15 દિવસમાં અલગ-અલગ ચાર રેડમાં 735 બોટલ વિદેશી દારૂ જપ્ત કરાયો, અસામાજિક તત્વો પર પોલીસની ધોંસ
ખાસ-ખબર સંવાદદાતા
વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં તાજેતરમાં જ નવનિમણુંક પામેલા પીએસઆઇ લલિતાબેન ભારગા અને ટીમની કામગીરીથી બુટલેગરોમાં ફફડાટ ફેલાઇ ગયો છે, જેમાં છેલ્લા પંદર દિવસમાં તાલુકા પોલીસ ટીમ દ્વારા અલગ અલગ ચાર રેડ કરી 735 કરતા વધારે બોટલ વિદેશી દારૂની ઝડપી લેવામાં સફળતા મળી છે. વાંકાનેર તાલુકા મહિલા પીએસઆઇ એલ. એ. ભરગા અને ટીમના મયુરધ્વજસિંહ જાડેજા, ચમનભાઈ ચાવડા, હરિશ્ચંદ્રસિંહ ઝાલા, સંજયસિંહ જાડેજા, વિજયભાઈ ડાંગર, રવિભાઈ કલોતરા, અજયસિંહ ઝાલા સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવેલ પ્રથમ રેડમાં અગાભી પીપળીયા ગામની સીમમાં આવેલ વાડીમાં દરોડો પાડી ઢોર બાંધવાની ગમાણમાં છુપાવેલ અલગ અલગ બ્રાન્ડની દારૂની 750 મીલીની 28 બોટલ અને 180 મીલીની 167 બોટલ સાથે આરોપી યોગીરાજસિંહ ગિરિરાજસિંહ જાડેજાની અટકાયત કરી હતી. બીજા બનાવમાં કણકોટ ગામના પાટીયા પાસે પોલીસે વોચ ગોઠવી ત્યાંથી પસાર થતી એક શ-20 કારમાંથી 192 બોટલ દારૂ સાથે આરોપી કલ્પેશભાઈ ઉર્ફે લાલો બાબુભાઈ ખાચર અને છત્રજીતભાઈ વિજયભાઈ ખાચરની ધરપકડ કરવામાં આવી હતી. ત્રીજા બનાવમાં વાંકાનેરના નવા ઢુવા ગામથી લાકડધાર ગામ તરફ જતા રોડ પર આવેલ બંધ સ્વીફ્ટ સીરામીકની પાછળના ભાગે ખુલ્લા પટમાં એક ઇકો કારમાંથી દારૂના કટીંગ સમયે દરોડો પાડતાં બુટલેગરોમાં નાશભાગ મચી હતી, જેમાં પોલીસે સ્થળ પરથી અલગ અલગ બ્રાન્ડની 240 નંગ વિદેશી દારૂની બોટલો સાથે આરોપી મેરાભાઈ હરેશભાઈ ભાટીયાને ઝડપી લીધો હતો. ચોથા બનાવમાં પોલીસે ઢુવા ગામે રહેણાંક મકાનના ફળિયામાં ખાડો ખોદી પ્લાસ્ટિકના મોટા ઝબલામાં સંતાડેલ અલગ અલગ બ્રાન્ડની 108 બોટલ વિદેશી દારૂ સાથે આરોપી મુકેશભાઈ બાબુભાઈ કારેલીયાને ઝડપી લીધો હતો.