યું છે. ઈ-પેપર બહાર પડવાથી મીડિયાહાઉસને કેટલો નફો-નુકસાન એ અલગ ચર્ચાનો વિષય છે, ઈ-પેપર બહાર પડવાથી અખબાર વિતરકોને નુકસાન ચોક્કસથી થયું છે. હવે અખબાર વિતરકો, એજન્ટો, ફેરિયાઓ કે છાપાવાળાઓની સંખ્યા ઓછી થઈ રહી છે. અખબારો પ્રિન્ટ ન થાય, માત્ર ડિજીટલ ફોરમેટમાં પબ્લિશ – શેઅર થવા લાગે તો એ સમય પણ દૂર નથી જ્યારે તેઓ ફક્ત જૂના ફિલ્મી દૃશ્યોમાં જ જોવા મળે. અને બની શકે એક સમય એવો પણ આવે, અખબારો પ્રિન્ટ થવાનું બંધ થાય છતાં અખબારો પ્રગટ થવાનું ચાલુ રહેશે અને ઈ-પેપર સ્વરૂપે પબ્લીશ થતા રહેશે.
વધારો : હવે વહેલી સવારે બ્રશ કરતાંકરતાં કે ચા પીતાંપીતાં શાંતિથી એક હાથમાં અખબાર પકડીને ઝીણુંઝીણું વાંચતા રહેવાનું કે પછી વહેલી સાંજે ઓફિસથી ઘર જતા સમયે ક્યાંય પણથી અખબાર મળી જાય તો ઝડપથી બે-પાંચ મિનિટ ઉપરછલી નજર નાખી જોઈ લેવાનું ભાગ્યે જ બને છે. હવે કોઈ વ્યક્તિ મોબાઈલ સ્ક્રિન પર મશગુલ છે તો બની શકે એ અખબારની ડિજીટલ એડિશન પણ વાંચી રહ્યો હોય, વાંચીને ફોરવર્ડ કરી રહ્યો હોય. આજના જમાનામાં વિતરકો પહેલા વાંચકોના હાથમાં અખબાર આવી જાય છે – ઈપેપર સ્વરૂપે.