રાજકોટ ખાતે સામાજિક સમરસતા પરિવાર મિલન યોજાયું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
હિંદુ આધ્યાત્મિક સેવા સંસ્થાન દ્વારા રાજકોટ ખાતે સામાજિક સમરસતા મહાયજ્ઞ યોજાયો. આ 125 કુંડી મહાયજ્ઞનો મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. આ તકે રાષ્ટ્રવાદને ધ્યાનમાં રાખી માર્ગદર્શક પ.પૂ. ડો. પરમાત્માનંદ સરસ્વતીજી (સંયોજક અને મહામંત્રી, હિંદુ આચાર્ય સભા) અને મઠાધીશપતિ બ્રહ્મદેવજી મહારાજના અધ્યક્ષસ્થાને 100થી વધુ સાધુ-સંતોની ‘રાષ્ટ્ર સમર્પિત સમાજ માટે સાધુ-સંતોનું કર્તવ્ય’ વિષય આધારિત બેઠક યોજાઈ હતી.જાન્યુઆરી મહિનામાં અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી ખાતે સેવા મેળો યોજાયો હતો. આ સેવા મેળામાં ગુજરાતની અનેક ધાર્મિક અને સેવાકીય સંસ્થાઓએ ભાગ લીધો હતો. મોટી સંખ્યામાં લોકો આ મેળામાં ઉમટી પડ્યા હતા અને ધાર્મિક સંસ્થાઓના સેવાકાર્યોથી પરિચિત થયા હતા. તાજેતરમાં રાજકોટ ખાતે સામાજિક સમરસતા પરિવાર મિલનમાં 90થી વધારે પરિવાર અને 240થી વધુ લોકોએ રામનવમી નિમિત્તે એકત્રિત થઈને સેવા ભારતી કાર્યાલય ખાતે સહપરિવાર સમરસતા મહાયજ્ઞનો વિડીયોદર્શન કર્યા અને ત્યારબાદ સહપરિવાર ફરાળ (સમૂહભોજન) કર્યું.
હિંદુ આધ્યાત્મિક સેવા સંસ્થાન રાજકોટ મહાનગર ટીમની ઘોષણા કરવામાં આવી હતી. જેમાં રાજકોટ મહાનગર સંયોજક તરીકે પરેશભાઈ પી. ખોખર એડવોકેટ અને સહસંયોજક તરીકે મયુરભાઈ સોની અને આશાબેન ભટ્ટી જવાબદારી વહન કરશે.
આ તકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સૌરાષ્ટ્ર પ્રાંત સહકાર્યવાહ દેવેન્દ્રભાઈ દવે, પ્રાંત કાર્યકારિણી સદસ્ય નરેન્દ્રભાઈ દવે, પૂર્વધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, ગુજરાત રાજ્ય ભાજપ એસ.સી. મોરચા પ્રમુખ ગૌતમભાઈ ગેડીયા, મહારાષ્ટ્ર મંડળ પ્રમુખ વાધમારેજી, કોર્પોરેટર વિનુભાઈ ધવા અને રાજકોટ વિભાગ સંયોજક કૌશિકભાઈ ટાંક અને માલાબેન લોઢીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.