સારવાર બાદ તબીબનું તારણ : આજીવન 90 ડિગ્રીથી વધુ પગ નહીં
વળી શકે
શારીરિક સાથે આર્થિક ફટકો પડ્યો : તંત્રની બેદરકારી સામે પતિનો રોષ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટનાં રાજમાર્ગો પરના જીવલેણ ખાડાઓની લીધે અનેક અકસ્માતો સર્જાઈ રહ્યા છે ત્યારે શહેરના પરસાણા ચોક પાસે બાઇક સ્લીપ થતા ઘવાયેલા જુલીબેન પંડ્યા નામની મહિલાને કાયમી ખોટ રહી ગઈ છે 15 મહિના પહેલાં જેનાં લગ્ન થયા હતા તે મહિલાનો પગ હવે આજીવન 90 ડિગ્રી કરતાં વધુ નહીં વળી શકે આ ઘટનાએ મહાપાલિકા તંત્રની બેદરકારી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે સાથોસાથ તેમની નોકરી પણ છૂટી જતા આર્થિક નુકશાની પણ વેઠવી પડી છે તેમના પતિએ તંત્ર સામે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે માત્ર લોકોને હેલ્મેટ પહેરાવવાથી અકસ્માત ઘટશે નહીં તંત્ર પોતાની જવાબદારી સમજી બધા ખાડા બુરે તે જરૂરી છે.
- Advertisement -
ગંભીર અકસ્માતનો ભોગ બનનાર જુલીબેનના પતિ વત્સલ પંડ્યાએ જણાવ્યું હતું કે, મારા લગ્નને હજુ 15 મહિના જ થયા છે અને મારી પત્ની પથારીવશ છે. આ અકસ્માત રસ્તા પરનાં ખાડા અને તંત્રની બેદરકારીનાં કારણે થયો છે બેદરકાર તંત્રની કામગીરી સામે આક્ષેપ કરતાં કહ્યું કે, નાગરિકો પોતાની જવાબદારી સમજીને ટેક્સ ભરે છે અને દંડ પણ ભરે જ છે. પરંતુ તંત્ર પણ પોતાની ફરજ સમજે તે પણ અનિવાર્ય છે.
હેલ્મેટ પહેરાવવાથી અકસ્માતો નહીં રોકાય, અકસ્માતો રોકવા માટે રોડના ખાડા પૂરવા જરૂરી છે આ અકસ્માતથી માત્ર શારીરિક નહીં પણ આર્થિક ફટકો પણ પડ્યો છે પત્ની જુલીબેન વાર્ષિક 7.50 લાખ રૂપિયા પગારની નોકરી કરતાં હતા. આજે અકસ્માતને કારણે તેમની નોકરી છૂટી ગઈ છે. લાખો રૂપિયાનો પગાર જતો રહ્યો છે જે મારા પરિવાર માટે મોટો આર્થિક ફટકો છે સાથે જ માનસિક રીતે પણ અમે પડી ભાંગ્યા છીએ મારા પત્નીનો પગ આજીવન 90 ડીગ્રી કરતા વધુ નહીં વાળી શકાય તેવું ડોક્ટર્સનું કહેવું છે જેના કારણે અમારા પરિવાર ઉપર આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે આ મારા એક પરિવારની વાત નથી, ખાડાઓનાં કારણે આ પ્રકારે અનેક લોકોની જીંદગી બરબાદ થાય છે પણ આ સરકાર લોકોનું માથું સલામત રહે અને મત મળતા રહે એ માટે હેલ્મેટ પહેરાવીને સંતોષ માને છે ફરી કોઈ અન્ય પરિવાર આ પ્રકારે અકસ્માતનો ભોગ બને તે પૂર્વે તંત્ર દ્વારા તાકીદે રાજમાર્ગો ઉપરના ખાડા બુરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.



